જી-20 સમિટ : દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી આપણે વધુમાં વધુ સશસ્ત્ર સંઘર્ષો જોઈ રહ્યા છીએ : લુલા
- બ્રાઝિલના પ્રમુખે આ સાથે વિશ્વમાં વધી રહેલી ગરીબી, વ્યાપી રહેલા ભૂખમરા પ્રત્યે જી-20 દેશોનું ધ્યાન દોર્યું હતું
રાયો દ'જાનેરો : વિશ્વના અગ્રીમ ૨૦ દેશોની અહીં મળી રહેલી જી-૨૦ શિખર પરિષદમાં પ્રમુખ લૂઈઝ ઇશાશ્યો લુલા ડી સિલ્વાએ વિશ્વમાં વધી રહેલી ગરીબી અને વ્યાપી રહેલા ભૂખમરાનો ઉપાય વહેલામાં વહેલી તકે શોધવા સભ્ય દેશોને અનુરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે, તે દૂર કરવા અગ્રણીઓ એક સાથે મળી કાર્યરત બને તો તે દૂર થઇ જ શકે તેમ છે. જરૂર છે માત્ર તે માટેની પ્રતિબદ્ધતાની પ્રમુખ લુલાનાં આ વિધાનોને અમેરિકાના પ્રમુખ જો બાયડેન ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામે તાળીઓ પાડી વધાવી લીધાં હતાં.
આ પછી પ્રમુખ લુલાએ વિશ્વમાં વ્યાપી રહેલા સશસ્ત્ર સંઘર્ષો પ્રત્યે ઉપસ્થિત સર્વેનું ધ્યાન દોરતાં કહ્યું કે, અત્યારે વિશ્વમાં દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વ્યાપેલા સૌથી વધુ સશસ્ત્ર સંઘર્ષો જોવા મળે છે. જે ગરીબી અને ભૂખમરાનો વ્યાપ સતત વધારી રહ્યા છે.
આ સાથે તેઓએ ૨૦૦૮ની કટોકટી પછી વૉશિંગ્ટનમાં મળેલ સૌથી પહેલી જી-૨૦ દેશોની પરિષદની યાદ આપતાં ખેદ સાથે કહ્યું હતું કે તે પછીનાં ૧૬ વર્ષમાં સમગ્ર વિશ્વમાં અનેક સ્થળોએ સશસ્ત્ર સંઘર્ષ વધી રહ્યા છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી હજી સુધીમાં આ સંઘર્ષો ટોચે પહોંચી ગયા છે. પરિણામે અસાધારણ સંખ્યામાં લોકો વિસ્થાપિત થઇ ગયા છે. બીજી તરફ આપણે અસામાન્ય ઋતુ પરિવર્તનનો સામનો કરી રહ્યાં છીએ. ઉપરાંત સામાજિક જાતિગત અને જાતીય અસમતુલા પણ મહામારી પછી વધતાં જ જાય છે. ગરીબી અને ભૂખમરો આપણા સર્વેની સામુહિક કરૂણાંતિકા બની રહ્યા છે.