Get The App

ઢાકામાં કટ્ટરવાદીઓએ ઇસ્કોન સેન્ટર મંદિર સળગાવ્યા, મૂર્તિઓ બળી ગઇ

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
ઢાકામાં કટ્ટરવાદીઓએ ઇસ્કોન સેન્ટર મંદિર સળગાવ્યા, મૂર્તિઓ બળી ગઇ 1 - image


છત ઉખાડી ગર્ભગૃહમાં પેટ્રોલ છાંટી આગ લગાવી ઃ કોલકાતા ઇસ્કોન

પાકિસ્તાનીઓને બાંગ્લાદેશ તપાસ વગર વિઝા આપશે  ભારત સાથેના ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કરારો તોડયા

ઢાકા: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને મંદિરો પર હુમલા હવે સામાન્ય બનતા જાય છે. અગાઉ ઇસ્કોન સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હવે ઢાકામાં સ્થિત ઇસ્કોન મંદિર પર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો. અને મંદિરને આગ લગાવી દેવાઇ હતી. જેમાં મંદિરમાં રખાયેલી મુર્તીઓ પણ બળીને ખાખ થઇ ગઇ હતી. આ દાવો કોલકાતા સ્થિત ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કર્યો હતો.  

રાધારમણ દાસે મીડિયાને જણાવ્યું હતું કે શનિવારે એક ઇસ્કોનમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ સળગી ગઇ હતી. એટલુ જ નહીં ઇસ્કોન સાથે જોડાયેલા લોકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રવિવારે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ઢાકા સ્થિત શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર અને શ્રી શ્રી મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરને આગ લગાવી દેવાઇ હતી. મૂર્તીઓને આગ લગાવવા માટે છત ઉખાડીને અંદર પેટ્રોલ નાખવામાં આવ્યું હતું બાદમાં આગ લગાવાઇ હતી. 

બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તામાંથી હટાવ્યા બાદ કમાન સંભાળી રહેલા મોહમ્મદ યુનુસ હવે પાકિસ્તાન અને ચીનને ખુશ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ ચીનમાં નેતાઓને મોકલ્યા હતા હવે પાક.ને ખુશ કરવા એક નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે પાકિસ્તાનીઓને કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વગર બાંગ્લાદેશના વિઝા આપવાનો નિર્ણય લીધો છે. અગાઉ સિક્યુરિટી સર્વિસ ડિવિઝન દ્વારા પાક.ના નાગરિકોના વિઝા મંજૂર કરતા પહેલા નો ઓબ્જેક્શન ક્લિયરંસ અપાતું હતું, જેને હવે મોહમ્મદ યુનુસ સરકારે હટાવી દીધુ છે. આ ઉપરાંત વધુ એક ભારત વિરોધી નિર્ણય લેવાયો છે. ભારતે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં મોબાઇલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા માટે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો હતો. બેંડવિડ્થ ટ્રાંઝિટ સુવિધા આપવા માટે આ કરાર બાંગ્લાદેશે કર્યો હતો જેને હાલ રદ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવામાં મદદરૂપ થવાનું હતું પરંતુ હવે અંતિમ સમયે હાથ ઉંચા કરી લીધા છે. 

- બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવો ઃ વ્હાઈટ હાઉસ પાસે દેખાવો યોજાશે

- બાંગ્લાદેશની સ્થિતિ માત્ર એક ક્ષેત્રીય સંકટ જ નથી, તે એક માનવીય આપત્તિ છે ઃ નરસંહાર માનવતા વિરૂદ્ધનો અપરાધ છે

- આવા દેખાવો શિકાગોમાં રવિવારે પ્રતિષ્ઠિત નાગરિકોનાં નેતૃત્વ નીચે કરવામાં આવશે.

વૉશિંગ્ટન : બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થઈ રહેલા હિંસાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઠેર-ઠેર દેખાવો યોજાય છે. અમેરિકામાં પણ હિંસાનો મુદ્દો ગરમાયો છે. ત્યાં વસતા ભારતીઓને આગામી બે દિવસ દરમ્યાન વૉશિંગ્ટન અને શિકાગોમાં શાંતિપુર્ણ રેલીઓ યોજવા નિર્ણય કર્યો છે. ''બાંગ્લાદેશમાં હિન્દુઓના નર-સંહાર''ના વિરોધમાં માર્ચ યોજવા આયોજન કર્યું છે. ''હિન્દુ-એકશન'' દ્વારા સોમવારે વ્હાઈટ હાઉસની પાસે દેખાવો યોજવામાં આવશે. તેનું મુળ સુત્ર હશે ''નરસંહાર રોકો ઃ બાંગ્લાદેશમાં હિન્દુઓનું જીવન બચાવો.''

ભારતીય અમેરિકનો દ્વારા ગત કેટલાયે મહિનાઓમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ થઈ રહેલા અપરાધોનું દસ્તાવેજીકરણ કરવા માટે બનાવાયેલી વેબસાઈટ પર  કહેવામાં આવ્યું છે કે ''બાંગ્લાદેશમાં સ્થિતિ માત્ર ક્ષેત્રીય સંકટ નથી તે એક માનવીય આપત્તિ છે. નરસંહાર માનવતા સામેનો અપરાધ છે. તેથી, હિન્દુઓનું રક્ષણ કરવું તે માટે હસ્તક્ષેપ કરી વધુ અત્યાચારો થતા રોકવા આંતરરાષ્ટ્રીય સમુદાયની જવાબદારી છે.''

તાજેતરમાં હિન્દુઓ વિરૂદ્ધ ક્રુરતા આચરવામાં આવતા હોવાના કિસ્સાઓ આંચકા-જનક રીતે વધી રહ્યા છે. તે રોકવા દરેક રીતે પ્રયત્નો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહવાન્ કરાયું છે. ૫ ઑગસ્ટે શેખહસીના સરકાર ગયા પછી મુસ્લીમ બહુમતીવાળા બાંગ્લાદેશમાં લઘુમતિ હિન્દુઓ ઉપર ૫૦ થી વધુ જિલ્લાઓમાં ૨૦૦ થી વધુ હુમલાઓ થઈ રહ્યા હતા. હજી પણ ચાલે છે.


Google NewsGoogle News