ભારત સાથેની મૈત્રી માલદીવને ફળી : કઠોર સમયમાં આપેલી સહાય માટે ભારતની પ્રશંસા કરી
- માલદીવના વિદેશમંત્રી મૂસા ઝમીરે કહ્યું કે ભારત સરકારે સહાયની કરેલી ઘોષણા ભારત-માલદીવ વચ્ચેનું વર્ષોથી ચાલ્યું આવતું સ્થાયી બંધન દર્શાવે છે
માલે : એક સમયે ભારત વિરૂદ્ધ ઝેર ઓકનારૂં માલદીવ આર્થિક સંકટમાં ફસાતાં ભારતે તેને અણીના વખતે મદદ કરતાં માલદીવે ભારતની પ્રશંસા કરી છે. માલદીવની માગણી પ્રમાણે ભારતે વધુ એક વર્ષ માટે ૫૦ મિલિયન અમેરિકી ડોલરનાં ટ્રેઝરી બિલનો સમય વધારતાં માલદીવને બજેટીય સહાય મળી છે.
હવે ભારતની આ મદદ પછી માલદીવે ભારતનો આભાર માન્યો છે. અણીના સમયે ભારતે કરેલી કોઈપણ પૂર્વ શરત વિનાની આ સહાય અંગે માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીરે કહ્યું કે ભારત સરકારની આ જાહેરાત માલદીવ અને ભારત વચ્ચેના ગાઢ મૈત્રી સંબંધો દર્શાવે છે.
ગત વર્ષે પ્રમુખ પદે આવ્યા પછી મોહમ્મદ મુઇજ્જુ ચીનની વધુ નજીક ગયા હતા. તેઓ ભારત વિરૂદ્ધ નારાઓ જગાવીને જ ચૂંટણી જીત્યા હતા. તે પછી ભારતના માલદીવ સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આમ છતાં જૂન મહિનામાં નરેન્દ્ર મોદીના શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા મુઇજ્જુને આમંત્રણ અપાયું હતું, જે તેમણે સ્વીકાર્યું પણ હતું. ત્યારથી સંબંધોમાં સુધાર આવતો ગયો. કેટલાક દિવસો પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની મુલાકાત લીધી હતી.
તે પછી માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું કે ૫૦ મીલિયન અમેરિકી ડોલરનાં ટ્રેઝરી બિલ ભારતે રોલ ઓવર કરતાં, માલદીવને બજેટીય સહાય મળી છે.
ભારતે માલદીવનાં ૫૦ મિલિયન ટ્રેઝરી બળ ૧૯મી સપ્ટેમ્બરે, ૧ વર્ષની સમય મર્યાદા સાથે સબસ્ક્રાઇવ કર્યાં છે. તેથી માલદીવને ઘણી આર્થિક સહાય મળી છે.
ઓગસ્ટની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની લીધેલી મુલાકાત દરમિયાન છ ઉચ્ચ પરિયોજનાઓનું એકી સાથે ઉદ્ધાટન કર્યું હતું તે પૂર્વે ઇન્ફ્રાસ્ટ્રકચર પરિનિર્માણ માટેના કરારો પણ કર્યા હતા.
જયશંકરે મોઇજ્જુ સાથેની મુલાકાત સમયે વડાપ્રધાન દ્વારા મોકલાયેલો શુભેચ્છા સંદેશ પણ મુઇજ્જુને આપ્યો હતો.