'મિત્ર મોદી ટેરિફ તો લાગશે જ, દલીલ નહીં ચાલે' PM મોદીની ટ્રમ્પ સાથેની બેઠકની વિગતો ખુલી
- ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મોદી સાથેની બેઠકમાં થયેલી ચર્ચાની ચોકાવનારી વિગતો આપી
- મસ્ક ભારતમાં ટેસ્લાની ફેક્ટરી શરૂ કરે એ ઠીક છે, પણ અમેરિકા સાથે આ મોટો અન્યાય ગણાશે : અમેરિકી પ્રમુખ
- ભારત ઓટોમોબાઇલમાં 100 ટકા જેટલો ટેરિફ ચાર્જ કરે છેઃ ટ્રમ્પની વાતને મસ્કનું સમર્થન
- ટ્રમ્પે 2018માં ભારતમાંથી સ્ટીલ પર 25 અને એલ્યુમિનિયમની આયાત પર 10 ટકા ટેરિફ નાખ્યો હતો
Donald Trump News | ટ્રમ્પે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં તેમના પ્રચાર અભિયાનમાં જણાવ્યું હતું કે મારા શાસનમાં તમને એક શબ્દ ખાસ સાંભળવા મળશે, આ શબ્દ છે રેસિપ્રોકલ ટેરિફ. હવે આ જ વાતને તે સાચી પાડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મેં ભારતીય વડાપ્રધાન મોદીને સ્પષ્ટ જણાવી દીધું છે કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફથી ભારત નહીં બચી શકે. આમ મોદી-ટ્રમ્પની મિત્રતાનો પરપોટો ફૂટી ગયો છે.
રેસિપ્રોકલ ટેરિફને લઈને મારી સાથે કોઈ દલીલ ન કરી શકે તેમ ટ્રમ્પે મોદીને સ્પષ્ટ સુણાવી દીધું છે. આમ પીએમ મોદી સાથે વ્યક્તિગત રીતે સારા સંબંધો છતાં પણ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેક્સના મોરચે ભારત સાથે જરા પણ કૂણા પડયા નથી. ટ્રમ્પના નિવેદનોએ ભારત-અમેરિકાની મિત્રતાનો પરપોટો એકઝાટકે ફોડી દીધો છે. બંને વચ્ચેની મિત્રતા જાણે કપોળકલ્પિત વાતો જ લાગે છે. આ જોતાં તો પીએમની અમેરિકાની મુલાકાત જાણે ખાયા પીયા કુછ નહીં અને ગ્લાસ તોડા બારહ આના જેવી બની રહી હોય તો આશ્ચર્ય નહીં થાય. ટ્રમ્પ-મોદી વચ્ચેની બેઠકમાં ફક્ત ભાવિ ઇરાદાઓ જ વ્યક્ત કરવામાં આવ્યા છે, કશું નક્કર નથી.
ટ્રમ્પ તંત્ર તેમના ટ્રેડિંગ પાર્ટનર સાથે તેઓ લાદે છે તેટલો જ ટેક્સ લાદવા માટે દિવસ રાત કવાયત કરી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય મંત્રણામાં પીએમ મોદીને જણાવ્યું હતું કે અમે શું કરવાના છીએ. તમે અમારી પાસેથી જેટલો ટેક્સ ચાર્જ કરો છો તેટલો જ ટેક્સ અમે તમારી પાસેથી વસૂલીશું. ફક્ત ભારત જ નહીં અમે લગભગ અમારા બધા ટ્રેડિંગ પાર્ટનર સાથે આમ કરવાના છીએ. ભારત અમેરિકામાંથી થતી આયાત પર ઘણા ઊંચા દરે વેરો નાખે છે. તેમા પણ ઓટોમોબાઇલની આયાત પર તો 100 ટકાના દરે વેરો લાદવામાં આવે છે, મસ્કે પણ ટ્રમ્પની વાતને સમર્થન આપ્યું હતું. તેના લીધે અમેરિકાની કોઈપણ કાર કંપની માટે કારની નિકાસ કરવી લગભગ અશક્ય છે. આવા બીજા ઘણા ઉત્પાદનો છે. ફક્ત ભારત જ નહીં વિશ્વના ઘણા દેશ આવું કરે છે. ટ્મ્પે જણાવ્યું હતું કે મેં રેસિપ્રોકલ ટેરિફ સિસ્ટમ તૈયાર કરી છે. આ ટેરિફ સિસ્ટમ હેઠળ અમેરિકા તેના ટ્રેડિંગ પાર્ટનર પર તેટલો જ ટેક્સ લગાવશે જેટલો તે દેશ તેની પ્રોડક્ટ પર લગાવે છે. આમ હવે અમે એક રેસિપ્રોકલ નેશન બની ગયા છીએ. અમે હવે નાણાકીય મોરચે અમારી સાથે જે પ્રકારનો વ્યવહાર થાય તે પ્રકારનો વ્યવહાર અમે કરીશું. ભારત સહિત કોઈપણ દેશ અમારા પર જેટલો ચાર્જ કરશે અમે તેટલો તેના પર ચાર્જ કરીશું. મારા મત મુજબ આ જ યોગ્ય માર્ગ છે.
અમેરિકામાં પ્રમુખ પદના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું. તેની સાથે અમેરિકન પ્રોડક્ટ્સને તે સમાન એક્સેસ આપતું નથી તેવો દાવો પણ કર્યો હતો. ટ્રમ્પ મે ૨૦૧૮માં ભારતમાંથી થતી સ્ટીલની આયાત પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ડયુટી લગાવી હતી અને તેના બદલામાં ભારતે પણ ૨૦૧૯માં અમેરિકાની ૨૮ પ્રોડક્ટ્સ પર ડયુટી લગાવી હતી. છેવટે તેને ૨૦૨૩માં બાઇડેનના શાસનમાં દૂર કરવામાંઆવી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે મારી પહેલી ટર્મમાંમેં ચીન પર અબજો ડોલરની ડયુટી લાદીને અમેરિકન ઇકોનોમીને ધમધમતુ કરી દીધું હતું, પણ કોરોનામાં બધુ ધોવાઈ ગયું. વિશ્વના લગભગ દરેક દેશે અમારો ફાયદો ઉઠાવ્યો છે. હવે રેસિપ્રોકલ ટેક્સ લાદીને અમે તેમનો ફાયદો ઉઠાવીશું.