ફ્રાન્સના રાષ્ટ્રપતિએ અચાનક જ સંસદ ભંગ કરવાનો લીધો નિર્ણય, ચૂંટણી યોજવાની તારીખ જાહેર કરી
Image : IANS |
France News | ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને રવિવારે અચાનક જ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. રાષ્ટ્રને સંબોધતાં તેમણે જણાવ્યું કે દેશના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી માટેની ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ હવે આગામી 30 જૂને યોજાશે, જ્યારે ચૂંટણીનો બીજો રાઉન્ડ 7 જુલાઈએ યોજાશે.
મેક્રોને કેમ લીધો નિર્ણય?
ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં દક્ષિણપંથી પક્ષોએ મેક્રોનના મધ્યમાર્ગી ગઠબંધનને હરાવી દીધું છે. જેના બાદ મેક્રોને અચાનક સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મેક્રોને એ પણ સ્વીકાર્યું કે યુરોપનો બચાવ કરવા માંગતા પક્ષો માટે યુરોપિયન યુનિયનની ચૂંટણીના પરિણામ સારા નથી.
મેક્રોને ફ્રેન્ચ લોકોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
રાષ્ટ્રને સંબોધતાં મેક્રોને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં ટોપ સ્કોરિંગ નેશનલ રેલી (RN) સહિત નાના-નાના પક્ષો લગભગ 40 ટકા મત મેળવવામાં સફળ થયા છે. દક્ષિણપંથી પાર્ટીઓનુંર વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે. હું આ પરિસ્થિતિ સાથે પોતાને ન જોડી શકું. તેથી મેં તમને એક વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે. હું નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરી રહ્યો છું. આ દરમિયાન, તેમણે ફ્રેન્ચ લોકોની શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની ક્ષમતા પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
મેક્રોને ચૂંટણી પહેલા ચેતવણી આપી હતી
મેક્રોને ગયા ગુરુવારે ચેતવણી આપી હતી કે આ સપ્તાહની ચૂંટણી બાદ યુરોપિયન સંસદમાં વધતી જમણેરીઓની હાજરી દ્વારા યુરોપિયન યુનિયન સામે અવરોધો પેદા થવાનું જોખમ છે.