મોંઘવારી ઘટાડવાની સરકારી નીતિથી ફ્રાંસના ખેડૂતો બગડયા, કરી દીધો ચક્કાજામ
સોંઘવારીથી ફૂડ સસ્તુ થાયતો ખેત ઉત્પાદનોના પૂરતા ભાવ મળે નહી
મોંઘવારી પર કાબુ રાખવાના જોશમાં ખેડૂતોને નુકસાનની ભીંતી
પેરિસ,૨૪ જાન્યુઆરી,૨૦૨૪,બુધવાર
ફ્રાંસમાં છેલ્લા બે અઠવાડિયાથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહયા છે. પ્રદર્શનકારીઓએ સડકો પર ચક્કાજામ કરી દીધું છે. ફ્રાંસની સરકાર મોંઘવારી ઘટાડવા પર ભાર મુકી રહી છે તેની સામે કિસાનો નારાજ છે. ૨૩ જાન્યુઆરીના રોજ દક્ષિણ પશ્ચિમ ફ્રાંસમાં એક માર્ગ અકસ્માતમાં એક કારની ટ્રેકટર સાથે અથડામણ થતા ઘટનાસ્થળે ૨ લોકોના મોત થયા હતા. ફાર્મિગ લોબી ખેત ઉત્પાદનોની કિંમતોને લઇને પરેશાન છે. માક્રો સરકારે મોંઘવારીને નાથવા માટે ખાધ્યાન્ન વસ્તુઓના ભાવ પર નિયંત્રણ મુકયું છે. બજારમાં ખાણી પીણીની વસ્તુઓ સસ્તી થાય તે માટે પ્રયાસો કરી રહી છે.
ખાધ્ વસ્તુઓના ભાવ ઘટે તો ખેત ઉત્પાદનોના પૂરતા ભાવ નહી મળે એવો ખેડૂતોને ડર સતાવી રહયો છે. મોંઘવારી ઘટાડવાની સાથે આવક પણ ઘટી રહી હોવાથી ખેડૂતો આર્થિક રીતે સંઘર્ષ કરી રહયા છે. થોડાક સમય પહેલા જર્મનીમાં પણ ખેડૂતોએ આ મુદ્વે વિરોધ પ્રદર્શન કર્યા હતા. વાયા જર્મનીથી આંદોલનનો ચેપ ફ્રાંસમાં પહોંચ્યો હતો. આ મુદ્વાને યુરોપીય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે.
યુરોપીય સંસદમાં ઓસ્ટ્રિયા દેશનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ થોમાસ વાએત્સેએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે મોટા ભાગના ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો વેચીને આજીવિકા પુરી કરી શકે તેમ નથી. ફ્રાંસનું એક શકિતશાળી ખેડૂત સંગઠન સરકાર સાથે વાતચિત કરી રહયું છે પરંતુ પરીણામ મળ્યું નથી. ફ્રાંસમાં કૃષિ નીતિ હંમેશા જ એક સંવેદનશીલ મુદ્વો રહયો છે. યુરોપિય સંઘમાં ફ્રાંસ સૌથી મોટો કૃષિ ઉત્પાદક દેશ છે.
માત્ર ખેતી જ નહી ડેરી, મીટ અને વાઇનનો પણ સમાવેશ થાય છે.સૌથી વધુ નારાજગી ડેયરી સેકટરમાં છે. ડેરી કિસાનોનું કહેવું છે કે મોંઘવારી પર કાબુ રાખવાના જોશમાં ખેડૂતોને નુકસાન થઇ રહયું છે. ડેયરી ઉત્પાદનોની કિંમત પર ઉત્પાદકો અને ફ્રેંચ મલ્ટિનેશનલ કંપની લેકટેલિસ વચ્ચે મતભેદો છે. લેકટેલિસ દુનિયાનું સૌથી મોટું ડેરી ગુ્રપ ગણાય છે. ખેડૂતોની નારાજગી ફ્રાંસના રાષ્ટ્પતિ ઇમામનુએસ માક્રો અને પ્રધાનમંત્રી ગ્રેબિએલ અતાલની મુશ્કેલી વધારી શકે છે.