Get The App

ફ્રાન્સનાં મરીન લે પેન ભ્રષ્ટાચાર કેસમાં દોષિત, પાંચ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ

Updated: Mar 31st, 2025


Google News
Google News
ફ્રાન્સનાં મરીન લે પેન ભ્રષ્ટાચાર કેસમાં દોષિત, પાંચ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ 1 - image


આરએન પાર્ટીનાં નેતા બે વર્ષ હાઉસ અરેસ્ટ રહેશે

૨૦૨૭ના ઈલેક્શનમાં ઈમેન્યુએલ મેક્રોન સામેની મજબૂત દાવેદાર ચૂંટણી પહેલા જ રેસની બહાર થઈ

પેરિસ: ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણયથી ફ્રાન્સના રાજકારણમાં નાટકીય વળાંક આવ્યો છે. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ૨૦૨૭ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. 

કોર્ટે લે પેનને ચાર વર્ષની સજા ફટકારી છે. જેમાંથી બે વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના બે વર્ષ હાઉસ અરેસ્ટ હેઠળ ભોગવવા પડશે. આ સિવાય તેણે ૧,૦૮,૦૦૦ ડોલરનો દંડ પણ ભરવો પડશે. આ નિર્ણય રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ રહેલી લે પેન માટે આચંકા સમાન છે. ત્રણ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડયા બાદ તે બે વખત ઈમેન્યુએલ મેક્રોન સામે ફાઈનલ રાઉન્ડમાં પહોચી હતી અને ૨૦૨૭ માટે તેને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી. 

૨૦૨૪ની વચગાળાની ચૂંટણીમાં તેની પાર્ટી સંસદમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી હતી.આ આરોપો લે પેન અને યુરોપિયન સંસદના નેતાઓ અને તેમના સહાયકો સહિત ૨૪ અન્ય પક્ષોના મેમ્બર્સ સાથે સંકળાયેલી લાંબા ગાળાની સ્કીમના છે. ફરિયાદીઓએ દલીલ કરી હતી કે, આરોપીઓએ સંસદીય સહાયકો માટે ફાળવવામાં આવેલા યુરોપિયન સંસદના ૪૮ લાખ ડોલરના ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને તેને ફ્રાન્સમાં પાર્ટીના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે રીડાયરેક્ટ કર્યા હતા.

લે પેન પર પ્રતિબંધનો અર્થ એ છે કે, લગભગ ચાર દાયકામાં પહેલીવાર લે પેન વિના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આરએન પાર્ટી હવે ૨૦૨૭ માટે વૈકલ્પિક ઉમેદવાર પસંદ કરવાના પડકારનો સામનો કરશે. જેમાં પાર્ટીના પ્રમુખ જોર્ડન બાર્ડેલા સંભવિત ઉમેદવાર તરીકે ઊભરી રહ્યાં છે.

Tags :