300 ભારતીયની તસ્કરીની શંકા, ફ્રાન્સમાં અટકાવાઈ ફ્લાઈટ, પોલીસનો કાફલો દોડી આવ્યો, જાણો સંપૂર્ણ મામલો
માનવ તસ્કરીની બાતમી મળતા ફ્રાન્સની ઈન્ટેલીજન્સ એજન્સીની ટીમ અને પોલીસનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો
ફ્લાઈન્ટ લેન્ડ થતાં જ પોલીસના ઘણા વાહનો એરપોર્ટ પર દોડી આવ્યા : તમામ મુસાફરોને રિસેપ્શન હૉલમાં રખાયા
UAEથી 300 ભારતીયોને લઈને જઈ રહેલા એરક્રાફ્ટને આજે ફ્રાન્સમાં અટકાવાયું હતું. રિપોર્ટ મુજબ ફ્લાઈટ ફ્યુલ માટે ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જોકે આ દરમિયાન પોલીસને ફ્લાઈટમાં ભારતીય નાગરિકોની માનવ તસ્કરી થઈ હોવાની બાતમી મળી હતી, જેના કારણે એરક્રાફ્ટને અટકાવાયું હતું. હાલ આ મામલે વધુ વિગતો સામે આવી નથી.
એરપોર્ટ પર ફ્રાન્સની ઈન્ટેલિજન્સ એજન્સી અને પોલીસનો કાફલો
પેરિસ પોલીસે એરક્રાફ્ટને અટકાવ્યું હોવાની પુષ્ટી કરી છે. તેમના જણાવ્યા મુજબ એક ખાનગી માહિતી મળતાં અમે નિર્ણય કર્યો કે, આ ફ્લાઈટમાં જઈ રહેલા 300 લોકો હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની શકે છે, ત્યારબાદ અમે ફ્લાઈટની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી તેને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. હાલ એરપોર્ટ પર ફ્રાન્સની ઈન્ટેલીજન્સ એજન્સીની ટીમ અને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે અને આ લોકો ફ્લાઈટની તપાસ કરી રહ્યા છે. ફ્લાઈટ દુબઈથી ટેકઓફ થઈ હતી અને નિકારાગુઆના કોઈ શહેરમાં લેન્ડ થવાની હતી.
પ્રાઈવેટ કંપનીનું ચાર્ટર એરક્રાફ્ટ
મીડિયા અહેવાલો મુજબ જે એરક્રાફ્ટને વાર્ટી એરપોર્ટ પર અટકાવાયું છે, તે રોમાનિયાની ચાર્ટર કંપનીનું છે. આ એરક્રાફ્ટ ફ્લૂલ અને ટેકનિકલ મેન્ટેન્સ માટે વાર્ટી એરપોર્ટ પર પહેલેથી જ ઉતરવાનું હતું. જોકે લેન્ડિંગના થોડા સમયમાં પોલીસની ઘણા વાહનો આવ્યા અને એરક્રાફ્ટને પોતાના કબજામાં લઈ લીધું. હાલ ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઈજ્ડ ક્રાઈમ યુનિટને તપાસ સોંપાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ A340 એરક્રાફ્ટ છે. રોમાનિયાની લીજેન્ડ એરલાઈન્સે કેટલાક લોકો માટે આ પ્લેન બુક કર્યું હતું. હાલ મુસાફરોને રિસેપ્શન હૉલમાં રખાયા છે. પોલીસે કહ્યું કે, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે મુસાફરોને સારી સુવિધા આપીશું.