તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં અટકાવાયેલા ભારતીયોને સોમવારે છોડી મૂકવાની સંભાવના

ગુરુવારે દુબઈ એરપોર્ટથી ટેકઓફ થયેલી ફ્લાઈટને ફ્રાન્સના એરપોર્ટ પર અટકાવાઈ હતી

અટકાવાયેલ રોમાનિયાની વિમાન કંપનીનું ચાર્ટડ સોમવારે સવારે ઉડ્ડયન ભરે તેવી સંભાવના

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
તસ્કરીની આશંકાએ ફ્રાંસમાં અટકાવાયેલા ભારતીયોને સોમવારે છોડી મૂકવાની સંભાવના 1 - image

96 ગુજરાતી સહિત 303 પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે અન્ય દેશમાં લઈ જવાતા હોવાની આશંકાને પગલે ફ્રાન્સની પોલીસે ફ્લાઈટને ત્રણ દિવસ સુધી અટકાવી રાખી હતી, જોકે આજે તમામને જવાની મંજૂરી આપી દેવાઈ છે. ગુરુવારે એરબસ એ340 દુબઈથી ટેકઓફ થઈ નિકારાગુઆ જઈ રહી હતી. આ ફ્લાઈટમાં 303 મુસાફરો સફર કરી રહ્યા હતા. કેટલાક જરૂરી ટેકનિકલ કામ તેમજ ફ્યૂટ ભરાવવા માટે ફ્લાઈટ ફ્રાન્સના વૈટ્રી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જોકે આ દરમિયાન પોલીસને ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ભારતીયો માનવ તસ્કરીનો શિકાર બની રહ્યા હોવાની બાતમી મળતા તુરંત પોલીસનો કાફલો એરપોર્ટ પર પહોંચી ગયો હતો અને ફ્લાઈટને અટકાવી દીધી હતી. ફ્લાઈટને ત્રણ દિવસ સુધી અટકાવ્યા બાદ અને તમામ તપાસ પૂર્ણ થયા બાદ ફ્લાઈટને ઉડવાની મંજૂરી આપી દેવાઈ છે. આ ફ્લાઈટ આવતીકાલે સોમવારે ફરી ઉડ્ડયન ભરશે. આ પ્રવાસીઓમાં 11 સગીરો પણ સામેલ છે.

ફ્લાઈટને સોમવારે સવારે ફરી ઉડાન ભરવાની મંજૂરી મળવાની આશા

ઉલ્લેખનિય છે કે, ન્યાયાધીશો પાસે કસ્ટડી વધારવાનો અધિકાર છે, જોકે પેરિસના વકીલોને આશા છે કે, ફ્લાઈટ અને તેના મુસાફરોને સોમવારે સવારે રવાના થવાની મંજૂરી મળી જશે. ફ્લાઈટને સોમવારે સવારે ઉડ્ડયન કરવાની મંજૂરી મળવાની સંભાવના છે, જોકે હજુ સુધી ફ્લાઈટના ગંતવ્ય સ્થળની કોઈ માહિતી સામે આવી નથી. એવું કહેવાય છે કે, આ ફ્લાઈટ ભારત જઈ શકે છે અથવા જ્યારથી ટેકઓફ થઈ ત્યાં (દુબઈ) પરત જઈ શકે છે, દરમિયાન પોલીસે ફ્લાઈટને અટકાવ્યાના બીજા દિવસે શુક્રવારે 2 લોકોની અટકાયત કરી હતી. તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

ગેરકાયદે પ્રવેશ માટે નિકારાગુઆ જાણિતો દેશ

પેરિસના સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે, એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઈટને અટકાવાઈ હતી. આ ફ્લાઈટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ ચાર્ટડ રોમાનિયાની વિમાન કંપનીનું હોવાનું પણ સામે આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, નિકારાગુઆ મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ અને ન્યુયોર્ક રાજ્યના ક્ષેત્રફળ કરતા થોડો મોટો છે. આ દેશ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે જન્નત સમાન છે. હજારોની સંખ્યામાં ગેરકાયદે પ્રવાસીઓ આ દેશનો ઉપયોગ કરી અમેરિકા-મેક્સિકોની સરહદે પહોંચતા હોય છે. પ્રવાસીઓ માટે નિકારાગુઆનો રસ્તો ખુબ જ પડકારજનક અને જોખમ ભર્યો હોવાનું પણ કહેવાય છે.


Google NewsGoogle News