ફ્રાન્સ ભારત પાસેથી ખરીદશે પિનાકા રૉકેટ લૉન્ચર, પરમાણુ ઉર્જા સહિતના મુદ્દે વડાપ્રધાન મોદી અને મૈક્રોં વચ્ચે થઈ વાતચીત
France buy Pinaka rocket launcher from India : હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની વાત કહી હતી. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વિશ્વમંચો પર સહકારને વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ફ્રાન્સ ખરીદશે ભારતના પિનાકા રોકેટ લોન્ચર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમેન્યુઅલ મેક્રોંએ રક્ષા, પરમાણુ ઉર્જા અને અંતરીક્ષના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'ફ્રાન્સ દ્વારા ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે.' બંને નેતાઓએ ન્યાયસંગત, શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટે બહુપક્ષીયવાદને વધારવાની હિમાયત કરી હતી. તેમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ, આતંકવાદ અને યુરોપ સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા હતા.
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર
બંને નેતાઓએ તેમની વ્યાપક વાતચીત પછી વૈશ્વિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને જાહેર હિતમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય દ્રષ્ટીએ ફાયદાકારક નીવડે તે સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. બેઠક પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધો તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
મેક્રોં અને મોદીએ આપી ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સાથે નરેન્દ્ર મોદીએ માર્સેલી શહેરમાં ઐતિહાસિક મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્મારકમાં બેન્ડની ધૂનોએ પ્રસંગની ભવ્યતામાં વધારો કરી દિહો હતો. આ પછી બંને નેતાઓએ આ ઐતિહાસિક કબ્રસ્તાન સંકુલની મુલાકાત લીધી અને સ્મારક તકતીઓ પર ગુલાબ અર્પણ કર્યા હતા.