ફ્રાન્સ-જર્મનીએ યુક્રેન માટે કરી એવી માગ કે રશિયાએ આપી ગંભીર ચેતવણી- 'આગ સાથે ન ખેલશો..'
Image Source: Twitter
Russia Ukraine War: ફ્રાન્સ અને જર્મનીના નેતાઓએ કહ્યું કે, યુક્રેનને રશિયાની અંદરના એ લશ્કરી સ્થળો પર હુમલો કરવાની મંજૂરી આપવી જોઈએ જ્યાંથી યુક્રેનના ક્ષેત્રમાં મિસાઈલો છોડવામાં આવી રહી છે પરંતુ અન્ય ઠેકાણા પર નહીં. આ અગાઉ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી કે, નાટો (NATO)ના સભ્ય દેશો યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે પશ્ચિમી દેશો દ્વારા પૂરા પાડવામાં આવતા હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ આપીને આગ સાથે ખેલી રહ્યા છે. તેમણે કહ્યું કે આનાથી વૈશ્વિક સંઘર્ષ શરૂ થઈ શકે છે.
યુક્રેનને રશિયાની અંદરના તે લશ્કરી સ્થળોને નષ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને જર્મનીના મેસેબર્ગમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે યુક્રેનને સમર્થન આપીએ છીએ અને અમે તણાવ નથી ઈચ્છતા અને આમાં કોઈ ફેરફાર નથી થયો. અમારું માનવું છે કે, યુક્રેનને રશિયાની અંદરના તે લશ્કરી સ્થળોને નષ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ જ્યાંથી મિસાઈલો છોડવામાં આવે છે. એ લશ્કરી સ્થળો જ્યાંથી યુક્રેન પર હુમલો કરવામાં આવે છે. પરંતુ આપણે યુક્રેનને રશિયામાં અન્ય લક્ષ્યો અને નાગરિક અથવા લશ્કરી સ્થળો પર હુમલો કરવાની મંજૂરી ન આપવી જોઈએ.
હું મેક્રોન સાથે સહમત છું
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે, હું મેક્રોન સાથે સહમત છું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી યુક્રેન અમેરિકા અને આંતરરાષ્ટ્રીય કાયદા સહિત હથિયારોની સપ્લાય કરનારા દેશો દ્વારા મૂકવામાં આવેલી શરતોનું સન્માન કરે છે ત્યાં સુધી તેને પોતાની રક્ષા કરવાની મંજૂરી છે. યુક્રેન જે કરી રહ્યું છે તેના માટે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની પાસે સંપૂર્ણ સંભાવના છે. તેને સ્પષ્ટ રૂપે કહેવું જોઈએ. મને એ બાબત વિચિત્ર લાગે છે જ્યારે કેટલાક લોકો એ તર્ક આપે છે કે યુક્રેનને પોતાનો બચાવ કરવા અને યોગ્ય પગલાં લેવાની મંજૂરી ન આપવી જોઈએ.
બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપમાં સૌથી ઘાતક યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલું યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપમાં સૌથી ઘાતક યુદ્ધ છે. પશ્ચિની દેશોનું માનવું છે કે, કે પુતિન વૈશ્વિક યુદ્ધના જોખમને વધારી રહ્યા છે, જ્યારે પશ્ચિમી નેતાઓ તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે ગઠબંધનના સદસ્યોને યુક્રેનને પશ્ચિમી હથિયારોની સાથે રશિયાની અંદર પણ હુમલો કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમના આ વિચારનું ટ્રાન્સએટલાન્ટિક ગઠબંધનના કેટલાક યુરોપિયન સભ્યોએ સમર્થન આપ્યું છે પરંતુ સંયુક્ત રાજ્ય અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
જર્મનીમાં પણ આ વિચારનો થોડો વિરોધથઈ રહ્યો છે કારણ કે, તેનાથી દેશના પૂર્વ ભાગમાં આગામી સ્થાનિક અને રાજ્યની ચૂંટણીઓમાં વ્યાપક સંઘર્ષ વધવાની શક્યતા છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે યુક્રેનને લાંબા અંતરની ટોરસ મિસાઈલો પ્રદાન કરવાનો ઈનકાર કરી દીધો છે જે સંભવિત મોસ્કો સુધી પહોંચી શકે છે.