અમેરિકાથી માઠા સમાચાર, ટ્રેનમાં સૂતેલા ચાર લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
અમેરિકાથી માઠા સમાચાર, ટ્રેનમાં સૂતેલા ચાર લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા 1 - image


- પરોઢિયે ચકચારી હત્યાકાંડ સર્જાયો

- ત્રણને માથામાં જ્યારે એકને પેટમાં ગોળી મારી 30 વર્ષીય ડેવિસ ભાગી ગયો હતો

શિકાગો : અમેરિકાના શિકાગોમાં બીજી સપ્ટેમ્બર લેબર ડેના દિવસે ટ્રેનમાં સૂતેલા ચાર મુસાફરોની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ રહેલો આરોપી ઝડપાયો હતો. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, શિકાગોના રહેવાસી ૩૦ વર્ષીય રેની.એસ. ડેવિસ પર હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર કેસમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે. 

એક રિપોર્ટ મુજબ, પીડિતો લેબર ડેના દિવસે ફોરેસ્ટ પાર્ક ટર્મિનલ તરફ જઈ રહેલી બ્લુ લાઈન ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં. સવારે લગભગ ૫:૩૦ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ ઊંઘી રહ્યાં હતાં ત્યારે આરોપીએ તેમની હત્યા કરી હતી. ટ્રેનની સફાઈ કરી રહેલા શિકાગો ટ્રાન્ઝિટ ઓથોરિટીના કર્મચારીઓને ગોળીથી વીંધાયેલા ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેયને માથામાં નજીકથી ગોળી મારવામાં આવી હતી. 

ચોથો પીડિત અન્ય ટ્રેનમાંથી મળી આવ્યો હતો. તેને પેટમાં ગોળી મારવામાં આવી હતી. પોલીસે પીડિતને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડયો હતો. જ્યાં, ડૅાક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. હત્યા કરીને ફરાર થઈ રહેલા આરોપીને તે જ દિવસે સવારે ૭ વાગ્યાની આસપાસ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ડેવિસ પાસેથી ગ્લોક હેન્ડગન કબજે કરવામાં આવી હતી. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ડેવિસે ટર્મિનલના એક સ્ટોપ પહેલા ઓક પાર્ક-ફોરેસ્ટ પાર્કની લાઈન પર હાર્લેમ સ્ટેશન નજીક શૂટિંગ શરૂ કર્યું હતું. ડેવિસે તે સમયે માસ્કમાં હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પીડિતોમાંથી કોઈને પણ ઓળખતો ન હતો. આ સાથે જ આરોપીએ લૂંટનો પ્રયાસ કર્યો નહતો. ઘટના સ્થળેથી મળેલા કારતૂસ આરોપીની  ગ્લોક હેન્ડગનના હોવાનું સાબિત થયું હતું.


Google NewsGoogle News