માલગાડીમાંથી કૂદકો માર્યો, કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા ત્રણ ભારતીયો પકડાયા
image : Socialmedia
ઓટાવા,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ત્રણ ભારતીયો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક વ્યક્તિ ડોમિનિકન રિપબ્લિક દેશનો રહેવાસી છે.
અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના બફેલો શહેર સાથે જોડાયેલા ઈન્ટરનેશનલ રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીમાંથી કુદયા હતા. આ ચાર લોકોમાં એક મહિલા પણ હતી.
આ મહિલા ઘાયલ થઈ હતી. ટ્રેનમાંથી કુદનારા લોકોએ પેટ્રોલિંગ ટીમને આવતી જોઈ હતી અને તેઓ મહિલાને પડતી મુકીને ભાગી ગયા હતા. જોકે સુરક્ષા કર્મીઓએ બાકીના ત્રણ પુરુષોને પણ પીછો કરીને ઝડપી પાડ્યા હતા. ઘાયલ મહિલાની સારવાર પણ કરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ લોકો પાસે કોઈ ડોક્યુમેન્ટ પણ નહોતા. ચારેને એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમની સામેની તપાસ અને સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રાખવામાં આવશે.
અમેરિકામાં ઘૂસવા માટે મેક્સિકો બોર્ડરની સાથે સાથે હવે એજન્ટો કેનેડાની બોર્ડરનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ પહેલા એક ગુજરાતી પરિવારના સભ્યોના કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસતી વખતે આકરી ઠંડીના કારણે મોત થયા હતા.