રશિયાથી દુઃખદ સમાચાર, એકને બચાવવા જતાં 4 ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જતાં મૃત્યુથી હડકંપ
ચારેય સ્ટુડન્ટ્સ વેલિકી નોવગોરોદ શહેરમાં આવેલા નોવગોરોદ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા
મૃતકોમાં બે છોકરા અને બે છોકરી સામેલ, તમામની વય 18થી 20ની વચ્ચે
Image : Pixabay |
Russia Indian Students Drowned News | વિદેશથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ય નજીક એક નદીમાં ડૂબવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા છે. ભારતીય મિશન તેમના શબને જલદીથી જલદી પરિજનો સુધી પહોંચાડવા માટે રશિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ચારેય સ્ટુડન્ટ્સ વેલિકી નોવગોરોદ શહેરમાં આવેલા નોવગોરોદ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં 18થી 20 વર્ષના બે છોકરા અને બે છોકરીઓ સામેલ હતી.
એકને બચાવવા જતાં બીજા 3 ડૂબ્યાં
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર એક ભારતીય વિદ્યાર્થિની વોલખોવ નદીમાં કિનારે થોડેક દૂર જતી રહી હતી અને ડૂબવા લાગી તો તેના ચાર સાથી તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. અહેવાલ અનુસાર તેને બચાવવાના પ્રયાસમાં વધુ 3 વિદ્યાર્થી એ જ નદીમાં ડૂબી ગયા. એક છોકરાને સ્થાનિકો એ સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
ભારતીય દૂતાવાસે આપી જાણકારી
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે અમે શબને જલદીથી જલદી પરિજનો સુધી પહોંચાડવા કાર્યરત છીએ. જે છાત્રનો જીવ બચ્યો છે તેની સારવાર ચાલી રહી છે. સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે કહ્યું કે આ સ્ટુડન્ટ્સ વેલિકીની નોવગોરોદ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા.