ટોરેન્ટોમાં ટેસ્લા કાર અકસ્માતમાં ગોધરાના સગા ભાઇ-બહેન સહિત ચારનાં મોત
- બોરસદના બે યુવકો પણ કારમાં બળીને ભડથુ થઇ ગયા
- થાંભલા સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતા બ્લાસ્ટ થયો, ઝલક પટેલને બહાર કાઢી લેતા બચાવી લેવાઈ
ગોધરા : કેનેડાના ટોરેન્ટો શહેરમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગુજરાતના ચાર લોકોનાં મોત થયા છે.જેમાં ગોધરાના સગા ભાઇ-બહેનનો સમાવેશ થાય છે. ગોધરાના પ્રભારોડ પર આવેલી મંગલમૂત સોસાયટીમાં રહેતા સંજય ગોહિલના પુત્રી-પુત્ર કેતુબા ગોહિલ અને નીલરાજ ગોહિલ અભ્યાસ માટે કેનેડા ગયા હતા.ભાઈ-બહેન ગુરુવારે બોરસદના બે યુવકો જયરાજ સિસોદીયા, દિગ્દિવજય સાથે ટેસ્લા કારમાં જઇ રહ્યા હતા ત્યાર કાર થાંભલા સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે જ્યારે એક યુવતી બચી ગઇ છે.અકસ્માતની જાણ થતા ગોધરા અને બોરસદમાં રહેતા પરિવારજનો ઉપર આભ ફાટી પડયું છે.
ગોધરા શહેરના પ્રભા રોડ ઉપર આવેલી મંગલમૂત સોસાયટીમાં રહેતા સંજયસિંહ ગોહિલની ૨૯ વર્ષીય મોટી પુત્રી કેતુબા ગોહિલ ૬ વર્ષ પહેલાં કેનેડા ગઈ હતી, જ્યાં અભ્યાસ બાદ તે હાલમાં લેબ ટેકનીશિયન તરીકે જોબ કરતી હતી. સંજય ગોહિલનો ૨૫ વર્ષીય પુત્ર નીલરાજ ગોહિલ દસ માસ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે મોટર ડિઝાઇનના અભ્યાસની સાથે નોકરી પણ કરતો હતો. ભાઇ-બહેન કેનેડાના બ્રેમટન સિટીમાં રહેતા હતા. તેઓની સાથે બોરસદના જયરાજ સિસોદીયા, દિગ્વિજય અને ઝલક પટેલ પણ રહેતા હતા.
ભાદરણ કોલેજના અધ્યાપક હરેન્દ્રસિંહ સિસોદીયાનો પુત્ર અને બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો ભાણેજ જયરાજસિંહ સિસોદિયા પાંચ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તાજેતરમાં તેણે કેનેડીયન સિટીઝનશીપ મેળવી હતી.
દરમિયાનમાં નીલરાજ ગોહિલ અભ્યાસમાં પ્રથમ આવતા કેનેડાના સમય અનુસાર બુધવારની રાત્રે મિત્રો અને બહેન સાથે જમવા માટે ગયા હતા, જ્યાં જમીને ભાઈ-બહેન સહીત પાંચેય મિત્રો ટેસ્લા કારમાં પરત આવતા હતા, ત્યારે કેનેડાના ટોરન્ટો શહેરમાં લેક શોર પાસે ચેરી સ્ટ્રીટ રોડ પર ટેસ્લા કાર થાંભલા સાથે કાર ટકરાઈ હતી, થાંભલા સાથે અથડાયા બાદ કાર ભડભડ સળગવા લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો. આ ગંભીર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત ચારેય ગુજરાતી બળીને ભડથું થઇ ગયા હતા. જોકે ઝલક પટેલ નામની યુવતીને રસ્તે પસાર થતાં અન્ય ચાલકોએ સમયસૂચકતા વાપરીને બહાર કાઢી લેતા તે બચી ગઇ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરી છે.