બાંગ્લાદેશમાં હિન્દુના ઘર, મંદિર પર હુમલા બદલ ચારની ધરપકડ
ભારતના દબાણ બાદ કાર્યવાહીનું નાટક
આ મહિનામાં જ એક ફેસબુક પોસ્ટ બાદ સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી
સુનમગંજ જિલ્લામાં આ મહિનાની શરૂઆતમાં હિન્દુઓના મંદિરો, દુકાનો અને ઘરો પર હુમલો કરનારા ચાર શખ્સો અલીમ, સુલ્તાન, ઇમરાન અને શાહજહાંની ધરપકડ કરાઇ હતી.
ઢાકામાં બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકારના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે સુનમગંજ જિલ્લાના રહેવાસી આકાશ દાસની એક ફેસબુક પોસ્ટને કારણે સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. આ પોસ્ટ ડિલિટ કરી દેવાઇ હોવા છતા તેના સ્ક્રીનશોટ બહુ જ વાયરલ થયા હતા. તે જ દિવસે પોલીસે દાસની અટકાયત કરી હતી. જોકે ટોળાએ તેને પોલીસ પાસેથી છોડાવી લીધો હતો અને હુમલો કર્યો હતો. આ જ દિવસે સ્થાનિકોના ટોળાએ હિન્દુ મંદિરો, દુકાનો અને ઘરો પર હુમલા કર્યા હતા.
પોલીસે આ હુમલા અને હિંસામાં સામેલ કુલ ૧૭૦થી વધુ અજાણ્યા લોકોની સામે ફરિયાદ કરી હતી, જ્યારે ૧૨ લોકોની ઓળખ કરાઇ છે. જેમાંથી ચાર લોકોની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનના અંત બાદ કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. જ્યારે ઇસ્કોન સાથે જોડાયેલા બે પુજારીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે બાદથી સમગ્ર વિસ્તારમાં હિંસાની ઘટનાઓ વધી ગઇ છે. ભારતના વિદેશ સચિવે ઢાકામાં પોતાના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી, જે બાદ હવે બાંગ્લાદેશ પોલીસ જાગી છે અને આરોપીઓની સામે કાર્યવાહી કરી રહી છે.