અધિકારો છીનવી લેવાની વાત પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને પણ ધમકાવી દીધાં
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદોમાં ઘેરાયા છે
Trump Angry At The Judge: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ન્યાયાધીશ સાથે ગેરવર્તન કરવાને કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, મેનહટન કોર્ટમાં માનહાનિના કેસની સુનાવણી દરમિયાન ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલતા હતા. જેના કારણે કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ લુઈસ એ. કપલાને પૂર્વ પ્રમુખને અટકાવ્યા અને તેમને ચૂપ રહેવા કહ્યું હતું. છતા ટ્રમ્પ ચૂપ ન થયા ન્યાયાધીશે કહ્યું,'જો કોર્ટની સુનાવણીમાં અવરોધ ઉભો કરશે તો ટ્રમ્પના અધિકારો છીનવી લેવામાં આવશે. આના પર ડોનાલ્ડ ટ્રમ્પ ન્યાયાધીશ પર ભડક્યાં હતા.
શું છે સમગ્ર મામલો
ડાનાલ્ડ ટ્રમ્પ સામે માનહાનિના કેસમાં સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં ટ્રમ્પ લાંબા સમયથી કોર્ટમાં હાજર રહ્યા ન હતા. સુનાવણી દરમિયાન ફરિયાદી ઈ. જીન કેરોલે જણાવ્યું હતું કે, 'ટ્રમ્પે જાતીય સતામણીના કેસમાં જુબાનીને કારણે મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું અને અનેક ધમકીભર્યા સંદેશા પણ મોકલ્યા હતા.
બુધવારે સુનાવણી દરમિયાન જ્યારે ન્યાયાધીશે ટ્રમ્પને બોલતા અટકાવ્યા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જ્યારે ન્યાયાધીશે ટ્રમ્પને બહાર નીકળવા કહ્યું હતું. જજ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે, 'હું જાણું છું કે બિલ ક્લિન્ટન દ્વારા નિયુક્ત લોકો પણ આવું જ વર્તન કરશે.'