Get The App

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરેલી મોદીની પ્રશંસા ભારત-પાક સંબંધોમાં પરિવર્તન લાવશે ?

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરેલી મોદીની પ્રશંસા ભારત-પાક સંબંધોમાં પરિવર્તન લાવશે ? 1 - image


- સમગ્ર શરીફ કુટુમ્બ ભારત તરફ હાથ લંબાવી રહ્યું છે પરંતુ ત્રાસવાદી હુમલાઓ મૈત્રીના વિકાસમાં અવરોધક છે

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ નીચે કેન્દ્રમાં એનડીએ સરકારની રચના થયાના બીજા જ દિવસે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તે વિજય માટે મોદીને ધન્યવાદ આપતાં જણાવ્યું હતું કે, આ વિજય તમારા નેતૃત્વનાં પ્રમાણપત્ર સમાન છે. આ સંદેશા સાથે તેઓએ અનુરોધ કર્યો હતો કે, આપણાં બંને દેશોના નાગરિકોના સ્વપ્નો સાકાર કરવા માટે હેટ-ને-હોપ (ધિક્કારને આશા)માં ફેરવી નાખીએ.

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર પાઠવેલા આ સંદેશામાં તેઓએ જણાવ્યું કે, આ તકને ઝડપી લઈ આપણે દક્ષિણ એશિયાના બે અબજ લોકોના ભવિષ્યને સારો આકાર આપીએ.

શરીફના આ સંદેશાનો માત્ર બે જ કલાકમાં ઉત્તર આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ, સલામતી અને પ્રગતિ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા સાથે કહ્યું હતું કે 'આમ છતાં ત્રાસવાદ અને મંત્રણા સાથે ન જ ચાલી શકે.'

તે સર્વવિદિત છે કે વડાપ્રધાન પદે મોદી અને તેઓનાં મંત્રી મંડળના સભ્યોએ શપથ લીધા ત્યારે તે સમારોહમાં ભારતે પાકિસ્તાન સિવાયના દરેક પાડોશી દેશોને આમંત્રણ આપ્યું હતું.

નવાઝ શરીફના નાના ભાઈ શહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે મોદીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તેના પ્રતિભાવરૂપે શરીફે અભિનંદનો તો મોદીને પાઠવ્યા હતા પરંતુ તે પણ એક દિવસ પછી અને માત્ર એક લીટીમાં અભિનંદનો પાઠવ્યા હતા.

શહબાઝ શરીફનું જે વલણ હોય તે પરંતુ મે ૩૦ના દિવસે નવાઝ શરીફે જાહેરમાં કહ્યું હતું કે પાકિસ્તાને ૧૯૯૯માં 'લાહોર ડેકલેરેશન' તરીકે ઓળખાતા ભારત સાથેના કરારોનો પાકિસ્તાને ભંગ કર્યો હતો. આ સ્વીકૃતિ તેઓએ કરી તે પૂર્વે તેઓએ બંને દેશો વચ્ચેના સંબંધો ખટાશભર્યા કરવા માટે પાકિસ્તાનની વર્તમાન સરકાર ઉપર આક્ષેપ મુક્યો હતો.

આ વર્ષના માર્ચ મહીનામાં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં શરીફ કુટુમ્બ ફરી સત્તા સ્થાને આવી ગયું છે. તે સાથે બંને દેશો વચ્ચે સંબંધો સુધરવાની આશા વધી રહી છે. તારીખ ૧૮ એપ્રિલે શરીફ કુટુમ્બનાં રાજકીય વારસ મનાતા પ.પંજાબનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે ભારત અંગે સમાધાનકારી વક્તવ્ય આપ્યં  હતું. આ વક્તવ્ય તેઓએ ગુરૂનાનક દેવના જન્મ સ્થળ કરતારપુર સાહેબની યાત્રાએ આવેલા શિખ સમુદાય સમક્ષ આપ્યું હતું. જેમાં તેઓએ બંને દેશો વચ્ચે 'એક કુટુમ્બ જેવા' સંબંધો હોવાનું કહેતાં બંને દેશોની સમાન વીરાસત અને સંભવિત આર્થિક સહકાર ઉપર ભાર મુક્યો હતો.

મરીયમ નવાઝનું આ વલણ દર્શાવે છે કે સમગ્ર શરીફ કુટુમ્બ ભારત તરફ હાથ લંબાવી રહ્યું છે પરંતુ ત્રાસવાદી હુમલાઓ તેમાં પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ સમયે જ જમ્મુ-કાશ્મીરમાં થયેલો ત્રાસવાદી હુમલો બંને દેશો વચ્ચે શાંતિ-સહકાર અને સલામતીની ભાવનાની હાંસી ઉડાડે છે.


Google NewsGoogle News