પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, સાઈફર કેસમાં કોર્ટનો ચુકાદો
રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીને પણ જેલની સજા સંભળાવી
Former Pakistan PM Imran Khan Jail: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને સાઈફર કેસમાં કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાનની સાથે તેના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
સાઈફર કેસ શું છે
પાકિસ્તાનમાં એપ્રિલ 2022માં ઈમરાન ખાનની સરકારના પડ્યા બાદ, ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઈફર કહેવામાં આવે છે.
આ સાઈફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાન ખાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઈમરાને દાવો કર્યો હતો કે અમેરિકાના ઈશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતે આ પત્ર નેશનલ સિક્રેટ હોય છે, જે જાહેર સ્થળો પર બતાવી શકાતો નથી.
ઈમરાન ખાન કાયદાકીય લડાઈમાં ફસાયા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સત્તા છોડ્યા બાદ અનેક કાયદાકીય લડાઈમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે ઈમરાનનું રાજકીય કારકિર્દી જોખમમાં છે. સાઈફર કેસમાં દોષિત જાહેર થયા બાદ તે આગામી સંસદીય ચૂંટણી પણ લડી શકશે નહીં. સત્તા છીનવાઈ ગયા બાદ ઈમરાન ખાને રેલીઓમાં અમેરિકાના ષડયંત્રનો શિકાર થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.