પાક.ના પૂર્વ PM ઈમરાન ખાનને મળશે શાંતિ નોબલ પુરસ્કાર? PWA-CPNએ નોમિનેટ કર્યા
Imran Khan Nominated For Nobel Peace Prize 2025 : જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શાંતિ નોબલ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે. પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ (PWA) અને નૉર્વેજિયન રાજકીય પાર્ટી સેન્ટ્રમ (CPN)એ માનવાધિકારો અને લોકશાહીની દિશામાં મહત્ત્વના યોગદાન બદલ ઈરમરાન ખાનનું નામ આ પુરસ્કાર માટે સૂચવ્યું છે.
ઈમરાનનું નામ નોમિનેટ કરાયું
પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ માનવાધિકારો અને લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતું જૂથ છે, જેની સ્થાપના ડિસેમ્બર 2023માં કરાઈ હતી. આ સંગઠન નોર્વેની રાજકીય પાર્ટી સેન્ટ્રલ સાથે જોડાયેલું છે. સેન્ટ્રલ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુરસ્કારના નોમિનેશન અંગે પુષ્ટિ કરી છે. પાર્ટીએ કહ્યું કે, ઈમરાન ખાને માનવાધિકારો અને લોકશાહીમાં શ્રેષ્ઠ કાર્યો કર્યા હોવાનું અમારા દ્વારા તેમને નોમિનેટ કરવામાં આવ્યા છે.
અગાઉ પણ શાંતિ નોબલ પુરસ્કાર માટે નામ મોકલાયું હતું
ઈમરાન ખાને અગાઉ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાની દિશામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ કારણશર તેમને 2019માં પણ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, નોર્વેજિયન નોબેલ સમિતિને દર વર્ષે સેંકડો નોમિનેશન મળે છે. ત્યારબાદ આઠ મહિનાની લાંબી પ્રક્રિયા બાદ વિજેતાનો નિર્ણય, પછી ઓક્ટોબરમાં પુરસ્કારની જાહેરાત અને ડિસેમ્બર-2025માં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
ઈમરાન ખાન 2023થી જેલમાં બંધ
પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે. જાન્યુઆરી 2024માં તેમના પર સત્તાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેના કારણે તેમને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. એટલું જ નહીં, સરકારી ભેટોનું વેચાણ, સરકારી રહસ્યો લીક કરવા અને ગેરકાયદે લગ્ન સંબંધિત ત્રણ અન્ય કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આ સજાઓને પલટાવી દીધી છે અથવા તો સસ્પેન્ડ કરી દીધી છે. એપ્રિલ-2022માં અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી.
આ પણ વાંચો : રફાહ શહેર ખાલી કરો...: ઈદ પર પેલેસ્ટાઇનને ઈઝરાયલની ચેતવણી, તાબડતોબ હુમલા શરૂ