ચીનમાં ભ્રષ્ટાચારની સજા ફાંસી! સૌથી મોટી બેન્કના વડાને 160 કરોડ રૂપિયાની લાંચ કેસમાં મૃત્યુદંડ
- લાંચ લેવાના અન્ય કેસમાં બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનને પણ ઘરભેગા કરાયા
- લિઉ લિયાંગની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવશે, કોર્ટમાં 1.68 કરોડ ડોલરની લાંચ લીધાનું પુરવાર થયું
- જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં દસ લાખથી વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ
China Corruption News | ભારત જેવા ઘણા દેશોમાં લાંચ સામાન્ય શિરસ્તો છે. તેમા પણ ઘણા મજાકમાં કહે છે કે લાંચ લેતા પકડાય છે તો લાંચ આપી છૂટી જાય છે. ફક્ત ભારત જ નહીં કેટલાય દેશોમાં આવું ચાલે છે. પરંતુ બધાથી વિપરીત હોય તો ચીનની વાત છે. બેન્ક ઓફ ચાઇનાના ભૂતપૂર્વ ચેરમેન લિઉ લિયાંગને મંગળવારે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરની લોન ફાળવણીના કૌભાંડમાં મોતની સજા ફટકારવામાં આવી છે. તેણે 121 મિલિયન યુઆન એટલે કે 1.68 કરોડ ડોલર(160 કરોડ રુપિયા)ની લાંચ લીધી હોવાનું પુરવાર થયું છે.
ચીનના પૂર્વી શેડોંગ પ્રાંતની જિનાન શહેરની કોર્ટે લિઉ લિનાંગને લાંચ કૌભાંડમાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારતા આખા વિશ્વની આંખો ચાર થઈ છે. સામાન્ય રીતે લાંચ બદલ બીજા કોઈ દેશમાં ભાગ્યે જ ફાંસી થતી હોય છે. મધ્યપૂર્વના કટ્ટરવાદી કહેવાતા ઇસ્લામિક દેશોમાં પણ સરકારી અધિકારીને લાંચ બદલ ભાગ્યે જ ફાંસી કરવામાં આવી હતી. તેમા પણ ચીનની બેન્ક ઓફ ચાઇના જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વડાને ફાંસીની સજાની જાહેરાતે એકલા ચીન જ નહીં સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવી દીધી છે.
લિઉને આજીવ રાજકીય અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હતો, તેની બધી જ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરી દેવામાં આવશે. તેણે મેળવેલા બધા જ ગેરકાયદેસરના નફાને તેની પાસેથી વસૂલ કરીને રાજ્યની તિજોરીમાં જમા કરાવવામાં આવશે. કોર્ટનું તારણ છે કે લિઉએ એક્સ્પોર્ટ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને બેન્ક ઓફ ચાઇનાના વિવિધ હોદ્દાનો દૂરુપયોગ કર્યો હતો અને લાંચ લઈને બીજાને લોન ફાઇનાન્સિંગ, પ્રોજેક્ટ કોઓપરેશન અને વ્યક્તિગત વ્યવસ્થાઓમાં મદદ કરી હતી.
આ ઉપરાંત તેણે અનક્વોલિફાઇડ કંપનીઓને કાયદાકીય નિયમોનો ભંગ કરીને 3.32 અબજ યુઆનથી પણ વધુ રકમની લોન આપી હતી. તેના પરીએમે 190.7 મિલિયન યુઆન (એટલે કે 2.7 કરોડ ડોલર)ની તો મુદ્દલની જ ખોટ ગઈ હતી. આમ ભ્રષ્ટાચાર બદલ ફાંસીની સજા મેળવનાર લિઉ બીજો બેન્કર છે.
20 નવેમ્બરે ચીનના સામ્યવાદી પક્ષે એગ્રીકલ્ચર બેન્ક ઓફ ચાઇનાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ લુઉ વેનલોંગની ભ્રષ્ટાચારના આરોપ હેઠળ હકાલપટ્ટી કરી હતી..તેઓના પર અનેકે બેન્કવીટમાં હાજર રહી આના માટે અનેક ચૂકવણી જાહેર નાણામાંથી કરવાનો આરોપ છે.
આ ઉપરાંત ઉત્તરપૂર્વી ચીનના હેઇલોનજિંયાંગ પ્રાંતના ભૂતપૂર્વ વાઇસ ગવર્નર વાંગ યિક્સિન સામે પણ લાંચ સ્વીકારવા બદલ કાર્યવાહી શરુ થઈ છે. નેશનલ કમિશન ઓફ સુપરવિઝનની તપાસના પગલે આ કાર્યવાહી કરવામાં આવનાર છે. ચીનના પૂર્વી શેડોંગ પ્રાંતમાં હેઝ મ્યુનિસિપલ પીપલ્સ પ્રોક્યુરેટરોરેટે નેશનલ કમિશન ઓફ સુપરવિઝનની તપાસના પગલે શહેરની ઇન્ટરમીડિયેટ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો.
પ્રોસીક્યુટર્સનો આરોપ છે કે વાંગે હૈનાન અને શેન્ક્સી પ્રાંતમાં લાંચના બદલામાં બીજા માટેના ફાયદાઓ સુનિશ્ચિત કરવા માટે કામ કર્યુ હતુ. આ ફાયદા ઘણી મોટી રકમના હતા. ૨૦૧૨માં ચીનના પ્રમુખ શી જિનપિંગ સત્તા પર આવ્યા પછી તેમણે મોટાપાયા પર ભ્રષ્ટાચાર સામે અભિયાન છેડયુ છે, તેમા બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન તથા ટોચના લશ્કરી અધિકારીઓ સહિત દસ લાખથીવ વધુ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ચીન સૌથી વધુ મૃત્યુદંડ આપનાર દેશ
આજે પણ વિશ્વના 55 દેશોમાં મૃત્યુદંડની સજા અમલી છે
- 2022માં કુલ 2,016ને મૃત્યુદંડની સજા કરાઈ હતી, ઇરાન, ઇરાક, ઇજિપ્ત આગેવાન
નવી દિલ્હી : વિશ્વના 55 દેશોમાં આજે પણ મૃત્યુદંડની સજા અમલી છે. તેમા 23 દેશોમાં તો મૃત્યુદંડની સજા છે, પરંતુ તેણે છેલ્લા દસ વર્ષથી તેનો ક્યારેય ઉપયોગ જ કર્યો નથી. જ્યારે નવ દેશોમાં ફક્ત અત્યંત ગંભીર ગુના માટે જ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું માનવું છે કે ચીન વિશ્વમાં દર વર્ષે સૌથી વધુ લોકોને ફાંસી આપતું હોવાનું મનાય છે, પરંતુ ચીને ક્યારેય તેના આંકડા બહાર પાડયા નથી. ચીન દર વર્ષે હજારો લોકોને ફાંસી આપતું હોવાનું માનવામાં આવે છે.
ચીન સિવાય જોઈએ તો 2022માં 883 મોતની સજા ફટકારવામાં આવી હતી.આ 2017 પછીનો સૌથી મોટો આંકડો છે. જો કે આ આંકડો પણ 1988, 1989 અને 2015ના આંકડા કરતાં ઓછો છે, આ વર્ષ દરમિયાન દર વર્ષે ૧,૫૦૦થી વધુ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ 2022માં 2016 પર મોતની સજાનો અમલ કરાયો હતો. 2022ના અંતે વિશ્વસ્તરે 28282 લોકો મોતની સજાના ઓથાર હેઠળ હતા. 2021માં 18 તો 2022માં 20 દેશોએ લોકોને મોતની સજા ફટકારી હતી.
ચીન ઉપરાંત લોકોને સૌથી વધુ મોતની સજા ફટકારનારા દેશોમાં ઇરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને અમેરિકા છે. એમ્નેસ્ટના રિપોર્ટ મુજબ ૧૧ દેશો એવા છે જે સતત લોકોને દર વર્ષે મોતની સજા ફટકારે છે. તેમા ચીન, ઇજિપ્ત, ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયા, અમેરિકા, વિયેતનામ અને યેમેનનો સમાવેશ થાય છે.
તેમા પણ 2022માં તો સાઉદી અરેબિયાએ છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ લોકોને મોતની સજા ફટકારી હતી. ડ્રગના ગુના બદલ ઇરાને ૨૫૫, સાઉદી અરેબિયાએ ૫૭ અને સિંગાપોરે 11ને મોતની સજા ફટકારી હતી. વિશ્વના કુલ ૧૧૨ દેશોમાં મોતની સજાનો અમલ થતો નથી, જે આંકડો 1991માં 48 દેશોનો હતો. અમેરિકાએ અલ્બામામાં કેનેથ સ્મિથ નામની વ્યક્તિને નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરીને મોતની સજા આપી હતી.
ચીનમાં મેમાં પણ પૂર્વ બેન્કરને ફાંસીની સજા ફટકારાઈ હતી
બૈજિંગ : ચીનની કોર્ટે ૨૯મી મેના રોજ ચાઇના હુરોંગ ઇન્ટરનેશનલ હોલ્ડિંગના ભૂતપૂર્વ જનરલ મેનેજર બૈ ટિયાન્હુઇને લાંચ લેવા બદલ ફાંસીની સજા ફટકારી હતી. ટિયાન્જિનની કોર્ટે 15.1 કરોડ ડોલરની લાંચ લેવા બદલ ભૂતર્વ બેન્કરને મોતની સજા ફટકારી હતી. તની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને તેણે મેળવેલો બધો જ ગેરકાયદેસરનો નફો પણ તેની પાસેથી પરત મેળવી લઈને સરકારી તિજોરીમાં જમા કરાવવામા આવશે. કોર્ટના ચુકાદા મુજબ બૈનું કાર્ય લાંચ કહી શકાય. તેણે લાંચ પેટે જંગી રકમ લીધી હતી. તેની સામાજિક અસર અત્યંત વિઘાતક પડી શકે છે અને તેના લીધે દેશને અને પ્રજાના હિતોને મોટો ફટકો પડ્યો છે.