નેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન અને તેમના પત્ની એક બીજાનો હાથ પકડી મોતને ભેટયા, ઈચ્છા મૃત્યુ અપાયુ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
નેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન અને તેમના પત્ની એક બીજાનો હાથ પકડી મોતને ભેટયા, ઈચ્છા મૃત્યુ અપાયુ 1 - image

image : Twitter

એમ્સટરડેમ,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર

નેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનુ એક સાથે નિધન થયુ છે અને જ્યારે તેઓ મોતને ભેટયા ત્યારે બંનેએ એક બીજાનો હાથ પણ પકડી રાખ્યો હતો.બંનેની ઉંમર 93 વર્ષ હતી.

ડ્રીસ વૈન એગ્ટે જ સ્થાપેલા માનવાધિકાર સંગઠન ધ રાઈટ્સ ફોરમના કહેવા પ્રમાણે 1977થી 1982 સુધી નેધરલેન્ડના વડાપ્રધાન રહેલા ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીની વય 93 વર્ષની હતી અને બંનેને સોમવારે યુથેનેસિયા એટલે કે ઈચ્છા મૃત્યુ આપવામાં આવ્યુ હતુ. તેમની દફનિવિધ નેધરલેન્ડના નિજમેગેન શહેરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં કરવામાં આવી હતી.

સંગઠનના કહેવા પ્રમાણે ડ્રીસ વૈન એગ્ટનુ નિધન તેમની પ્રેમાળ પત્ની યૂજિની વાન એગ્ટ ક્રેકેલબર્ગની સાથે જ થયુ હતુ. પતિ પત્ની 70 વર્ષ કરતા વધારે સમય સુધી એક બીજાની સાથે રહ્યા હતા. જોકે તેમની તબિયત છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી.

2019માં પેલેસ્ટાઈનના લોકો માટે આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ડ્રીસ વૈન એગ્ટને બ્રેન હેમરેજ થયુ હતુ અને એ પછી તેઓ ક્યારેય સંપૂર્ણપણે સાજા થઈ શક્યા નહોતા. તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે.

ડ્રીસ વૈન એગ્ટ નેધરલેન્ડના પ્રગતિશીલ નેતાઓ પૈકી એક ગણાતા હતા. 2017માં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મુદ્દે વૈચારિક મતભેદોના કારણે પોતાની ક્રિશ્ચિયન ડેમોક્રેટ પાર્ટી છોડી દીધી હતી.

તેમના નિધન બાદ હાલના વડાપ્રધાન માર્ક રટે તેમને પરદાદા કરીને શ્રધ્ધાંજલિ આપતા કહ્યુહ તુ કે, ડ્રીસ વૈન એગ્ટે પોતાની શાનદાર ભાષા, દ્રઢ  વિશ્વાસ અને પ્રભાવશાળી ઢંગથી કોઈ પણ મુદ્દાને પ્રસ્તુત કરવાની કાબેલિયતના સહારે નેધરલેન્ડના રાજકારણને નવી ઉંચાઈ બક્ષી હતી.

નેધરલેન્ડના રાજ પરિવારે પણ પૂર્વ પીએમની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે, રાજકીય રીતે અસ્થિર સમયમાં તેમણે દેશના શાસનની જવાબદારી સ્વીકારી હતી અ્ને પોતાના આકર્ષક વ્યક્તિત્વ તથા શાનદાર શૈલીથી ઘણા લોકો માટે તેઓ પ્રેરણા સ્ત્રોત પણ રહ્યા હતા.

ડ્રીસ વૈન એગ્ટને નેધરલેન્ડના લોકો સાયકલ માટેના ઝનૂનના કારણે પણ જાણે છે.


Google NewsGoogle News