બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમના માસ્ટર માઇન્ડ મોહમ્મદ યુનુસ જ, શેખ હસીનાના ગંભીર આક્ષેપ
Bangladesh Hindus Attack: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામે હિંસા થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરતી સંસ્થા ઈસ્કોન સાથે સંકળાયેલા આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. આ દરમિયાન પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ આરોપ લગાવ્યો છે કે, 'બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ જવાબદાર છે.' આ ઉપરાંત શેખ હસીનાએ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસાનો માસ્ટર માઈન્ડ પણ ગણાવ્યો છે.
શેખ હસીનાના મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો
પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'મંદિરો અને ચર્ચો પર થયેલા હુમલા પાછળ મોહમ્મદ યુનુસનો હાથ છે. તે આ ઘટનાઓ પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે કામ કરી રહ્યા છે.'
આ પણ વાંચો: 'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..' હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
પાંચમી ઓગસ્ટે તખ્તાપલટ બાદ ભારત આવેલા શેખ હસીનાએ જણાવ્યું હતું કે, 'આજે મારા પર નરસંહાર કરવાનો આરોપ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોહમ્મદ યુનુસ આ કરી રહ્યો છે. તે સંપૂર્ણ ડિઝાઇન સાથે કામ કરી રહ્યો છે. તેઓ વિદ્યાર્થી સંગઠનોના નામે સત્તામાં છે.'
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ વધ્યા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બન્યા બાદ પાકિસ્તાન તરફનો ઝુકાવ વધી ગયો છે. બંગબંધુ મિજાબુર રહેમાનની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓફિસોમાંથી તેમની તસવીરો હટાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, બાંગ્લાદેશની રચનાના હીરો સાથે સંકળાયેલા દિવસોની રજાઓ પણ રદ કરવામાં આવી છે. હિન્દુઓ પર પણ એમ કહીને હુમલા કરવામાં આવી રહ્યા છે કે તેઓ શેખ હસીનાની સરકારના સમર્થક હતા. ઘણી મોટી હિન્દુ હસ્તીઓના ઘરો અને પૂજા સ્થાનો પર હુમલાની ઘટનાઓ બની છે.