Get The App

વિશ્વમાં સૌથી વધારે જંગલો રશિયામાં જ્યારે મોનાકો આઈલેન્ડમાં સૌથી ઓછા

વિશ્વના કુલ જંગલોમાંથી 20 ટકા જંગલો રશિયામાં જ્યારે મોનાકો, નૌરુ, કતાર, ઓમાન, ઈજિપ્ત, કુવૈત લિબિયામાં જંગલો નહીં

એશિયા ખંડમાં કુલ જમીનના માત્ર 14 ટકા જમીન પર જ જંગલો, ગીચતા અને વ્યાપકતા મુદ્દે 1.8 ટકા જંગલો સાથે ભારત વિશ્વમાં 9મા ક્રમે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી વધારે જંગલો રશિયામાં જ્યારે મોનાકો આઈલેન્ડમાં સૌથી ઓછા 1 - image


Global forest cover ranking: વિશ્વમાં ચારેકોર ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ તથા ભીષણ ગરમીની વાતો ચાલી રહી છે. ઘણા દેશોમાં મૂશળધાર વરસાદ અને પૂર છે તો ક્યાંક કારમો દુકાળ પડી રહ્યો છે. આ બધા વચ્ચે એક એવો અહેવાલ સામે આવ્યો છે જેણે દુનિયાના તમામ દેશોની વાસ્તવિકતા છતી કરી નાખી છે. વાતાવરણને સંતુલિત કરનારા જંગલોની વાસ્તવિક સ્થિતિ છતી કરતો એક અહેવાલ તાજેતરમાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, વિશ્વમાં એટલે કે પૃથ્વી ઉપર કુલ જેટલા ભાગમાં જમીન આવેલી છે તેના 31 ટકા ભાગમાં 4.06 અબજ હેક્ટર જમીન ઉપર જંગલો ફેલાયેલા છે. બાકીના જંગલોનો મોટાપાયે નાશ થયો છે. વર્તમાન સ્થિતિમાં ખંડ અને દેશ તરીકે રશિયામાં સૌથી વધારે જંગલો આવેલા છે. રશિયામાં પૃથ્વી ઉપરના કુલ જંગલોમાંથી 20 ટકા જંગલો આવેલા છે. આ જંગલો રશિયાની કુલ જમીનના અડધા એટલે કે અંદાજે 45 ટકાથી વધુ ભાગ ઉપર આવેલા છે. વિશ્વમાં સૌથી વધારે જંલગો ધરાવતા દેશોમાં રશિયા મોખરે છે જ્યારે સૌથી ઓછા જંગલોની બાબતમાં મોનાકો ટોચના સ્થાને આવે છે. આ દેશમાં જંગલ જ નથી. 

પૃથ્વીની કુલ 4.06 અબજ હેક્ટર જમીન ઉપર જંગલો છે જે કુલ જમીનના 31 ટકા

જાણકારોના મતે રશિયા, બ્રાઝિલ, કેનેડા, અમેરિકા અને ચીન જેવા પાંચ દેશોમાં વિશ્વના મોટાભાગના જંગલોના પ્રદેશો આવી જાય છે. બીજી તરફ દુનિયામાં એવા 9 દેશો છે જેમાં 1 ટકાથી ઓછા અને 0 ટકા એટલે કે નહીવત્ કહેવાય તેવા જંગલો છે. આ સિવાય દુનિયામાં 30 દેશો એવા છે જેની પાસે પાંચ ટકા કરતા પણ ઓછા જંગલો છે. વૈશ્વિક રીતે જોવા જઈએ તો વિશ્વમાં જેટલા જંગલો ધરાવતા દેશો છે તેમાં નાના-મોટા દેશોની યાદીમાં સુરેનમ એટલે કે રિપબ્લિક ઓફ સુરિનેમ દેશ મોખરે આવે તેમ છે. માત્ર 1.63 લાખ ચો.કિ.મીનો વિસ્તાર ધરાવતા દેશમાં 6.13 લાખ લોકોની વસતી છે. આ દેશનો 98 ટકા વિસ્તાર જંગલ છે. આ દેશની અડધી વસતી તેની રાજધાનીમાં રહે છે જે સૌથી ગીચ વિસ્તાર છે. જંગલોની બાબતમાં રશિયા જગ્યા અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. રશિયન ફેડરેશનની ગણતરી કરીએ તો તેના જમીનના કુલ 81 ટકા ભાગ ઉપર જંગલો આવેલા છે. 

એશિયાના 60 લાખ ચો.કિ.મી વિસ્તારમાં જંગલો

એશિયા જેને દુનિયાનો સૌથી મોટો ખંડ કહેવામાં આવે છે તેની કરુણતા એવી છે કે, જંગલોની બાબતમાં તે ઘણો પાછળ છે. 4.4 બિલિયન ચો.કિ.મીમાં ફેલાયેલા એશિયાખંડમાં માત્ર 14 ટકા જમીન ઉપર જ જંગલો આવેલા છે. અંદાજે એશિયાના 60 લાખ ચો.કિ.મી વિસ્તારમાં જ જંગલો ફેલાયેલા છે. એશિયાને જ્યારે વિવિધ ભાગમાં વહેંચવામાં આવે તો તેનો પશ્ચિમી વિસ્તાર ખુબ જ સુકો વિસ્તાર છે. પશ્ચિમ એશિયામાં રણ પ્રદેશો અને સુકા પ્રદેશોની સંખ્યા વધારે છે. અહીંયા અરેબિયન દેશો આવેલા છે. અહીંયા અરેબિયાનું રણ જે વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું રણ છે તે ફેલાયેલું છે. તેનો વિસ્તાર 23 લાખ ચો.કિ.મી જેટલો છે. અહીંયા કતાર, ઓમાન અને કુવૈત એવા દેશો છે જ્યાં 0 ટકા એટલે નહીવત્ કહી શકાય તેવી જંગલો છે. ત્યારબાદ યેમેન અને સાઉદી અરેબિયાનો વારો આવે છે જેમાં 1 ટકા જેટલા જંગલો છે. અહીંયા માત્ર યુએઈ એક જ એવો દેશ છે જેમાં જમીનના ભાગના પાંચ ટકા જંગલો આવેલા છે. 

દુનિયાના પાંચ દેશોમાં વિશ્વના 50 ટકા જંગલો

વિશ્વમાં ચારેકોર ફેલાયેલા જંગલો વિશે એક અનોખી વાસ્તવિકતા પણ છે. વિશ્વના 50 ટકા જંગલો માત્ર પાંચ દેશોમાં જ સમાઈ જાય છે. જ્યારે બાકીના 50 ટકા જંગલો વિશ્વના બાકીના તમામ દેશોમાં થોડાઘણા અંશે વહેંચાયેલા છે. જંગલોની વહેંચણીની વિચિત્રતા જોઈએ તો રશિયાનો અડધો ભાગ જંગલોથી ઢંકાયેલો છે. વિશ્વમાં સૌથી વધારે જંગલ રશિયામાં છે પણ જ્યારે નાના દેશો સાથે તેની સરખામણી કરવામાં આવે ત્યારે દેશની કુલ જમીન અને તેમાં ફેલાયેલા જંગલોની બાબતમાં રશિયાનો ક્રમ 53મો આવે છે. ઘણા નાના દેશો છે જેમાં જમીનના ભાગમાં મોટાભાગે જંગલો ફેલાયેલા છે. રશિયાની વાત કરીએ તો અમેરિકા, કેનેડા, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાને બાદ કરતા દુનિયાના મોટાભાગના દેશો કરતા રશિયામાં જંગલનું પ્રમાણ ખૂબ જ વધારે છે. દુનિયાના પાંચમાં ભાગના જંગલો રશિયામાં છે. અહીંયા 81.51 લાખ ચો.કિ.મી વિસ્તારમાં જંગલો ફેલાયેલા છે. અહીંયા ઠંડીનું પ્રમાણ અતિશય હોવા છતાં તેમાં સર્વાઈવ કરી શકતા વૃક્ષો અને વનસ્પતીઓનું પ્રમાણ મોટું છે. અહીંયા લાર્ચ, પાઈન, સ્પ્રોસ અને ઓક પ્રજાતીના વૃક્ષો મોટા પ્રમાણમાં છે.

વિશ્વમાં સૌથી વધારે જંગલો રશિયામાં જ્યારે મોનાકો આઈલેન્ડમાં સૌથી ઓછા 2 - image

જંગલો મુદ્દે ટોચના દસ દેશોમાં ભારત 9મા ક્રમે

વિશ્વના કુલ જંગલોમાંથી જે દેશોમાં સૌથી વધારે જંગલો આવેલા છે તેવા 20 દેશોની યાદી થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવી હતી. આ યાદી પ્રમાણે ટોચના 10 દેશો છે તેની પાસે મોટાપાયે જંગલો આવેલા છે. તેમાંય આ 20 દેશોની યાદી જોઈએ તો આ તમામ દેશોના કુલ જંગલો વિશ્વમાં પથરાયેલા કુલ જંગલોના અંદાજે 80 ટકા જેવા થાય છે. આ યાદીમાં ટોચના 10 દેશોમાં ભારત નવમા ક્રમે આવે છે. ભારતમાં 7.24 લાખ ચો.કિ.મી વિસ્તારમાં જંગલો ફેલાયેલા છે. વૈશ્વિક દ્રષ્ટીએ આ આંકડો 1.8 ટકા જેટલો થાય છે. બીજી ખાસ વાત એવી પણ છે કે, ભારતમાં જે જંગલો વિસ્તરેલા છે તેમાંથી 82 ટકા જંગલો કુદરતી રીતે વિસ્તરેલા જ્યારે 18 ટકા માનવ સર્જિત જંગલો છે. આ મુદ્દે પેરુ પણ ભારતની સમાંતર જ છે. પેરુમાં પણ ભારતની જેમ જ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં 1.8 ટકા જંગલો આવેલા છે. તેમાં 7.21 લાખ ચો.કિ.મી વિસ્તારમાં જંગલો ફેલાયેલા છે. આ યાદીમાં પેરુ ઉપરાંત 13મા ક્રમે આવેલા કોલંબિયા, 14મા ક્રમે આવેલા બોલિવિયા અને 15મા સ્થાને આવેલા વેનેઝુએલાને એમેઝોનના જંગલ વિસ્તારનો લાભ મળે છે. બ્રાઝિલ બાદ આ દેશોની સરહદોમાં પણ અમેઝોનનો જંગલ પ્રદેશ ફેલાયેલો છે. તેના કારણે જ તેમના જંગલો મોટા છે. 

બ્રાઝિલનો જંગલ વિસ્તાર સાઉદીના કુલ વિસ્તાર કરતા બમણો

જંગલોના વિસ્તારની બાબતમાં બ્રાઝિલ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. વિશ્વના કુલ જંગલોમાંથી 12.3 ટકા જંગલો બ્રાઝિલમાં આવેલા છે. બ્રાઝિલને સૌથી મોટો ફાયદો એ છે કે, એમેઝોનના જંગલોનો 67 ટકા ભાગ બ્રાઝિલની સરહદમાં આવતો હોવાથી વિશ્વ સ્તરે બ્રાઝિલનું નામ ટોચના દેશોમાં આવે છે. બ્રાઝિલમાં ફેલાયેલા જંગલ વિસ્તારની માપણી કરીએ તો સાઉદી અરેબિયાના કુલ જમીન વિસ્તાર કરતા બમણા વિસ્તારમાં આ જંગલો ફેલાયેલા છે. સાઉદી અરેબિયા જમીન વિસ્તાર મુદ્દે  દુનિયાનો 12મા ક્રમનો સૌથી મોટો દેશ છે. 30.50 લાખ ચો.કિ.મી જંગલો સાથે કેનેડા વિશ્વમાં ત્રીજા ક્રમે જ્યારે 30.10 લાખ ચો.કિ.મી જંગલો સાથે અમેરિકા ચોથા સ્થાને આવે છે. 22.18 લાખ ચો.કિ.મી જંગલ વિસ્તાર સાથે ચીન વૈશ્વિક યાદીમાં પાંચમા ક્રમે આવે છે. છઠ્ઠા ક્રમે આવતા ઓસ્ટ્રેલિયામાં 13.40 લાખ ચો.કિ.મી જ્યારે સાતમા ક્રમે આવતા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 12.50 લાખ ચો.કિ.મી. વિસ્તારમાં જંગલો ફેલાયેલા છે. 9.15 લાખ ચો.કિ.મી સાથે ઈન્ડોનેશિયા આઠમા ક્રમે આવે છે. 

કુદરતી રીતે વિસ્તરેલા જંગલોમાં અફઘાનિસ્તાન મોખરે

સંશોધકોના મતે જંગલોની જ્યારે વહેંચણી કરવામાં આવે તો તેના મુખ્ય બે ભાગ પડે છે. એક કુદરતી રીતે વિકસેલા અને વિસ્તરેલા જંગલો જ્યારે બીજા માનવ સર્જિત જંગલો. કુદરતી વિસ્તરેલા જંગલોમાં કાર્બન શોષવાની ક્ષમતા બમણી હોય છે. પૃથ્વી ઉપર સૌથી વધારે ઓક્સિજન પણ આ જંગલો દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. નવાઈની વાત એવી છે કે, જંગલો મુદ્દે ટોચના દેશોમાં ક્યાંય સ્થાન નહીં પામનાર અફઘાનિસ્તાન કુદરતી રીતે વિસ્તરેલા જંગલો મુદ્દે વિશ્વમાં ટોચના સ્થાને છે. અહીંયાના 100 ટકા જંગલો કુદરતી રીતે વિસ્તરેલા છે. સૌથી વધુ જંગલો ધરાવતા રશિયામાં પણ 98 ટકા જંગલો કુદરતી જ્યારે 2 ટકા જંગલો માણસો દ્વારા વિકસાવાયા છે. વિશ્વના 54 દેશો એવા છે જ્યાં 100 ટકા જંગલો કુદરતી રીતે વિસ્તરેલા છે. તેમાં માણસોની કામગીરીની ક્યાંય અસર જોવા મળતી નથી. બીજી તરફ વિશ્વના 6 દેશો એવા પણ છે જ્યાં 100 ટકા જંગલો માણસોના પ્રયાસો દ્વારા જ ઉગાડાયા છે અને હજી સુધી ટક્યા છે. બેહરીન, ઈજિપ્ત, ફરેરો આઈલેન્ડ, ગ્રીનલેન્ડ, કુવૈત અને લિબિયા જેવા છ દેશોમાં માણસો દ્વારા વિકસાવાયેલા જંગલો છે. યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. અહીંયા કુદરતી કરતા માનવસર્જિત જંગલોનું પ્રમાણ વધારે છે. તેવી જ રીતે ચીનમાં છેલ્લાં ત્રણ દાયકામાં નોર્વેના કુલ વિસ્તાર કરતા બમણા વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધ્યું છે. તેમાંથી 40 ટકા જંગલો માનવસર્જિત છે. 

ગત વર્ષે સ્વીટ્ઝર્લેન્ડના કુલ વિસ્તાર જેટલા જંગલો કપાયા

જંગલો ઉગાડવાની સાથે સાથે જંગલો કાપવાનું પ્રમાણ પણ વિશ્વના દેશોમાં વધારે જોવા મળ્યું છે. એક અહેવાલમાં જણાવાયું હતું કે, ગત વર્ષે જે જંગલો કાપવામાં આવ્યા તેનો વિસ્તાર ખૂબ જ મોટો હતો. ગત વર્ષે સ્વીટ્ઝર્લેન્ડના કુલ વિસ્તાર જેટલા વિસ્તારના એટલે કે 41,285 ચો.કિ.મી વિસ્તાર જેટલા જંગલો કાપવામાં આવ્યા હતા. જાણકારોના મતે ગત વર્ષે દર મિનિટે 11 ફૂટબોલ મેદાનો જેટલા જંગલો કપાયા હતા જેના પગલે આટલા મોટા પ્રમાણમાં જંગલોનો નાશ થયો. મહત્ત્વની વાત આવી છે કે, 2021માં દુનિયાના 85 ટકા જંગલો ધરાવતા 100 જેટલા દેશો દ્વારા 2030 સુધીમાં સૌથી ઓછા જંગલો કાપવાનો અને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવાનો કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર માત્ર કાગળ ઉપર જ રહ્યો છે. મોટાભાગના દેશો દ્વારા જંગલોનો નાશ કરાઈ રહ્યો છે તેમાં બ્રાઝિલ મોખરે છે. માત્ર ઈન્ડોનેશિયા એવો દેશ છે જ્યાં જંગલો કાપવાનું ઓછું અને નવા ઉગાડવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. જાણકારોના મતે ગત વર્ષે જે જંગલોનો નાશ કરાયો તે 2021ની સરખામણીએ 10 ટકા વધારે હતો. ગત વર્ષે 40 લાખ હેક્ટરમાં ફેલાયેલા વૃક્ષોને સળગાવવામાં આવ્યા જેના પગલે 2.7 ગીગાટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત થયો હતો જે ભારતની કુલ વસતીના કુલ કાર્બન ઉત્સર્જન જેટલો છે. જાણકારોના જણાવ્યા મુજબ બ્રાઝિલમાં સૌથી વધારે જંગલો કાપવામાં આવ્યા છે. અહીંયા ગત વર્ષે જંગલો કાપવાની પ્રવૃત્તિ 14 ટકા વધી ગઈ છે. ગત વર્ષે સમગ્ર વિશ્વમાં જંગલોની જે કાપવાની પ્રવૃત્તિ થઈ તેમાંથી 40 ટકા બ્રાઝિલમાં થઈ હતી. 

વિશ્વમાં સૌથી વધારે જંગલો રશિયામાં જ્યારે મોનાકો આઈલેન્ડમાં સૌથી ઓછા 3 - image


Google NewsGoogle News