Get The App

ટ્રમ્પના શપથ પહેલાં વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા પરત ફરે

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ટ્રમ્પના શપથ પહેલાં વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા પરત ફરે 1 - image


- અમેરિકન યુનિવર્સિટીઓની ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણીથી ખળભળાટ

- ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે ત્યારે અગાઉના કાર્યકાળ દરમિયાન લાદ્યો હતો તેવો ટ્રાવેલ બેન લાદી દે તેવો વિવિધ યુનિવર્સિટીઓને ડર  ટ્રમ્પ વહીવટીતંત્રના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરોના લીધે ટ્રાવેલિંગ અને વિઝા પ્રોસેસિંગ પર અસર પડી શકે

- અમેરિકામાં કુલ 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓઃ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3.31 લાખ, કુલ વિદ્યાર્થીઓમાં 23 ટકા હિસ્સો

વોશિંગ્ટન : અમેરિકા ૨૦મી જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ૪૭મા પ્રમુખ તરીકે સત્તા સંભાળે તે માટે તૈયાર થઈ રહ્યુ છે ત્યારે અમેરિકાની કેટલીય ટોચની યુનિવર્સિટીઓએ તેમને ત્યાં અભ્યાસ કરતાં ભારતીયો સહિત વિદેશના વિદ્યાર્થીઓને ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે કે ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળે તે પહેલા તે અમેરિકામાં આવી જાય. તેના લીધે અમેરિકામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ પર પણ ચિંતાના વાદળ ઘેરાયા છે. અમેરિકામાં હાલમાં કુલ ૧૧ લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમા ૩.૩૦ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. 

આમ અમેરિકામાં કુલ વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો ૨૩ ટકા છે.  અમેરિકામાં હાલમાં ૧.૧ કરોડથી પણ વધારે ગેરકાયદે ઇમિગ્રન્ટ રહે છે. તેના પર ટ્રમ્પ મોટો પ્રહાર કરે તેમ માનવામાં આવે છે. જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતાં ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓમાં ચાર વાખ વિદ્યાર્થીઓ પાસે પૂરતા દસ્તાવેજો નથી અને તે અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. 

જો કે અધિકૃત એફ વિઝા ધરાવતા ૩.૩૦ લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાની કોઈ વાત નથી, કારણ કે તેમની પાસે અધિકૃત વિઝા છે. અધિકૃત વિઝા ન હોય તેવાને વધુ તકલીફ પડી શકે છે.

ટ્રમ્પ જાહેરાત કરી ચૂક્યા છે કે તે સત્તા સંભાળશે તેની સાથે જ ઇમિગ્રેશન અને આર્થિક નીતિઓને લઈને એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કરશે. તેના પગલે તેમણે ૨૦૧૭માં તેમની પહેલી ટર્મ દરમિયાન આવાજ આદેશ આપ્યા હતા તે લોકોને યાદ આવ્યું છે, ટ્રમ્પના શાસનમાં સાત મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી એમ્હર્સ્ટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને સ્ટાફને એડવાઇઝરી જારી કરી છે કે ૨૦મી જાન્યુઆરી પહેલા પરત ફરવા વિચારે. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે નવું તંત્ર પહેલા જ દિવસથી તેમની નીતિઓનો અમલ શરૂ કરે અને ૨૦૧૭ના અનુભવને જોતાં આ એડવાઇઝરીને ચેતવણી જ સમજવી. 

વેસ્લીન યુનિવર્સિટી કોલેજના અખબાર વેસ્લીન અર્ગસે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અફેર્સ એ તેના વિદ્યાર્થીઓ માટે આ જ પ્રકારના ગાઇડન્સ જારી કર્યા હતા. તેના ઇ-મેઇલમાં જણાવાયું હતું કે બિનજરુરી મુશ્કેલીઓ ટાળવાનો એકમાત્ર અને સલામત માર્ગ ૧૯મી જાન્યુઆરી પહેલા અમેરિકામાં હાજર થઈ જવાનો છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના (ડીઆઇટી)ના ડીન ડેવિડ એલ્વેલે ચેતવણી આપી હતી કે અનિર્ણાયક સ્થિતિને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના ટ્રાવેલ પ્લાનની સાવધાનીપૂર્વક સમીક્ષા કરવી. તેમણે ચેતવણી આપી હતી કે નવી નીતિઓ અમલમાં આવે તેના પછી વિઝા પ્રક્રિયામાં નોંધપાત્ર વિલંબ થઈ શકે છે અને અમેરિકાની બહાર તમે હોવ તો તેની સાથે ઘણા જોખમો સંકળાયેલા છે.

તેમણે તાજેતરની પોસ્ટમાં લખ્યું હતું કે દરેક ચૂંટણીની સાથે નીતિઓ, નિયમો અને કાયદાઓમાં ફેરફાર આવતા હોય છે. તેની ઉચ્ચ શિક્ષણની સાથે ઇમિગ્રેશન અને વિઝાને લગતી બાબતો પર પણ નોંધપાત્ર અસર થાય છે. તેમણે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના સંદર્ભમાં ચેતવણી જારી કરી હતી. ૨૦૧૭માં ટ્રમ્પ કાઢેલા આવા જ આદેશના લીધે ઘણાને અસર થઈ હોવાનું યાદ અપાવ્યું હતું. 

યુનિવર્સિટીઓ તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રક્ષણ કરવા માટે પગલાં લઈ રહી છે. યેલ યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલર્સે આ મહિને અગાઉ વેબિનારનું આયોજન કર્યુ હતુ, જેનું ધ્યેય ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફારોને વિદ્યાર્થીઓમાં પ્રવર્તતો ડર હતો. અન્ય ઇન્સ્ટિટયુશનો પણ ટ્રમ્પ તંત્ર દ્વારા અમલી બનાવવામાં આવનારી નીતિઓને પહોંચી વળવાની તૈયારી કરી રહી છે. 

ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે હજી સુધી કોઈ એડવાઇઝરી જારી કરી નથી. તેણે અમેરિકામાં વસતા ભારતીયોને વિનંતી કરી છે કે પ્રવાસ નિયંત્રણોને લઈને અપડેટ રહે. અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે હોટ ડેસ્ટિનેશન છે. ૨૦૨૩-૨૪માં કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો ૨૩ ટકા હતો. તે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યાને વટાવી ગયું છે. હાલમાં અમેરિકામાં ભણતા ૩.૩૧ લાખ ભારતીય વિદ્યાર્થીઓ તેની ઇકોસિસ્ટમનો નોંધપાત્ર હિસ્સો છે.


Google NewsGoogle News