સતત વધતાં તણાવ વચ્ચે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ, હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસા પર થશે વાત?
Bangladesh Violence Agaisnt Hindus: ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત લઘુમતીઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ બાદ ભારત-બાંગ્લાદેશના સંબંધો હવે સામાન્ય રહ્યા નથી. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળવાના છે. આ ઉપરાંત મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે. વિદેશ કાર્યાલય પરામર્શ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ઐતિહાસિક બંધન છે. અમે આ બેઠકની રાહ જોઈ રહ્યા છીએ.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલાઓ બંધ ન થવાથી ભારત સરકાર ચિંતિત
ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે વારંવાર પોતાની ચિંતા શેર કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં હુમલા રોકવાની ભારત દ્વારા માંગ કરવાં છતાં યુનુસ સરકાર ત્યાંની સેના, પોલીસ અને પ્રશાસન અત્યાચાર રોકવામાં નિષ્ફળ રહી છે. તેથી, શેખ હસીનાના દેશવટો અને યુનુસ સરકારની રચના બાદ બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ પ્રથમ વખત વિદેશ સચિવ સ્તરની બેઠક માટે ઢાકા જવાના છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સરકાર બન્યા પછી પણ ખેંચતાણ! ભાજપે શિંદેને આપ્યા ત્રણ વિકલ્પ
બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કયા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે?
બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSના અહેવાલ પ્રમાણે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિર્ધારિત વિદેશ સચિવ સ્તરની મંત્રણા ઢાકામાં 9 અથવા 10 ડિસેમ્બરે યોજાશે. ભારતીય વિદેશ સચિવ મિસ્ત્રી અને બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન ઉચ્ચ સ્તરીય વાટાઘાટો દરમિયાન પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ વાટાઘાટોમાં બાંગ્લાદેશ તરફથી શેખ હસીનાના સંભવિત પ્રત્યાર્પણ અને વિઝા સંબંધિત મુદ્દા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ભારત તરફથી લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો સહિત ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.