'ખોટું બોલીને સેનામાં કરાઈ રહ્યાં છે ભરતી...', રશિયામાં ફસાયેલા ભારતીયોને લઈને કેન્દ્ર સરકારની મોટી ચેતવણી
MEA On Indians In Russia : ભારત સરકાર રશિયામાં કામ કરવાના નામે છેતરાયેલા ભારતીય નાગરિકો મામલે એક્શનમાં આવી છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે, રશિયાથી લગભગ 20 ભારતીયોએ અમારો સંપર્ક કર્યો છે, જે ભારત પરત ફરવા ઈચ્છે છે, કારણ કે તેમણે કથિત રીતે આ માનવ તસ્કરી રેકેટમાં દગો આપ્યો હતો.
વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે, તેમને ખોટું બોલીને દગાથી લઈ જવાયા છે. આ માનવ તસ્કરીનો મામલો છે. આ મામલે CBIએ કેટલીક રેડ કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, તેઓ કોઈ પણ પ્રકારની જાળમાં ન ફસાય.
શું કહેવું છે વિદેશ મંત્રાલયનું?
ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે (8 માર્ચ) એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત સરકારે રશિયામાં કામ કરવાના નામ પર છેતરાયેલા ભારતીય નાગરિકોના મામલાને કડકાઈથી ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે રશિયામાં અંદાજિત 20 ભારતીયો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, 'લગભગ 20 લોકો સાથે અમે સંપર્ક કર્યો છે અને અમે તેમની માહિતી મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રશિયન અધિકારીઓના સંપર્કમાં છીએ.'
ત્રણ ભારતીયોના મોત થયા
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ટૂ ફ્રન્ટ વૉરમાં ભારતના ત્રણ નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. રશિયા-યૂક્રેન યુદ્ધમાં બે ભારતીયો માર્યા ગયા છે, જ્યારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત થયું છે.
CBIએ દરોડા પાડ્યા
વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયામાં કામના બહાને ભારતીયોને મોકલનારા હ્યૂમન ટ્રાફિકિંગથી જોડાયેલા એજન્ટો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. સીબીઆઈએ કેટલાક શહેરોમાં દરોડા પાડ્યા છે અને કેસ દાખલ કરી દીધો છે.
એજન્ટોની જાળમાં ન ફસાય ભારતીય નાગરિક
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ રશિયામાં હેલ્પર તરીકે નોકરી અપાવનારા એજન્ટોને જાળમાં ન ફસાય. આ જીવન માટે ખતરા અને જોખમથી ભરેલું છે. ભારત સરકાર રશિયામાં સેના સહાયક સ્ટાફ તરીકે કાર્યરત પોતાના નાગરિકોની તાત્કાલિક મુક્તિ અને તેની ઘર વાપસી માટે પ્રતિબદ્ધ છે.