સ્વિસ બેન્કોમાં ભારતીયોનું બેલેન્સ સતત બીજા વર્ષે ઘટ્યું, જાણો હવે તેમની કેટલી રકમ જમા બોલાય છે

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
સ્વિસ બેન્કોમાં ભારતીયોનું બેલેન્સ સતત બીજા વર્ષે ઘટ્યું, જાણો હવે તેમની કેટલી રકમ જમા બોલાય છે 1 - image


Swiss Bank News | ભારતીયો અને કંપનીઓ દ્વારા સ્વિસ બેન્કોમાં રખાતાં ભંડોળમાં 2023માં 70 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. હાલ સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ ચાર વર્ષમાં સૌથી ઓછું એટલે કે 1.04 બિલિયન સ્વિસ ફ્રાન્ક એટલે કે અંદાજે  9771 કરોડ રૂપિયા જ રહ્યું છે. 2021માં 14 વર્ષમાં સર્વાધિક 3.83 બિલિયન સ્વિસ ફ્રાન્કનું ભારતીયોનું ભંડોળ સ્વિસ બેન્કોમાં પડેલું જણાયું હતું. સ્વિસ બેન્કોમાં ભારતીય ગ્રાહકો દ્વારા જમા રાખવામાં આવતાં ભંડોળમાં આ સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.

 સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ નેશનલ બેન્ક દ્વારા ગુરૂવારે જારી કરવામાં આવેલાં વાર્ષિક ડેટામાં અપાયેલી વિગતો અનુસાર આ રકમમાં ભારતીયો, એનઆરઆઇઓ દ્વારા  થર્ડ કન્ટ્રી કંપનીઓના ઉપયોગ દ્વારા જમા થતાં નાણાંનો સમાવેશ થતો નથી. 2023ના અંતમાં સ્વિસ બેન્કોઓ ભારતીય ગ્રાહકોને ચૂકવવાની કુલ રકમ 1039.8 મિલિયન ફ્રાન્ક હતી. જેમાં 310 મિલિયન કસ્ટમર ડિપોઝીટ્સ પેટે હતા જે ગયા વર્ષે  2022ના અંતે 394 મિલિયન ડોલર્સ હતી. અન્ય બેન્કો દ્વારા  જમા રખાયેલી રકમ 427 મિલિયન ડોલર્સ હતી જે ગયા વર્ષે 1110 મિલિયન ફ્રાન્ક હતી. ટ્રસ્ટ દ્વારા જમા થતી રકમ 10 મિલિયન હતી જે ગયા વર્ષે 24  મિલિયન ફ્રાન્ક હતી. બોન્ડ અને જામીનગીરીઓના સ્વરૂપે અન્ય રકમ 302 મિલિયન ફ્રાન્ક હતી જે ગયા વર્ષે 1896 મિલિયન ફ્રાન્ક હતી. 

2006માં વિક્રમસર્જક 6.5 અબજ સ્વિસ ફ્રાન્ક  એટલે કે  અંદાજે 9000 કરોડ રૂપિયાની રકમ ભારતીયોના નામે બોલતી હતી એ પછી તેમાં થોડા વર્ષોના અપવાદો બાદ કરતાં સતત  ઘટાડો થતો રહ્યો છે. બેન્કના ડેટા અનુસાર માત્ર 2011, 2013, 2017, 2020 અને 2021ના વર્ષોમાં આ રકમમાં વધારો થયો હતો.આ ડેટામાં ભારતમાં કામ કરતી સ્વિસ બેન્કોની બ્રાન્ચોમાં રહેલાં નોન ડિપોઝીટ લાયેબિલિટીઝનો પણ સમાવેશ થાય છે.  2018થી સ્વિટ્ઝરલેન્ડ અને ભારત વચ્ચે કરવેરાની માહિતીની ઓટોમેટિક  આપ લે કરવામાં આવે છે. આ ફ્રેમવર્ક અનુસાર તમામ ભારતીય રહેવાસીઓ જે સ્વિસ નાણાંકીય સંસ્થાઓમાં  ખાતાં ધરાવતાં હોય તેમની નાણાંકીય વિગતો 2019માં ભારતીય કરવેરા અધિકારીઓને અપાઇ હતી. ત્યાર બાદ દર વર્ષે આ માહિતી અપાય છે. આ ઉપરાંત નાણાંકીય ગોલમાલ કરાઇ હોવાની શંકા હોય તેવા ભારતીયોની નાણાંકીય વિગતો પણ પ્રથમદર્શી પુરાવા મળ્યા બાદ આપવામાં આવે છે. હજારો કેસમાં આવી માહિતીની આપ-લે થઇ છે. 

સ્વિસ બેન્કોમાં નાણાં જમા કરાવતાં ટોચના દસ દેશોમાં યુકે મોખરે 

 સ્વિસ બેન્કોમાં નાણાં જમા કરાવનારાં ટોચના ત્રણ દેશોમાં યુકે, યુએસ અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. 

તેઓ અનુક્રમે 254 અબજ ફ્રાન્ક, 71અબજ  ફ્રાન્ક અને 64 અબજ ફ્રાન્કની રકમ સ્વિસ બેન્કોમાં ધરાવે છે. 

ટોચના દસ દેશોમાં આ ત્રણ દેશો ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ, જર્મની, હોંગકોંગ, સિંગાપોર, લક્ઝમબર્ગ અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતનો ક્રમ 67મો છે જે 2022માં 46મો હતો. ભારતની જેમ જ પાકિસ્તાન અને બંગલાદેશના સ્વિસ બેન્કોમાં રહેલાં ભંડોળોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. 


Google NewsGoogle News