અમેરિકન ડ્રીમઃ 70 લાખની સ્કોલરશિપ માટે પિતાના મૃત્યુની વાત ઉપજાવી, ભારતીય યુવકનો દેશનિકાલ
Image Social Media |
For the scholarship, the student showed his father dead: તાજેતરમાં જ અમેરિકન યુનિવર્સિટીમાં છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વળી, આ કાંડ 19 વર્ષીય ભારતીય વિદ્યાર્થી આર્યન આનંદે કર્યો હતો, જેના કારણે તેનું અમેરિકન ડ્રીમ ચકનાચુર થઈ ગયું છે.
શું હતી ઘટના?
ફિલ્મી લાગે એવા બનાવની વિગતો એવી છે કે, ભારતના એક વિદ્યાર્થી નામે આર્યન આનંદે અમેરિકાની પેન્સિલવેનિયામાં આવેલી લેહાઈ યુનિવર્સિટીમાં એડમિશન અને રૂ. 70 લાખની સ્કોલરશિપ મેળવવા તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાનું બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આર્યનની યોજના કેટલી જડબેસલાક હતી એનો ખ્યાલ એ વાતે પણ આવે છે કે એણે એના પરિવારના ખોટી આવકના કાગળિયાં રજૂ કર્યા હતા તથા એના ભારત ખાતેની સ્કૂલના પ્રિન્સિપાલનું નકલી ઈમેઇલ એકાઉન્ટ બનાવીને એના પરથી પોતાની ભલામણના ખોટા પત્રો લેહાઈ યુનિવર્સિટીને મેઇલ કર્યા હતા.
કઈ રીતે ખૂલી આનંદની પોલ?
અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન લેવાની યોજનામાં સફળ થનાર આનંદે રેડિટ પર એક મોઘમ પોસ્ટ મૂકી હતી જેમાં એણે ‘મેં મારી જિંદગી અને કરિયર જૂઠાણા પર બનાવી છે’ એવી કબૂલાત કરી હતી. એને કદાચ એવો અતિઆત્મવિશ્વાસ હતો કે પોતાની ઓળખ છુપાવી હોવાથી એની પોલ ક્યારેય નહીં ફૂટે, પણ કહેવાય છે ને કે શેરને માથે સવાશેર હોય જ છે. એવું જ કંઈક આનંદના કિસ્સામાં પણ બન્યું.
રેડિટના અન્ય એક વપરાશકર્તાએ આનંદની પોસ્ટ વાંચી અને એને શંકા જાગી. આનંદે પોતાની અસલી ઓળખ છુપાવીને એ પોસ્ટ કરેલી હોવા છતાં પેલા યુઝરે ખાંખાખોળા કરીને આનંદનો પત્તો લગાવી દીધો. એણે આના વિશે યુનિવર્સિટીને જાણાવી દીધું અને યુનિવર્સિટીના પોલીસ વિભાગે તપાસ શરૂ કરી, જેના પગલે આનંદની ધરપકડ કરવામાં આવી.
આનંદની કબૂલાત
આનંદે પોતાનો ગુનો કબૂલ કરતાં કહ્યું હતું કે, મારે કોઈપણ ભોગે વિદેશ જવું હતું અને એ માટે મેં આ કાવતરું કર્યું. ભારતમાં હતો ત્યારે હું મારો રૂમ બંધ કરીને આખી રાત ફિલ્મો જોતો રહેતો અને આખો દિવસ સૂતો રહેતો. અને મારા ભોળા માતા-પિતા એવું માનતા કે, હું આખી રાત અભ્યાસ કરતો હોવાથી દિવસે ઊંઘું છું. કૉલેજ જવાનો સમય આવ્યો ત્યારે મને વિદેશ જવાનું મન થયું. મેં મારા સ્કૂલના રિઝલ્ટમાં બનાવટ કરીને એકાણું ટકા મેળવ્યાનું લખી દીધું અને એને આધારે અમેરિકામાં એડમિશન મેળવી લીધું. મેં મારા પિતા કેન્સરથી મરી ગયા હોવાનું જણાવેલું અને એમ પણ લખેલું કે હું ખૂબ ગરીબ હોવાથી અભ્યાસની ફી ભરી શકું એમ નથી. યુનિવર્સિટીએ દયા કરીને મારી શિષ્યવૃત્તિ મંજૂર કરી દીધી. અમેરિકાની હવાઈ ટિકિટ, ત્યાં રહેવા, જમવા, ભણવા બધું મને મફત મળ્યું. એટલે સુધી કે વર્ષમાં એકવાર ભારત આવવાનો સંપૂર્ણ ખર્ચ પણ યુનિવર્સિટી મને આપી રહી હતી.
શું સજા મળી આનંદને?
આનંદ પર બનાવટ કરવાનો, ખોટી માહિતી આપવાનો અને સેવાઓનો ગેરલાભ લેવાના આરોપ મૂકાયા. લેહાઈ યુનિવર્સિટીમાંથી એનો પ્રવેશ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગુના માટે અમેરિકામાં 10 થી 20 વર્ષની જેલની સજા થતી હોય છે,પણ આનંદના નસીબ પાધરા તે અમેરિકાએ એને દેશનિકાલની સજા કરીને સંતોષ માન્યો. લેહાઈ યુનિવર્સિટીએ આનંદ પાછળ 85000 ડોલરનો ખર્ચ કર્યો છે, રૂપિયામાં આ રકમ 68 લાખ જેટલી થાય છે. આટલી મોટી રકમ આનંદ પાસે વસૂલ કરી શકવાની સત્તા હોવા છતાં યુનિવર્સિટીએ જતું કર્યું છે.
એક ઔર કિસ્સો
થોડા સમય અગાઉ ભારતીય વિદ્યાર્થી દ્વારા વિદેશમાં કરવામાં આવેલી એક અન્ય છેતરપિંડી પણ ચર્ચાને ચકડોળે ચઢી હતી. કેનેડામાં અભ્યાસ કરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીએ સ્થાનિક ફૂડ બેંકમાંથી મફત ખોરાક કેવી રીતે મેળવ્યો તે દર્શાવતો વિડિયો પોસ્ટ કરીને ડાંફાસ મારી હતી, જેને પરિણામે હંગામો મચી ગયો હતો. ભણવા સાથે ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ પણ કરતા મેહુલ પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો એ વીડિયો વાયરલ થયા બાદ મેહુલની ભારે ટીકા થઈ હતી, જેને લીધે એણે નોકરી ગુમાવવી પડી હતી.
લાલબત્તી સમાન આવા કિસ્સા પરથી ભારતીય મા-બાપે પણ શીખ લેવા જેવી છે. એમનું સંતાન શું કરે છે એના પર ચાંપતી નજર રાખવી એમની ફરજ છે.