લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, ચીનની ઈકોનોમીની ખરાબ હાલત અંગે પહેલી વખત જિનપિંગની કબૂલાત
image : Twitter
બિજિંગ,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર
ચીન છેલ્લા કેટલાક સમયથી ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે. આ અંગે મીડિયામાં તો છાશવારે અહેવાલો પ્રકાશિત થતા જ રહ્યા હતા પણ હવે પહેલી વખત ખુદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ બાબતની કબૂલાત કરી છે.
તેમણે કહ્યુ છે કે, ચીનના વ્યવસાયો સંઘર્ષના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને નોકરી મેળવવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે.
જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપેલા ભાષણમાં કહ્યુ હતુ કે, કેટલાક વ્યવસાયો માટે 2023નુ વર્ષ મુશ્કેલ રહ્યુ છે. લોકોને નોકરી શોધવામાં અને પાયાની જરુરિયાતો પૂરી કરવામાં પણ તકલીફ પડી છે. આ તમામ વસ્તુઓ મારા દિમાગમાં છે અને ચીન પોતાના આર્થિક સુધારાની ગતિને વધારે વેગ આપશે.
જિનપિંગે ભાષણ આપ્યુ તે પહેલા દેશના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તે દર્શાવતા હતા કે, ડિસેમ્બરમાં ઉદ્યોગોનુ ઉત્પાદન છેલ્લા 6 મહિનાના સૌથી નીચલા સ્તરે હતુ. બ્યૂરોના કહેવા અનુસાર ચીનમાં નવેમ્બર મહિનામાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ 49. 4 હતો . જે ડિસેમ્બરમાં ઘટીને 49 થયો છે. ઉત્પાદનમાં ઘટાડાનો દોર સતત ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે. જે ચીનની ઈકોનોમી માટે સારા સંકેત નથી.
ચીનને દુનિયાની ફેકટરી ગણવામાં આવે છે પણ 2023નુ વર્ષ ચીનની ઈકોનોમી માટે સારુ નથી રહ્યુ. ચીન અત્યારે પ્રોપર્ટી માર્કેટમાં મંદી, રેકોર્ડ બ્રેક યુવા બેકારી દર તથા સ્થાનિક સરકારો પર વધી રહેલા નાણાકીય ભારણ જેવી વિવિધ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યુ છે. ચીનની સરકાર આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કવાયત કરી રહી છે. હવે તેના પરિણામો પર દુનિયાની નજર રહેશે.