બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે આગળ કુવો, પાછળ ખાઈ જેવી સ્થિતિ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે આગળ કુવો, પાછળ ખાઈ જેવી સ્થિતિ 1 - image


- બાંગ્લાદેશમાં હિન્દુઓ પાસે ઈસ્લામ કે મોત બે જ વિકલ્પ : મૌલાના અલ-ઇસ્કંદર

બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે આગળ કુવો, પાછળ ખાઈ જેવી સ્થિતિ 2 - image

- બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓના હુમલાથી ભાગી આવેલા હિન્દુઓને ભારતે જમીન સરહદે રોક્યા તો નદી-નાળામાંથી ઘૂસવા પ્રયાસ

ઢાકા/નવી દિલ્હી : બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપીને ભારત ભાગી ગયા પછી હિન્દુઓ પર અત્યાચાર શરૂ થઈ ગયા છે. બાંગ્લાદેશના હિન્દુઓ માટે આગળ કુવો પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના દેશમાં હુમલાના ભયથી હિન્દુઓ ભાગીને ભારત સરહદે પહોંચ્યા છે. જમીન સરહદે રોકવામાં આવતા તેઓ નદી-નાળા માર્ગે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમને ત્યાંથી પણ ભગાડવામાં આવી રહ્યા છે. બીજીબાજુ કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો હિન્દુઓના નરસંહારની આશા રાખી રહ્યા છે. એક ઇસ્લામી વિદ્વાને તો ત્યાં સુધી કહ્યું છે કે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે હવે બે જ રસ્તા છે, ક્યાં તેઓ ઈસ્લામની શરણાગતિ સ્વીકારી લે અથવા તલવાનો સામનો કરે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોથી કેટલાક કટ્ટરવાદી મુસ્લિમો ખુશ થઈ રહ્યા છે. અમેરિકામાં રહેતા અને પોતાને ઈસ્લામિક વિદ્વાન ગણાવતા અબૂ નઝ્મ ફર્નાન્ડો બિન અલ-ઈસ્કંદરે બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો સંપૂર્ણપણે સફાયો કરી દેવાની હાકલ કરી છે. તેમણે ટ્વીટમાં ઈસ્લામી ન્યાયશાસ્ત્રને ટાંકીને કહ્યું કે હિન્દુઓ પાસે માત્ર બે જ વિકલ્પ છે, જેમાં પહેલો મોતને ગળે લગાવો અથવા ઈસ્લામને અપનાવી લો.

કટ્ટરવાદી મૌલાનાએ હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓકતા લખ્યું કે, હિન્દુઓએ આભાર માનવો જોઈએ કે હજુ તેમનો સામનો હનફીથી થઈ રહ્યો છે, મલિકી, શૈફી અથવા હનબલીથી નથી થયો. આ બધા જ સુન્ની મુસ્લિમોમાં ઈસ્લામ કાયદાની ચાર પ્રમુખ વિચારધારા છે. 

દરમિયાન બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓના હુમલાથી ભાગીને આવેલા હિન્દુઓ પશ્ચિમ બંગાળની સરહદે કાંટાળા તારથી ૪૦૦ મીટર દૂર ગૈબંડા જિલ્લાના ગેંડુગુરી અને દૈખવા ગામે એકત્ર થઈ રહ્યા છે. આ હિન્દુઓને જમીન સરહદે બીએસએફના જવાનો રોકી રહ્યા છે ત્યારે અન્ય હજારો હિન્દુઓ કૂચબિહાર જિલ્લા નજીક નદી-નાળા વટાવીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, બીએસએફના જવાનોની તૈનાતીના કારણે તેમને ત્યાં પણ રોકવામાં આવી રહ્યા છે.

સરહદ પર એકત્ર થઈ રહેલા હિન્દુઓનો દાવો છે કે તેમના ઘર-મંદિરો સળગાવવામાં આવ્યા છે. તેઓ ભારતમાં શરણ લેવા આવ્યા છે. અમે પાછા જઈ શકીએ તેમ નથી. અમારા જીવ જોખમમાં છે. બીજીબાજુ ભારતીય નાગરિકો બાંગ્લાદેશી હિન્દુઓ ભારતમાં આવે તેમ નથી ઈચ્છતા. તેમનું કહેવું છે કે તેઓ ભારતમાં આવશે તો ભારતીય ગામોમાં ભીડ જમા થઈ જશે અને તેમના માટે ખાવાના ફાંફાં પડી જશે. દરમિયાન કેન્દ્ર સરકારે પડોશી દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર નિરીક્ષણ માટે ઉચ્ચ સ્તરીય  સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં તેમના સમકક્ષ અધિકારીઓ સાથે સંપર્ક કરીને ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિન્દુઓ અને અન્ય લઘુમતી સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરશે તેમ ગૃહ મંત્રી અશોક શાહે એક્સ પર કહ્યું હતું.

બીજીબાજુ પડોશી દેશમાં હિન્દુઓની સ્થિતિ મુદ્દે આરએસએસે પણ ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ શુક્રવારે કહ્યું કે, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના આંદોલનમાં હિન્દુ, બૌદ્ધ અને અન્ય લઘુમતીઓની ટાર્ગેટ હત્યા, લૂંટફાટ, ઘરોને આગ લગાવવી, મહિલાઓ પર અત્યાચાર અને મંદિરો પર હુમલા અસહનીય છે. ભારત સરકાર અને વિશ્વ સમુદાયે લઘુમતીઓની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ.

હિન્દુઓ મુદ્દે વિપક્ષની ચૂપકિદી દુર્ભાગ્યપૂર્ણ : અનુરાગ

બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અત્યંત કફોડી છે. આવા સમયે ભારતમાં વિપક્ષ અને વિશેષરૂપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ભાજપે આડે હાથ લીધા હતા. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર વિપક્ષની ચૂપકિદીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે લોકસભામાં શૂન્યકાળ સમયે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી હંમેશા માનવાધિકારો અને સામાજિક ન્યાયના મુદ્દા પર અવાજ ઉઠાવતા રહે છે. તેઓ મુસ્લિમો પર અત્યાચારના મુદ્દા પર સતત બોલતા રહે છે. પરંતુ તેમણે હજુ સુધી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા મુદ્દે કોઈપણ ટીપ્પણી કરી નથી. બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બની તો પીએમ મોદીએ તેમને અભિનંદન આપ્યા, પરંતુ સાથે જ તેમને લઘુમતીઓની સુરક્ષા નિશ્ચિત કરવા પણ કહ્યું હતું. બીજીબાજુ લોકસભામાં વિપક્ષના નેતાએ વચગાળાની સરકારને શુભેચ્છા તો પાઠવી, પરંતુ હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો નહીં. અંતે તેમની મજબૂરી શું હતી? તમે ગાઝા અંગે તો વારંવાર અવાજ ઉઠાવો છો, પરંતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ અંગે બોલતા નથી.

પોલીસને સૈન્યનું રક્ષણ મળતા પોલીસ સ્ટેશનો ખૂલ્યા

મોટા દેશો સાથે સંબંધોમાં સંતુલન ઈચ્છીએ છીએ : હુસૈન

- શેખ હસીનાના પુત્રના રાજકારણમાં પ્રવેશવાના સંકેત, કહ્યું - શાંતિ સ્થાપિત થતાં માતા પાછા ફરશે

ઢાકા : બાંગ્લાદેશમાં વચગાળાની નવી સરકારે હવે સત્તા સંભાળી લીધી છે અને તેમણે દુનિયાના મોટા દેશો સાથે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બીજીબાજુ શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપતા કહ્યું કે, શેખ મુજીબુર રહેમાનના પરિવારના સભ્યો તેમના લોકો અને અવામી લીગના લોકોને પણ છોડશે નહીં. બાંગ્લાદેશમાં ૮૪ વર્ષીય નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારે શપથગ્રહણ કરી લીધા છે. નવી વચગાળાની સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકાર દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાને અગ્રતા આપશે. તેમનું પહેલું લક્ષ્ય દેશમાં શાંતિ સ્થાપિત કરવાનું છે. વધુમાં બાંગ્લાદેશ દુનિયાના બધા જ મોટા દેશો સાથે સંતુલન જાળવતા સારા સંબંધો સ્થાપિત કરવા માગે છે. નવી વચગાળાની સરકારમાં આંદોલનકારી વિદ્યાર્થી નેતાઓ, મિલિટ્રી અને સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. શપથગ્રહણના બીજા દિવસે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે, શેખ હસીનેનું ભારતમાં રહેવું યોગ્ય નથી. 

બીજીબાજુ વોશિંગ્ટનમાં રહેતા શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે કહ્યું કે, પાકિસ્તાનમાં હિંસા ફેલાવવા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે. શેખ હસીના નિશ્ચિતરૂપે બાંગ્લાદેશ પાછા ફરશે. જોકે, તેઓ નિવૃત્ત નેતા તરીકે પાછા ફરશે કે સક્રિય નેતા તરીકે તે હજુ નિશ્ચિત નથી. પરંતુ શેખ મુજીબુર રહેમાનના પરિવારના સભ્ય તેમના લોકોને છોડશે નહીં કે મુશ્કેલીમાં મુકાયેલી અવામી લીગના લોકોને પણ નિરાધાર નહીં છોડે. આ સાથે તેમણે બાંગ્લાદેશના રાજકારણમાં પોતાના પ્રવેશના સંકેત આપ્યા હતા.


Google NewsGoogle News