'આ મારા અંતિમ શબ્દ છે', દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના પહેલા મુસાફરે પરિવારને મોકલ્યો હતો સંદેશ
South korea Plane Accident News: દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે સવારે 9:03 વાગ્યે (સ્થાનિક સમય) જેજુ એરના બોઇંગ 737-800 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં 170થી વધુ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન થાઈલેન્ડના બેંગકોકથી પરત આવી રહ્યું હતું. આ દરમિયાન મુઆન એરપોર્ટ પર લેન્ડિંગના થોડા સમય પહેલા આકાશમાં જ વિમાન સાથે પક્ષી ટકરાયું અને આગ લાગી, જે ઘટનામાં વિમાનનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. ત્યારબાદ વિમાનને મુઆન એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરાયો આ દરમિયાન વિમાન સરકી ગયું અને દિવાલ સાથે ટકરાઈને બ્લાસ્ટ થઈ ગયું.
ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં આકાશમાં વિમાનમાં કોઈ વસ્તુ કે પક્ષી અથડાયા પછી બ્લાસ્ટ થતો નજરે પડી રહ્યો છે. બીજી તરફ વિમાન લેન્ડિંગ સમયે લપસીને દિવાલ સાથે અથડાતું પણ જોવા મળી રહ્યું છે.
મુસાફરના અંતિમ શબ્દો
હવે આ દુર્ઘટનાથી જોડાયેલા કેટલાક મુસાફરોની અંતિમ ક્ષણને લઈને માહિતી સામે આવી છે. મુસાફરોના અંતિમ શબ્દ શું હતા, તેમની સાથે વિમાન ક્રેશ થતા પહેલા શું થયું. આ અંગે તેમણે વાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં સવાર એક મુસાફરે પોતાના સંબંધીને મેસેજ કરીને જણાવ્યું કે, 'વિમાનના પાંખિયામાં એક પક્ષી ફસાયું છે.' આ વ્યક્તિએ બીજો મેસેજ કરીને પૂછ્યું કે, 'શું મારે પોતાના અંતિમ શબ્દો કહેવા જોઈએ?'
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, 'મેં વિમાનને ઉતરતું જોયું અને વિચાર્યું કે આ ઉતરવાનું જ છે, ત્યારે મારી નજર સામે વાદળોમાં એક ચમકારો જોવા મળ્યો... પછી હવામાં ધૂમાડાની સાથે એક જોરદાર ધમાકો થયો અને પછી મેં તબક્કાવાર વિસ્ફોટોના અવાજ સાંભળ્યા.' એરપોર્ટથી લગભગ 4.5 કિલોમીટર દૂર રાહદારીએ આ માહિતી આપી છે.
વિમાન અધિકારીએ માફી માગી
રોયટર્સે જણાવ્યું કે, મંત્રાલયના આંકડા અનુસાર, આ લગભગ ત્રણ દાયકામાં દક્ષિણ કોરિયા એરલાઈનથી જોડાયેલ સૌથી ઘાતક હવાઈ દુર્ઘટનામાંથી એક હતી. જે એરલાઈનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તેના સીઈઓ કિમ ઈ-બેએ કંપનીની વેબસાઈટ પર એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે, 'સૌથી પહેલા અમે તે તમામ લોકોની માફી માગતા શીશ ઝુકાવીએ છીએ, જેમણે જેજૂ એર પર ભરોસો કર્યો છે.'
આ પણ વાંચો: એક પક્ષીના કારણે 179 લોકોના થયા દર્દનાક મોત? દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનાનો નવો VIDEO
થોડી સેકન્ડમાં જ બધુ...
અન્ય એક પ્રત્યક્ષદર્શીને દુર્ઘટનાના લગભગ પાંચ મિનિટ પહેલા બે વખત'મેટલ સ્ક્રેપિંગ'નો અવાજ સંભળાયો હતો. પછી તે વ્યક્તિએ લેન્ડિંગમાં નિષ્ફળ થયા બાદ વિમાનને ઉપર ઉડતું જોયું, એક વિસ્ફોટ સાંભળ્યો અને આકાશમાં કાળો ધૂમાડો જોયો. તેણે કહ્યું કે, આ બધુ થોડી સેકન્ડમાં જ જોવા મળ્યું.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં દર્દનાક વિમાન દુર્ઘટના, રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોત
મળતી માહિતી અનુસાર, વિમાનમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત કુલ 181 લોકો સવાર હતા. જેમાંથી 179 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ગંભીર છે. પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓના અનુસાર, ઈજાગ્રસ્તોના બચવાની શક્યતા પણ ખુબ ઓછી છે. તેથી મૃત્યુઆંક હજુ વધી શકે છે. હજુ બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ પડતાં લોકો દક્ષિણ કોરિયાના નાગરિક હતા. વર્ષના અંતે બનેલી આ દુર્ઘટનાને સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે. જો કે, દુર્ઘટનાનું સચોટ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
ફાયર વિભાગનું નિવેદન
ફાયર વિભાગે દુર્ઘટના અંગે નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'વિમાન લગભગ આખું નષ્ટ થઈ ગયું છે અને મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. આ પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે, કારણ કે અમે અવશેષોની ઓળખ લગાવી રહ્યા છીએ અને તેને શોધી રહ્યા છીએ.'