ફલોરિડા : ક્રિસમસ શૉ દરમિયાન એક ડ્રોન તૂટી પડતાં અનેકને ઈજા : એક બાળક ગંભીર
- ઑરલેન્ડોમાં બનેલી ભયંકર દુર્ઘટનામાં ડ્રોનની પાંખ બાળકની છાતીમાં વાગી : થોડા સમય પછી શો બંધ કરાયો
ઑરલેન્ડો : ફલોરિડા ક્રિસમસ શો દરમિયાન ડ્રોન વિમાનો પરસ્પર સાથે અથડાતા એક વિમાન ક્રિસમસની અગાઉથી ઉજવણી કરી રહેલા નાગરિકો ઉપર તુટી પડતાં નાસ-ભાગ થઈ ગઈ હતી. અને એક બાળકને ડ્રોનની પંખાની પાંખ છાતીમાં વાગતા તેને તુર્તજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં તેની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ દુર્ઘટના અંગે ઑરલેન્ડો ફાયર ડિપાર્ટમેન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે તે વિમાન તૂટી પડતાં તે વિસ્તારમાં નાસ-ભાગ થઈ ગઈ હતી. તેમાં એક બાળકને ઇજા પણ થઇ હતી. તેને છાતીમાં જ વાગ્યું હોવાથી હાલત ગંભીર બની છે.
આ ઘટના અંગે તે બાળકની માતા અને દાદીમાએ તેઓનો આક્રોશ ઠાલવતાં આયોજકો ઉપર ઉગ્ર પ્રહારો કર્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે, તેમાં લેઇક એલોન પર યોજાયેલા આ સમગ્ર શોની નક્કર વાસ્તવિકતા જાણી શકાઈ છે.
તેમાં ડ્રોન તૂટી પડતું દેખાય છે અને તળાવને કાંઠે ઊભેલું તે બાળક તેની માતાને પૂછે છે શું થઈ રહ્યું છે ? ત્યાં તેને છાતીમાં ઇજા થાય છે.
આ દુર્ઘટના પછી આયોજકોએ થોડા સમયમાં જ શો બંધ કર્યો હતો.