બાંગ્લાદેશમાં આવેલાં પૂર ત્રિપુરાની ગોમતિ નદીમાંથી છોડાયેલાં પાણીથી આવ્યાં નથી : ભારત
- પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાયે દિવસથી ભારેથી અતિભારે વર્ષા થઇ રહી છે : બંને દેશોની નદીઓમાં ભારે પૂર આવ્યાં છે
નવી દિલ્હી : બાંગ્લાદેશના દક્ષિણ વિસ્તારમાં આવેલાં પ્રચંડ પૂરનું કારણ ત્રિપુરામાંથી બાંગ્લાદેશમાં વહેતી ગોમતી નદીમાંથી ભારતે છોડેલું પાણી છે. તેવા બાંગ્લાદેશના આક્ષેપોને ભારતે નકારી કાઢ્યા હતા. આ સંબંધે ભારતનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પૂર્વ દક્ષિણ વિસ્તારમાં ઊભી થયેલી પૂરની પરિસ્થિતિ ત્રિપુરામાં ગોમતિ નદી ઉપર બાંધવામાં આવેલ દંબુર ડેમમાંથી છોડાયેલાં પાણીથી આવ્યાં નથી. આ આક્ષેપ તદ્દન ખોટો છે.
વિદેશ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે આ વર્ષે સમગ્ર પૂર્વ ભારત ઉત્તર પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયો છે. તેમાં છેલ્લા કેટલાક દિવસોથી તો અનરાધાર વર્ષા થઇ રહી છે. આથી આ વિસ્તારની તમામ નદીઓના કેચ મેન્ટ એરિયા પાણીથી છલકાઈ ગયા છે.
ગોમતિ નદી ઉપર ભારત બાંગ્લાદેશ સરહદથી ૧૨૦ કીમી દૂર ભારતમાં ત્રિપુરામાં આ દંબુર બંધ આવેલો છે. તે માત્ર ૩૦ મીટર જેટલો ઊંચો છે. તેમાંથી જલ વિદ્યુત પણ પ્રાપ્ત કરાય છે અને બાંગ્લાદેશ તેમાંથી ૪૦ મે.વો. પાવર પણ ખેંચે છે.
ગોમતિ નદી ૧૨૦ કીમી જેટલી ભારતમાં વહે છે. તેનું જલસ્તર તપાસવા અમરપુર, સોનપુરા અને સોનમુરા-૨ ઉપર જલ સ્તર નિરીક્ષણ કેન્દ્રો બનાવાયાં છે. જો ભારે વરસાદ પડે તો તે બંધ ઉપરના દરવાજા પાણીનાં દબાણથી સ્વયંમેવ ખુલે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.