અફઘાનિસ્તાનમાં અચાનક પૂર : ભારે તબાહી : 33નાં મોત, 27ને ગંભીર ઈજા
- પૂરને લીધે કાબુલ, પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણ જાબુલ અને કંદહાર પ્રાંતોમાં સૌથી વધુ નુકસાન : અનેક મકાનો ધરાશાહી, અનેક માર્ગો ખેદાન-મેદાન
કાબુલ : આ વર્ષના પ્રારંભથી જ અફઘાનિસ્તાન અનેકવિધ કુદરતી આપત્તિઓથી ઘેરાયેલું જ રહ્યું છે. ફેબુ્રઆરીમાં ભારે હીમવર્ષા થતાં ભૂસ્ખલનને લીધે ૨૫ લોકોનાં મોત થયા હતા, જ્યારે માર્ચમાં સતત ૩ સપ્તાહ આવેલા વરસાદને લીધે આશરે ૬૦ લોકોનાં મૃત્યુ થયા હતા. આ ઘાની હજી માંડ કળ વળી ત્યાં અફઘાનિસ્તાનમાં ફરી ધોધમાર વર્ષા શરૂ થતાં ગઈકાલે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ૩૩ના મોત થયા હતા. જ્યારે ૨૭ને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ માહિતી આપતાં તાલિબાન પ્રવકતા અબ્દુલ્લા જનાત સૈકે કહ્યું હતું કે પાટનગર કાબુલ સહિત અન્ય કેટલાયે પ્રાંતોમાં પૂરને લીધે ૬૦૦થી વધુ મકાન કાંતો નષ્ટ થઈ ગયા છે, અથવા તો તેમને ભારે નુકસાન થયું છે. ૨૦૦થી વધુ દૂધાળા ઢોર પણ પૂરમાં તણાઈ ગયા છે. ૮૦૦ હેક્ટર ભૂમિ ધોવાઈ ગઈ છે, અને ૮૫ કીમીથી વધુ સડકો નાશ પામી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારે પૂરોને લીધે પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણ જાબુલ અને કંદહાર પ્રાંતોમાં સૌથી વધુ નુકસાન થયું છે.
ભારતીય હવામાન વિભાગે પવનોની ગતિની નોંધ લેતાં કહ્યું છે કે, હજી પણ વરસાદના કોપમાંથી બચવાની કોઈ સંભાવના દેખાતી નથી, આગામી દિવસોમાં દેશના ૩૪ પ્રાંતોમાંથી અધિકાંશ પ્રાંતોમાં હજી પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.