ટેક્સાસમાં બે કાર વચ્ચે ભીષણ અકસ્માત, ભારતીય પરિવારના ત્રણ સહિત પાંચના મોત
Image : 'X' |
Terrible Car Accident In Texas, USA : અમેરિકાના ટેક્સાસમાં ભિષણ કાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ ભારતીયોના મોત થયાં છે. આ અકસ્માતની ઘટના બુધવારે (14 ઑગસ્ટ) ટેક્સાસના ભેમ્પાસસ કાઉન્ટી પાસે ઘટી હતી. અકસ્માતમાં અરવિંદ મણિ, તેમના પત્ની પ્રદીપા અરવિંદ અને તેમની 17 વર્ષની દીકરી એન્ડ્રિલ અરવિંદનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે હવે પરિવારમાં માત્ર 14 વર્ષનો દીકરો એડિરિયન બચ્યો છે.
આ પણ વાંચો : ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા! અમેરિકાએ 34 યુદ્ધજહાજ મોકલ્યા, મધ્ય-પૂર્વમાં સેનાનો 30% ભાગ તહેનાત કર્યો
મળતી માહિતી પ્રમાણે, અરવિંદ તેમની દીકરી એન્ડ્રીલે હમણાં જ હાઈસ્કૂલમાં સ્નાતક પૂરું કર્યાં પછી ડલ્લાસ યુનિવર્સિટીમાં કમ્પ્યુટરનો અભ્યાસ કરવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અરવિંદ દીકરીને નોર્થ ટેક્સાસમાં કોલેજ લઈ જઈ રહ્યાં ત્યારે દીકરાને શાળા ચાલુ હોવાથી તેને સાથે ન લેવાનું નક્કી કર્યું હતું.
અકસ્માતમાં પાંચ વ્યક્તિના ઘટના સ્થળે મોત
સાર્વજનિક સુરક્ષા વિભાગના જણાવ્યાં પ્રમાણે, 'યુએસ રુટ 281 પર એક વ્યક્તિ કેડિલેક સીટીએસ કાર લઈને જઈ રહ્યો હતો, આ દરમિયાન અરવિંદની કાર સામેની લાઈનમાં આવી રહી હતી. તેવામાં કેડિલેક કારનું પાછળનું ટાયર ફાટ્યું હતું, જેથી ડ્રાઈવરને કન્ટ્રોલ ન રહેતાં બાજુમાં લાઈનમાં કાર જતાં સામેથી આવતી અરવિંદની કાર સાથે ટક્કર વાગી હતી. આ ભયાનક ટક્કરથી બંને વાહનોમાં સવાર પાંચેય વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.'
આર્થિક સપોર્ટ માટે 7 લાખ યુએસ ડોલર એકત્ર કરાયાં
મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ભારતીય પરિવારના ત્રણ લોકોના મોત થયાં હતા. જેમાં હવે પરિવારમાં માત્ર 14 વર્ષનો દીકરો એડિરિયન બચ્યો છે, ત્યારે તેની આર્થિક સહાયતા કરવા માટે GoFundMeમાં પેજ બનાવીને 7 લાખ યુએસ ડોલર કરતાં વધુ રકમ એકત્ર કરવામાં આવી છે.
26 વર્ષમાં જોવા મળેલી સૌથી ભીષણ દુર્ઘટના
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે, 'ગંભીર અકસ્માતમાં કોઈની પણ બચવાની આશા નથી. 26 વર્ષમાં જોવા મળેલી સૌથી ભીષણ દુર્ઘટનામાંથી એક છે. ભારતીય મૂળના પરિવારની કારને ટક્કર મારનારી કારની સ્પીડ 160 કિમી. પ્રતિ કલાક હોવાની શંકા છે.' બીજી તરફ, શાળાના પ્રિન્સિપલે અકસ્માતને લઈને શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'રાઉઝ હાઈસ્કૂલ પરિવાર 2024ના વર્ગના અમારા પોતાના રેડર્સમાંથી એક છે, એન્ડ્રિલ અરવિંદનું સાંભળીને ઘણું દુઃખ થયું.'