અમેરિકામાં વિઝા મેળવવા નકલી લૂંટનું તરકટ રચવું ભારે પડ્યું, પાંચ ભારતીયો સહિત છની ધરપકડ
America U Visa Fraud : અમેરિકામાં વિઝા મેળવવા માટે નકલી લૂંટનું ષડયંત્ર રચનાર પાંચ ભારતીય સહિત છ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ પોતાને લૂંટના પીડિત હોવાનું દેખાડી અમેરિકાના ઈમિગ્રેશન વિઝા (યૂ-વિઝા) માટે અરજી કરી શકે, તે માટે લૂંટનું તરકટ રચ્યું હતું. આમાંથી કેટલાક આરોપીઓએ હથિયારો સાથે પહોંચી નકલી લૂંટફાટ પણ કરી હતી.
આરોપીઓ હથિયાર લઈને નકલી લૂંટ કરવા ગયા
શિકાગો ફેડરલ કોર્ટમાં આરોપીઓ સામે આક્ષેપ કરાયો છે કે, ભીખાભાઈ પટેલ, નીલેશ પટેલ, રવીનાબેન પટેલ અને રજની કુમાર પટેલે પાર્થ નાયી અને કેવોંગ યંગ સાથે મળીને નકલી લૂંટની ષડયંત્ર રચ્યું હતું. એવો પણ આક્ષેપ કરાયો છે કે, ચાર વ્યક્તિઓએ ષડયંત્ર સામેલ થવા નાયીને હજારો ડૉલરની ચૂકવણી કરી હતી. આમાંથી કેટલાક લોકોએ હથિયારો સાથે જઈ લૂંટ ચલાવી હતી.
આરોપીઓએ ઘટનાનો ભોગ બન્યા હોવાની દેખાડવા
આક્ષેપમાં એવું પણ કહેવાયું છે કે, કથિત પીડિતોએ પોતે લૂંટનો શિકાર બન્યા હોવાનો, તપાસમાં સહયોગ આપ્યો હોવાનો અને પછી પણ સહકાર આપતા રહેશે, તેવું પ્રમાણપત્ર મેળવવા માટે સ્થાનીક કાયદાકીય ઓથોરિટીમાં ફોર્મ સબમિટ કર્યુ હતું. જ્યારે રવીનાબેન પટેલ પર વીઝાની અરજી માટે ખોટું નિવેદન આપવાનો આક્ષેપ કરાયો છે.
યૂ-વિઝા એટલે શું ?
ઉલ્લેખનીય છે કે, આ યૂ-વિઝાની અરજી કરવા માટે આ પ્રમાણપત્ર ખૂબ જરૂરી છે. અમેરિકામાં ગુનાનો ભોગ બનેલાઓને જ યૂ-વિઝા આપવામાં આવે છે. જો કોઈ ગુનામાં પીડિત વ્યક્તિ માનસિક અથવા શારીરિક શોષણનો ભોગ બન્યું છે અને તપાસ અથવા રિપોર્ટમાં કાયદાકીય અથવા સરકારી અધિકારીઓને મદદ કરી હોય, તો તેવી સ્થિતિમાં જ તે પીડિતને યૂ-વિઝા અપાય છે. એક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, છેતરપિંડી કરવા ષડયંત્ર રચવા બદલ વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે. જ્યારે વીઝા અરજીમાં ખોટા નિવેદનો આપવાના આરોપમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.