પહેલીવાર યુક્રેને એક જ પ્રહારમાં 6 રશિયન ક્રૂઝ મિસાઈલ તોડી પાડી, પુતિન ટેન્શનમાં
Ukraine russia war : છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ પહેલીવાર યુક્રેને રશિયા પર ઐતિહાસિક હુમલો કર્યો છે, જેનાથી રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો તણાવ વધી ગયો છે. યુક્રેનિયન પાઇલટે પશ્ચિમી દેશો દ્વારા પૂરા પાડવામાં આવેલ F16 ફાઇટર એરક્રાફ્ટની મદદથી એક સાથે છ રશિયન ક્રૂઝ મિસાઇલોનો નાશ કર્યો છે. જેના કારણે રશિયન સેનામાં ભયનો માહોલ છે. કિવે આ હુમલાને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. યુક્રેનિયન વાયુસેનાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી.
F16 ફાઇટર જેટે છ રશિયન ક્રૂઝ મિસાઇલોને નાશ કર્યો
યુક્રેનિયન વાયુસેનાએ ટ્વીટ કરી લખ્યું હતું કે, 'યુક્રેન દ્વારા સંચાલિત ફાઇટર જેટે એક જ મિશન દરમિયાન છ રશિયન ક્રૂઝ મિસાઇલોનો નાશ કરી દીધો છે. ઇતિહાસમાં પહેલી વખત એક F16 ફાઇટર જેટે એક જ મિશન દરમિયાન છ રશિયન ક્રૂઝ મિસાઇલોને નાશ કર્યો હતો.' વાયુસેનાના પ્રવક્તા યૂરી ઈહનાતે કહ્યું કે, આ સફળ ઓપરેશન 13 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થયું હતું. જ્યારે રશિયાએ લગભગ 200 ડ્રોન અને 94 મિસાઈલો સાથે યુક્રેન પર હવાઈ હુમલો કર્યો હતો.
ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવું
વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે આ હુમલાથી અમેરિકન સૈનિકોને પણ વિશ્વાસ નથી આવી રહ્યો પરંતુ આ સાચું છે. જો કે, આ પોસ્ટમાં છ રશિયન ક્રૂઝ મિસાઇલોને તોડી પાડનાર પાઇલોટની ઓળખ જાહેર કરવામાં આવી નથી. યુરી ઈહનતે કહ્યું હતું કે, 'અમને 100 ટકા વિશ્વાસ છે કે ઈતિહાસમાં પહેલી વખત એન્ટિ-એર કોમ્બેટ મિશનમાં એક અમેરિકન ફાઈટર F16 એ છ ક્રુઝ મિસાઈલોનો નાશ કર્યો છે.'
આ પણ વાંચો : મરિયમ નવાઝે UAE પ્રેસિડેન્ટના હાથ પર હાથ મૂક્યો, જે મુદ્દે પાકિસ્તાનમાં થયો હોબાળો
યુક્રેનિયન પાઇલોટ્સે ખતરનાક યોજનાઓ હાથ ધરવાનું શરૂ કરી દીધું
અહીં તમને જણાવી દઈએ કે, લાંબી રાહ જોયા બાદ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ ઓગસ્ટ 2024માં યુક્રેનને F16 ફાઈટર પ્લેનની પહેલી બેચ સપ્લાઈ કરી હતી. તે સમયે યુક્રેનને આશા હતી કે આ આધુનિક શસ્ત્રોની મદદથી તે રશિયાને જડબાતોડ જવાબ આપી શકશે અને રશિયાના સોવિયેટ યુગના એરક્રાફ્ટ પર વિજય હાંસલ કરી શકશે. પરંતુ પ્રારંભિક તબક્કામાં જ યુક્રેનને મોટો આંચકો લાગ્યો હતો. કારણ કે આ એરક્રાફ્ટના સંચાલન દરમિયાન એક યુક્રેનિયન પાઇલટનું મૃત્યુ થયું હતું. જો કે, અમેરિકન આર્મી પાસેથી ટ્રેનિંગ મેળવ્યા બાદ હવે યુક્રેનિયન પાઇલોટ્સે ખતરનાક યોજનાઓ હાથ ધરવાનું શરૂ કરી દીધું છે.