અમેરિકાના ચૂંટણી ઈતિહાસમાં 2 મહિલાએ ટ્રમ્પ સામે કરી કમાલ, બાઈડેને અભિનંદન પાઠવ્યા
US Election Result 2024 | અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. આ દરમિયાન ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ જાદુઇ આંકડો પાર કરી જીત હાંસલ કરી છે. આમ છતાં, બાઇડેનની પાર્ટીના બે મહિલા નેતાઓએ ટ્રમ્પ સામે મોટી કમાલ કરી બતાવી છે. હકિકતમાં, ડેલવેરના પ્રતિનિધિ લિસા બ્લન્ટ રોચેસ્ટર અને મેરીલેન્ડના પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ એન્જેલા અલ્સોબ્રૂક્સે એક જ સમયે સેનેટમાં સેવા આપનારાં પ્રથમ બે અશ્વેત મહિલાઓ બની ઇતિહાસ રચી દીધો છે.
બંને ડેમોક્રેટ્સ નેતાઓ તેમના રાજ્યોમાંથી સેનેટમાં ચૂંટાયેલી પ્રથમ અશ્વેત મહિલાઓ છે. બ્લન્ટ રોચેસ્ટર, જે ડેલવેરની પ્રથમ અશ્વેત મહિલા હાઉસ સભ્ય છે, તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એરિક હેન્સેનને હરાવ્યું છે. બીજી બાજુ અલ્સોબ્રૂક્સે પૂર્વ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી (GOP) ના ગવર્નર લેરી હોગન સામે જીત હાંસલ કરી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ જો બાઇડેને બંને મહિલાઓ નેતાઓને ફોન કરીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધી ત્રણ અશ્વેત મહિલા સેનેટર રહી ચૂક્યાં છે, પરંતુ કોઈએ એક સાથે સેવા આપી નથી. આ પ્રથમ વખત છે જયારે બે અશ્વેત મહિલાઓ એક સાથે સેનેટર તરીકે સેવા આપવા જઇ રહ્યા છે.