બ્રિટનમાં શીખ સમુદાય માટે પ્રથમ કોર્ટની શરુઆત થઈ, આંતરિક વિવાદ-ઝઘડાનું સમાધાન કરાવશે
UK First Sikh Court : બ્રિટનમાં રહેતા શીખ સમુદાય માટે દેશની પહેલી શીખ કોર્ટનો પ્રારંભ થયો છે. શીખ સમુદાય પોતાના પારિવારિક વિવાદો તથા આંતરિક ઝઘડા માટે આ કોર્ટનો સહારો લઈ શકશે અને કોર્ટ તેનુ સમાધાન લાવવા માટે પ્રયત્ન કરશે.
મીડિયા રિપોર્ટ અનુસાર લંડનની એક હોટલમાં યોજાયેલા સમારોહમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ કોર્ટની સ્થાપના કરનારા પૈકીના એક વકીલ બલદીપ સિંહે કહ્યું હતુ કે, 'કોર્ટ શરુ કરવા પાછળનો ઉદ્દેશ શીખ સમુદાય વચ્ચે થતા ઝઘડા અને વિવાદોનો ઉકેલ લાવીને શીખ પરિવારોની મદદ કરવાનો છે.'
આ કોર્ટ વ્યક્તિગત રીતે સંચાલિત થશે. તેમાં 30 મેજિસ્ટ્રેટ અને 15 જજ ફરજ બજાવશે અને તેમાં પણ મોટાભાગની મહિલાઓ હશે. તેમનુ કામ કોર્ટ સુધી પહોંચેલા બંને પક્ષોના વિવાદનો ઉકેલ લાવીને સમાધાન કરાવવાનુ રહેશે.
કોર્ટની સ્થાપના કરતા પહેલા શીખ સમુદાયની સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પછી નક્કી થયુ છે કે, આ કોર્ટમાં ઘરેલુ હિંસા, જૂગાર તથા ડ્રગ્સને લગતા કેસ પર સુનાવણી કરાશે. આ કોર્ટમાં સુનાવણી કરવા માટે બંને પક્ષો વચ્ચે સંમતિ હોવી જરૂરી છે. સુનાવણી બાદ પણ બંને પક્ષો સમાધાન માટે રાજી નહીં હોય તો તેઓ તેમના વિવાદનો બીજા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરીને ઉકેલ લાવવા માટે સ્વતંત્ર હશે. કોર્ટનું સંચાલન વીડિયો કોન્ફરન્સિંગ તેમજ બંને પક્ષની હાજરીમાં પણ ચાલું રહેશે. આ શીખ કોર્ટનો ઉદ્દેશ બ્રિટનની પરંપરાગત કોર્ટના અધિકાર પર કબ્જો જમાવવાનો કે તેની કામગીરીમાં પરેશાની ઉભી કરવાનો નથી.