ચંદ્રયાન-3ના લેન્ડિંગના 6 મહિના બાદ મળી ખુશખબર, અમેરિકન પ્રાઈવેટ કંપનીએ કરી કમાલ
First Commercial Moon Landing : સ્પેસથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું પહેલીવાર થયું છે જ્યારે એક ખાનગી કંપનીએ ચાંદની સપાટી પર પોતાનું લેન્ડર ઉતાર્યું છે. આ કારનામું કરનારી અમેરિકન કંપનીએ ઈતિહાસ રચી દીધો છે. ઈન્ટૂઇટિવ મશીન્સ નામની હ્યૂસ્ટનની આ કંપની છે. ખાસ વાત એ પણ છે કે ભારતના ઈસરો તરફથી ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લેન્ડિંગના અંદાજિત 6 મહિના બાદ આ ખુશખબર આવી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારનાર દુનિયાનો પહેલો દેશ બન્યો હતો. આના થોડા દિવસ પહેલા રશિયા માનવરહિત લૂના-25 યાન બેકાબૂ થઈને ચંદ્ર પર પટકાયું હતું. તેવામાં ચંદ્રયાન-3 મિશનની સફળતાને દુનિયામાં ખુબ વખાણાઈ હતી.
અમેરિકન કંપનીએ મૂન લેન્ડરને ઓડેસિયસ નામ અપાયું છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ ઉતાર્યું છે. અહીં એ જણાવવું જરૂરિ છે કે લેન્ડરને ઉતારતા સમયે કંટ્રોલર્સનો તેની સાથે સંપર્ક થોડા સમય સુધી તૂટી ગયો હતો. જોકે સારી વાત એ રહી કે તરત જ ફરી સિગ્નલ મળવા લાગ્યા. ફ્લાઈટ ડાયરેક્ટરનું નામ ટિમ ક્રેન છે. તેમણે સફળ લેન્ડિંગની માહિતી આપતા કહ્યું કે, અમે આ પુષ્ટિ કરીએ છીએ કે આપણું ઉપકરણ ચંદ્રની સપાટી પર પહોંચી ચૂક્યું છે. આ આપણને ત્યાંથી સિગ્નલ પણ મોકલી રહ્યું છે. ત્યારે, કંપનીના સીઈઓ સ્ટીવ આલ્ટેમસે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ચંદ્ર પર સ્વાગત્ છે, ઓડેસિયસને નવું ઘર મળ્યું છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 80 ડિગ્રી સાઉથ તરફ લેન્ડિંગ ખાસ
જણાવી દઇએ કે, ઓડેસિયસને ગત અઠવાડિય ફ્લોરિડાની કેપ કેનાવેરાલ લોન્ચ સ્ટેશનથી લોન્ચ કરાયું હતું. તેણે પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચવા માટે 2 લાખ 84 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. ઓડેસિયસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 80 ડિગ્રી સાઉથ તરફ લેન્ડ કર્યું છે. આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકા પોતાના માનવ મિશન હેઠળ અંતરિક્ષ યાત્રીઓને ઉતારવાનું છે. અમેરિકા હાલ આર્ટેમિસ મિશન પર કામ કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય માણસોને ચંદ્ર પર ઉતારવાનો છે. સાથે જ લાંબા સમય સુધી ચંદ્ર પર માણસોના રહેવાની વ્યવસ્થા પણ કરાશે. તેવામાં પ્રાઈવેટ યાનના સફળ લેન્ડિંગને ચંદ્રથી જોડાયેલા ભવિષ્યના મિશનો માટે ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.