કુવૈત અગ્નિકાંડ: 40 ભારતીયો સહિત 43ના મોત, રસોડામાં લાગેલી આગથી સર્જાઈ દુર્ઘટના
Kuwait Fire : કુવૈતના મંગાફ શહેરમાં એક છ માળની બિલ્ડિંગમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતા 43 લોકોના મોત અને 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 40 ભારતીયો સામેલ છે. આ બિલ્ડિંગમાં મોટાભાગે કર્મચારીઓ રહેતા હતા. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, પહેલા બિલ્ડિંગના એક રૂમનાં રસોડામાં આગ લાગી હતી, ત્યારબાદ જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. ઘટના અંગે કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ-યુસેફ અલ-સબાહે મંગાફે બિલ્ડિંગના માલિક અને શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજીતરફ ચોંકાવનારી વાત એવી સામે આવી છે કે, આ બિલ્ડિંગમાં 160થી વધુ લોકો ગેરકાયદેસર રહેતા હતા. આ ઉપરાંત બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
એક રૂમના કિચનથી શરૂ થયેલી આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ
મેજર જનરલ રશીદ હમદે કહ્યું કે, ‘ઘટના અંગે અધિકારીઓને આજે સવારે 6.00 કલાકે માહિતી મળી હતી. ત્યારબાદ રાહત અને બચાવનું કામ પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. અમને મળેલી માહિતી મુજબ બિલ્ડિંગના એક ફ્લેટના કિચનથી આગની શરૂઆત થઈ હતી, ત્યારબાદ આખા ઈમારતમાં ફેલાઈ ગઈ. આ ફ્લેટમાં કેરળના રહેવાસી વ્યક્તિનો છે. આ બિલ્ડિંગમાં મોટાભાગના દક્ષિણ ભારતના લોકો જ હતા. ઘટનામાં 40 ભારતીયોના મોત થયા છે, જેમાં કેટલાક મૃતકો કેરળના છે.’
ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકા |
43 લોકોનો હોસ્પિટલમાં ખસેડાયા
કુવૈતના નાયબ વડાપ્રધાન ફહદ યૂસુફ અલ સબા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણોની તપાસ કરવા પોલીસને આદેશ આપી દીધો છે. એક વિરષ્ઠ પોલીસ કમાન્ડરે સ્ટેટ ટીવીને કહ્યું કે, જે બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં શ્રમિકોના ક્વાર્ટર બનાવાયેલા છે. ઘટના સમયે ઘણા શ્રમિકો બિલ્ડિંગમાં હતાં. બચાવ કર્મચારીઓએ ડઝનથી વધુ લોકોને બચાવી લીધા છે, જોકે ભિષણ આગના ધુમાડાના કારણે ઘણા લોકોના ગુંગળાઈને મોત થયા છે. કુવૈતના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આગમાં લગભગ 43 લોકોનો હોસ્પિટલમાં ખસેડાયા છે.
‘લાલચના કારણે જ આવી ઘટનાઓ બને છે’
આગની ઘટના અંગે નાયબ વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને કાર્યવાહક આંતરિક મંત્રી, ફહદ યૂસુફ અલ-સબાએ કહ્યું કે, કમનસીબે મિલકત માલિકોની લાલચને કારણે આવી ઘટનાઓ બને છે. હું નગર પાલિકાઓના નિદેશકોને બોલાવીશ અને તમામ મિલકત માલિકો સાથે વાત કરીશું. જો કોઈ મિલકતમાં ઉલ્લંઘનની બાબત સામે આવશે તો તેને સવારે હટાવી દેવામાં આવશે અથવા માલિક જાતે મિલકત હટાવી લે, નહીં તોહું નગરપાલિકાને તેવી મિલકતો હટાવવા આદેશ આપીશ.
બિલ્ડિંગ કેરળના બિઝનેસમેનની
જે બિલ્ડીંગમાં આગ લાગી તે NBRC ગ્રુપની છે. તેના માલિક કેરળના એક બિઝનેસમેન છે, જેનું નામ કેજીઅબ્રાહમ છે. એનબીટીસી ગ્રુપની વેબસાઈટ અત્યારે ખુલી રહી નથી. તેના લિન્કઈન પેજ પર ઉપલબ્ધ માહિતી મુજબ આ કંપની તેલ, ગેસ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આ ઉપરાંત ગ્રૂપ પાસે એક સુપરમાર્કેટ છે. આ બિલ્ડિંગમાં સુપરમાર્કેટમાં કામ કરતા લોકો હાજર હતા. કંપનીની સ્થાપના 1977માં થઈ હતી. લિંક્ડિન મુજબ આ કોન્ટ્રાક્ટ કરતી કંપની છે. આ કંપની એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ટેક્નિકલ સર્વિસ, હેવી ઇક્વિપમેન્ટ લીઝિંગ, લોજિસ્ટિક્સ, હોટેલ્સ અને રિટેલિંગના બિઝનેસમાં કામ કરે છે. કંપનીમાં લગભગ 14,000 લોકો છે.
ઘટનનાની જાણ થતાં કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં પહોંચી ગયા છે. આ ઉપરાંત દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 જારી કર્યો છે. બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોના અપડેટ માટે આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરવા વિનંતી કરાઈ છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે, અમે તમામ પ્રકારની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
કંપનીના અને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવા આદેશ
કુવૈત ટાઈમ્સના આહેવાલો મુજબ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ-યુસેફ અલ-સબાહે મંગાફ બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવા પોલીસને આદેશ કર્યો છે. આ ઉપરાંત ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિક અને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ અપાયો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું કે, ‘આજે જે કંઈ પણ થયું તે કંપની અને બિલ્ડિંગના માલિકોની લાલચનું પરિણામ છે.’ તેમણે આવી ઘટના ફરી ન બને તે માટે તમામ સુરક્ષા નિયમો પુરા કરવા આદેશ આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત આગને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કુવૈત શહેરમાં આગની ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.’
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘કુવૈત શહેરમાં આગ લાગાવની માહિતી મળતા ઘણું દુઃખ થયું છે. આ ઘટનામાં 40થી વધુના મોત થયા છે અને 50થી વધુને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની અમને માહિતી મળી છે. અમારા કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ સંવેદના. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે લોકો ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અમારું દૂતાવાસા તમામ પ્રકારની મદદ કરશે.’
.