કુવૈત અગ્નિકાંડમાં 49 ભારતીયો હોમાયા, મૃતકોમાં કેરળ, મલયાલી અને ઉત્તર ભારતના લોકો સામેલ
કંપની અને તેના માલિકોની લાલચના કારણે કરુણાંતિકા સર્જાઈ
Kuwait Fire News | કુવૈતનાં મંગાફ શહેરમાં એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ 50 મોત થયાં છે જે પૈકી 49 ભારતીયો હતા. તેમજ તે આગને લીધે 50થી વધુને ઝાળ લાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મોટાભાગના મૃત્યુ ધુમાડો શ્વાસમાં જવાના લીધે થયા છે, કારણ કે આગ લાગી ત્યારે રહેવાસીઓ સૂઈ રહ્યા હતા. જો કે ખાસ્સા લોકોને બચાવી લેવાયા હતા. છ માળના બિલ્ડિંગમાં 200થી વધુ ભારતીયો રહેતા હતા. તેમા મુખ્યત્વે મલયાલી, કેરાલિયન અને ઉત્તર ભારતીયો હતા. આ આગ સવારે છ વાગે લાગી હતી.
કુવૈતના સધર્ન અહમદી ગવર્નરેટના મંગફ વિસ્તારના છ માળના બિલ્ડિંગમાં આવેલા રસોડામાં આગ લાગી હતી. બિલ્ડિંગમાં રહેતા ભારતીયો એક જ કંપનીમાં કામ કરતા હતા.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરૂણાંતિકાનો આંકડો 49 પર પહોંચ્યો છે. મંત્રાલયે જણાવ્યુ હતું કે હાલમાં તો પોલીસ કર્મચારીઓ સાઇટ પર મૃતકોને ઓળખવાનું કામ કરી રહ્યા છે. તેમણે આગનું કારણ શોધ્યું છે અને હવે તે નિયમોનો ભંગ કરનારા માલિકો સામે આકરા પગલાં લેશે.
ગૃહમંત્રાલયના હેડ મેજર જનરલ ઇદ-અલ-ઓવૈહને જણાવ્યું હતું કે કમનસીબે અમને આ ઘટનાની જાણકારી સવારે નવ વાગે મળી હતી. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ભારતના કેરળ, તમિલનાડુ અને ઉત્તર ભારતીય રાજ્યોના છે. તેમની વય 20થી 50 વર્ષની વચ્ચેની છે. આ બિલ્ડિંગની એનબીટીસી ગુ્રપ દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું. આ માહિતી આપતાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાંં જણાવ્યુ કે ભારતીય શ્રમિકો સાથે સંકળાયેલી આ ઘટના અંગે દૂતાવાસે હેલ્પ લાઈન નંબર શરૂ કરી દીધો છે. દરેકને આ આગના છેલ્લા સમાચાર જાણવા માટે તે સક્રિય રખાયો છે.
કુવૈત ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે કુવૈતના આંતરિક મંત્રી શેખ ફહાદ અલ સબાહે મંગાફ સ્થિત તે બિલ્ડીંગના માલિકની ધરપકડ કરવાનો હુક્મ કર્યો છે. તે સાથે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બિલ્ડીંગના ચોકીદાર ્ને તે ઘટના બની તે સમયે હાજર રહેલાને અટકાયતમાં રાખવા હુક્મ કર્યો છે.
મંત્રીએ તે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, અને કહ્યું હતું કે 'ત્યાં જે કૈં બન્યું, તે કંપની અને બિલ્ડીંગ માલિકોની લાલચનું પરિણામ હતું.' આ સાથે આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને, તે માટે તમામ પ્રકારની સલામતી ગોઠવવા હુક્મ કર્યો હતો.
આ આગની ઘટના અંગે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આગથી ઘટના વિષે જાણી ઘણું જ દુ:ખ થયું છે. ખબર મળ્યા છે કે તેમાં 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, અને 50થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આપણા રાજદૂત તે શિબિરમાં ગયા પણ હતા. હવે અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. નિધન પામેલાઓનાં પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, સાથે ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સાજા થઇ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના. આપણું દૂતાવાસ તમામ સંબંધિત લોકોને પૂરી સહાય આપશે.
કુવૈતની કુલ વસ્તીમાં 21 ટકા ભારતીયો એટલે કે કુલ દસ લાખ ભારતીયો રહે છે. અને તેમાથી 30 ટકા એટલે કે નવ લાખનો વર્કફોર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર દિલસોજી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનામાં મૃત્યુ પામેલાઓના કુટુંબીઓની વેદનામાં હું તેમની સાથે છું અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું. કુવૈત સ્થિત ભારતીય રાજદૂતાવાસ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પીએમ મોદીની સૂચનાના પગલે નાયબ વિદેશ રાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંહ ભારતીયોને મદદ કરવા તાત્કાલિક મોકલાયા છે.
ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ ઘટનાસ્થળની અને પછી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઇજાગ્રસ્તોને દાખલ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે કુવૈતની મ્યુનિસાપાલિટી અને જાહેર સત્તાવાળાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે આટલી મોટી સંખ્યામાં કામદારોને એક જ બિલ્ડિંગમાં કઈ રીતે રાખવામાં આવ્યા તેની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં પબ્લિક સેફ્ટીના સાધનોનું પણ ઓડિટ કરવામાં આવશે.
અગ્નિકાંડના પગલે શેખ અકળાયા
કુવૈતમાં મ્યુનિ. અને એન્જિ. વિભાગના ઢગલાબંધ અધિકારીઓ સસ્પેન્ડ
દુબઈ-કુવૈત : કુવૈતના બિલ્ડિંગમાં લાગેલી આગના તણખા ત્યાંના સરકારી વિભાગોમાં ઉડયા છે. કુવૈતના ચીફ એન્જિનિયર સાઉદ અલ ડબ્બૂસે મ્યુનિસિપાલિટીના અને એન્જિનિયરિંગ વિભાગના કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આ ઉપરાંત આટલું ઓછું હોય તેમ કુવૈતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને નાયબ મુખ્યપ્રધાન શેખ ફહાદ અલ સુસુફ અલ સાબાહે વચન આપ્યું છે કે અગ્નિકાંડ માટે જવાબદાર કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. દોષિતો સામે આકરાં પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે કુવૈતમાં આ રીતે કેટલા બિલ્ડિંગોમાં કામદારોને નિયમોનો ભંગ કરીને રાખવામાં આવી રહ્યા છે તેની તપાસનો પણ આદેશ આપ્યો હતો.
તેની સાથે કુવૈતમાં કામ કરતાં મજૂરોને જ્યાં પણ રાખવામાં આવે છે તે તમામ સ્થળોએ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે કે નહી તેની તપાસના પણ આદેશ આપ્યા છે. જો ન થતું હોય તો તે કંપનીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેના પણ આદેશ આપી દીધા છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સેક્રેટરી જાસેમ અલ બુદાઇવીએ પણ આ ઘટના અંગે ખેદની લાગણી વ્યક્ત કરી હતી.