ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ
નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબ્જે કર્યા બાદ ફરાર થઈ ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનની જગ્યાએ હવે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.
સાલેહ એ જ નેતા છે જેઓ પાકિસ્તાન પર અવાર નવાર પ્રહારો કરતા આવ્યા છે અને ભારતના નિકટના દોસ્ત મનાય છે. હવે તેઓ અફઘાનિસ્તાન માટે આશાનુ છેલ્લુ કિરણ છે. તાલિબાને તેમને મારવા માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે.
તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા દેશની જાસૂસી સંસ્થાના ચીફ હતા. અમરૂલ્લા સાલેહને પકડવા માટે તાલિબાને તેમના બહેનનુ અપહરણ કર્યુ હતુ અને તેની હત્યા કરી નાંખી હતી.
1990ના દાયકામાં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રયાસ કર્યા હતા ત્યારે સાલેહે પાકિસ્તાનમાં હથિયારો ચલાવવાનુ શિક્ષણ મળવ્યુ હતુ અને કમાન્ડર અહમદ શાહ મસૂદના નેતૃત્વમાં રશિયા સામે જંગ લડી હતી.
તાલિબાને એ પછી અફઘાનિસ્તાનમાં પગપેસારો શરૂ કર્યો ત્યારે સાલેહ ફરી એક વખત તાલિબાનો સામે પણ યુધ્ધના મેદાનમાં ઉતર્યા હતા. તે વખતે સાલેહે ભારત સાથે દોસ્તી વધારી હતી.તેમણે જ અહેમદ શાહ મસૂદની ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી.
2001માં અમેરિકા પર અલ કાયદાએ કરેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે શરૂ કરેલા અભિયાનમાં સાલેહે અમેરિકાને મદદ કરી હતી.2006માં તેઓ અફઘાન જાસૂસી સંસ્થાના ચીફ હતા અને તે સમયે તેમણે જાણકારી મેળવી હતી કે, પાકિસ્તાન દ્વારા આતંકીઓને અફઘાનિસ્તાનમાં મદદ કરવામાં આવી રહી છે .તે સમયે તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઓછી થશે ત્યારે તાલિબાન ફરી હુમલા કરશે.
સાલેહની આગાહી સાચી ઠરી છે.જોકે તે સમયે તત્કાલિન રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ સાલેહ પર ભડકયા હતા અને તેમને આ રિપોર્ટને ફગાવી દીધા હતા. એવુ મનાય છે કે, અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ સાલેહને ટ્રેનિંગ અપાઈ છે. તેમની પાસે પોતાના જાસૂસોનુ બહુ મોટુ નેટવર્ક છે. ભારતની જાસૂસી સંસ્થા રો સાથે પણ સાલેહના બહુ સારા સબંધો છે અને તેના કારણે જ પાકિસ્તાનીઓ સાલેહથી નફરત કરે છે. જેહાદીઓ સામે સાલેહનુ આકરૂ વલણ પણ આ નફરત માટે જવાબદાર છે.
2004માં સાલેહના નેતૃત્વમાં અફઘાન જાસૂસી સંસ્થા એનડીએસને ગંધ આવી ગઈ હતી કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો છે.
તાલિબાનીઓથી બચવા માટે સાલેહ પંજશીર પ્રાંતમાં જતા રહ્યા છે. જે હજી પણ તાલિબાનીઓના કબ્જામાં આવ્યો નથી. હવે તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે અફઘાન નાગરિકોને તાલિબાન સામે ઉભા થવાની અપીલ કરી છે. સાથે સાથે તેમણે એવુ પણ કહ્યુ છે કે, અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આપણે સાબિત કરવુ પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી.