Get The App

ચીનના સૈનિકોએ ચાકુ-હથોડાથી હુમલો કરતાં ફિલિપાઈન્સના નૌસૈનિકો ઘાયલ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
ચીનના સૈનિકોએ ચાકુ-હથોડાથી હુમલો કરતાં ફિલિપાઈન્સના નૌસૈનિકો ઘાયલ 1 - image


- ચીનની ગલવાન જેવી હરકતની દુનિયાભરમાંથી ટીકા

- દક્ષિણ ચીની સમુદ્રમાં આઠ બોટમાં ભરાઈને આવેલા ચીનના કોસ્ટગાર્ડના સૈનિકોએ ફિલિપાઈન્સની બોટને ટક્કર મારીને હુમલો કરતાં તંગદિલી

નવી દિલ્હી : દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની અવળચંડાઈ સતત વધતી જાય છે. પાડોશી દેશોના કોસ્ટગાર્ડ અને નૌકાદળ પર દાદાગીરી કરતા ચીનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગલવાનની યાદ તાજી કરાવતી આ ઘટનામાં ચીનના કોસ્ટગાર્ડના સૈનિકો ચાકુ-હથોડા જેવા હથિયારો લઈને ફિલિપાઈન્સના નૌસૈનિકો પર તૂટી પડયા હતા. એમાં એક સૈનિકનો અંગુઠો કપાઈ ગયો છે. એ સિવાયના ઘણાં ઘાયલ થયા છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. ફિલિપાઈન્સે ચીનની સરખામણી સમુદ્રી ડાકુ સાથે કરી હતી.

દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન એકાધિકાર સ્થાપવા મથામણ કરે છે. બીજા કોઈ પણ દેશનો દક્ષિણ ચીની સમુદ્ર પર દાવો ચીન સ્વીકારતું નથી. ફિલિપાઈન્સની જળ સરહદ પણ દક્ષિણ ચીની સમુદ્રમાં હોવાથી આ બંને દેશો વચ્ચે કાયમ ઘર્ષણ થતું રહે છે. એકબીજાના જહાજના રસ્તા પર આડા ઉતરવાથી લઈને પાણીથી અવરોધ ખડો કરવાની ઘટનાઓ અગાઉ નોંધાઈ ચૂકી છે. એક નવી ઘટનાનો ઉમેરો થયો છે.

ફિલિપાઈન્સના નૌસૈનિકોની એક ટીમ સેકન્ડ થોમસ સોલમાં તૈનાત અન્ય નૌસૈનિકોને જરૂરિયાતની સામગ્રી આપવા જતા હતા. સામગ્રી ભરેલી બોટને આંતરીને ચીને તંગદિલી સર્જી હોવાનું ફિલિપાઈન્સના અધિકારીઓએ કહ્યું હતું. ચીનના કોસ્ટગાર્ડના સૈનિકો આઠ બોટમાં ભરાઈને ફિલિપાઈન્સની બોટ તરફ આવ્યા હતા. જહાજને ચારેબાજુથી ઘેરીને ચીનના સૈનિકોએ ચાકુ અને હથોડાથી બોટ પર હુમલા કર્યા હતા. એટલું જ નહીં, ફિલિપાઈન્સના નૌસૈનિકો પર પણ હુમલા કર્યા હતા. એમાં એક સૈનિકનો અંગુઠો કપાઈ ગયો હતો. એ સિવાયના ઘણાં સૈનિકોને ઈજા પહોંચી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. લોકો ચીનની ટીકા કરી રહ્યા છે. લોકોએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ દક્ષિણ ચીની સમુદ્રમાંથી શરૂ થાય તો નવાઈ પામવા જેવું નહીં. અત્યારે આ ઘટના બાદ બંને દેશો વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં ભારે તંગદિલીનો માહોલ છે.

ફિલિપાઈન્સે આ ઘટનાની ઝાટકણી કાઢીને ચીનની સરખામણી સમુદ્રી ડાકુ સાથે કરી હતી, તો ચીને બચાવ કર્યો હતો કે ફિલિપાઈન્સના નૌસૈનિકો પોતાની જળસીમનો ભંગ કરતા હતા એટલે અટકાવ્યા. સેકન્ડ થોસમ સોલ પર ચીન દાવો કરતું આવે છે. નવા મેપમાં પણ ચીને આ સ્થળ પોતાના હિસ્સામાં ગણાવ્યું હતું. આ વિસ્તારના ટાપુની નજીક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ફિલિપાઈન્સ ત્યાં લશ્કર તૈનાત રાખે છે. તો ચીન એ રૂટને પોતાનો ગણાવે છે. વિએટનામ અને તાઈવાન પણ સ્પ્રેટલી ટાપુ સમુહ નજીક આવેલા થોમસ સોલને પોતાની જળસીમામાં ગણાવે છે. એ કારણે લોકો કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ આ વિસ્તારના કારણે થશે.


Google NewsGoogle News