Cameroonએ મલેરિયા વિરૂદ્ધ વિશ્વનો પ્રથમ રેગ્યુલર રસીકરણ પ્રોગ્રામ શરૂ કર્યો; જાણો શું છે ખાસ...
Image: @gavi Twitter (X)
નવી દિલ્હી,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
મેલેરિયા એ એક એવો જીવલેણ મચ્છરજન્ય રોગ છે જે દર વર્ષે લાખો લોકોનો ભોગ લે છે, ખાસ કરીને આફ્રિકામાં. આ રોગ સામે લડવા માટે હવે કેમરૂને વિશ્વનો પ્રથમ નિયમિત રસી કાર્યક્રમ શરૂ કર્યો છે, જેને મેલેરિયા સામે લડવામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
કેમેરૂન નિયમિત રસી કાર્યક્રમ દ્વારા આ રસીનું સંચાલન કરનાર પ્રથમ દેશ બનશે.શરૂઆતમાં, આ રસી કેમરૂનના 42 જિલ્લાઓમાં બાળકોને આપવામાં આવશે જે મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત છે. એવું માનવામાં આવે છે કે આ રસી સમગ્ર આફ્રિકામાં હજારો બાળકોના જીવન બચાવશે. WHOનો અંદાજ છે કે, આ રસી દર વર્ષે 4 લાખથી વધુ બાળકોના જીવન બચાવી શકે છે.
આ રસીકરણ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા માન્ય RTS,S વેક્સિનથી કરવામાં આવશે. જેને બ્રિટિશ દવા નિર્માતા GSK દ્વારા વિકસાવવામાં આવી છે. કેમરૂન પહેલાં કેન્યા, ઘાના અને માલાવીમાં તેના સફળ પાયલટ અભિયાનો ચલાવવામાં આવ્યા હતા.
મેલેરિયા સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ
કેમેરૂનના આરોગ્ય મંત્રી ડો. માલચી માનાઉદા (MANAOUDA Malachie) રસી કાર્યક્રમની શરૂઆતને 'મેલેરિયા સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ રસી આપણને આ જીવલેણ રોગ સામે લડવા માટે એક શક્તિશાળી હથિયાર છે. જે દરેક બાળકને સ્વસ્થ જીવન જીવવાની તક મળશે તે સુનિશ્ચિત કરે છે.
જો કે, એ નોંધવું અગત્યનું છે કે RTS,S રસી મેલેરિયા માટે 100% અસરકારક નથી. તે મેલેરિયાના ગંભીર કેસોને રોકવામાં અને બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ છે, પરંતુ તે ચેપને સંપૂર્ણપણે રોકી શકતું નથી.
શું પગલાં લેવા જોઈએ?
- મચ્છરદાનીનો ઉપયોગ કરવો
- ઘરોની આસપાસ પાણી ભરેલુ ન હોય તેનું ધ્યાન રાખવુ
- અન્ય મચ્છર નિયંત્રણ પગલાં સાથે, રસીનો અમલ કરવો જોઈએ
કેમેરૂન દ્વારા શરૂ કરાયેલ આ રસીકરણ કાર્યક્રમ મલેરિયા સામેની લડાઈમાં મોટી જીત છે. એવી આશા છે કે અન્ય આફ્રિકન દેશો પણ આ પ્રોગ્રામને અપનાવશે અને સમગ્ર ખંડમાં મેલેરિયાના ભારણને ઘટાડવામાં મદદ કરશે.