Get The App

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ :140થી વધુનાં મોત

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગ :140થી વધુનાં મોત 1 - image


- 97 પીડિતો ઘટનાસ્થળે જ ખાખ અને બાકીના હોસ્પિટલમાં મર્યા

- અકસ્માતગ્રસ્ત ટેન્કરમાં લોકો પેટ્રોલ લેવા ઉમટયા અને તે સમયે આગ લાગતા ભાગવાનો સમય ન મળ્યો

અબુજા(નાઈજીરિયા) : નાઇજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં લાગેલી આગમાં ૧૪૦થી વધુના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઇજા પામ્યા છે. પડેલા પેટ્રોલ ટેન્કરમાંથી લોકો ઇંધણ એકઠું કરી રહ્યા હતા ત્યારે આગ લાગતા તેઓને ભાગવાનો પણ સમય મળ્યો ન હતો. ૯૭ જણા તો ઊભાને ઉભા રાખ થઈ ગયા હતા અને બાકીનાએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જિગાવા રાજ્યના માજિયા ટાઉન ખાતે આ બનાવ બન્યો હતો. 

નાઇજીરિયામાં પ્રાણઘાતક ટેન્કર અકસ્માતો જાણે સામાન્ય ઘટના બની ગઈ છે. નાઈજીરિયા આફ્રિકાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. તેના લીધે કેટલાય સ્થળોએ ટ્રાફિક નિયમોને અસરકારકતાપૂર્વક અમલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત માલસામગ્રીનું પરિવહન કરવે રેલ્વેની અસરકારક કાર્ગો સિસ્ટમ પણ નથી. 

તેથી જ્યારે પણ પેટ્રોલ ટેન્કર પલ્ટી ખાઈ જાય તેવી ઘટના બને ત્યારે પલટેલા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ભરી લેવા માટે લોકો રીતસરની દોટ લગાવે છે. આ પ્રકારની બાબત નાઈજીરિયામાં સામાન્ય મનાય છે. નાઈજીરિયામાં મોંઘી ગેસ સબસિડીઓનો અંત લાવવાના લીધે એક જ વર્ષમાં ઇંધણના ભાવ ત્રણ ગણા થઈ ગયા છે.આ અકસ્માતમાં ભોગ બનેલો ડ્રાઇવર પડોશી રાજ્ય કેનો સ્ટેટમાંથી ૧૧૦ કિ.મી. દૂરથી વાહન ચલાવીને આવ્યો હતો.  આ અકસ્માતનું સાંભળતા જ લોકોએ પેટ્રોલ ભરી લેવા માટે ભેગા થયા હતા અને પેટ્રોલ ભરવા લાગ્યા હતા. બસ આ દરમિયાન જ જબરદસ્ત આગ લાગી ગઈ હતી, એમ પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. ઘટનાસ્થળના વિડીયો પણ દર્શાવે છે જબરદસ્ત આગ ચોમેર ફેલાઈ રહી છે. આના પગલે માજિયા ટાઉનના લોકોએ બુધવારે શોક મનાવ્યો હતો. મોટાભાગના મૃતદેહો એટલા ક્ષતવિક્ષત થઈ ગયા હતા કે ઓળખાય તેવા જ રહ્યા ન હતા.


Google NewsGoogle News