કુવૈતનાં મજૂર કેમ્પમાં ભીષણ આગ : 40 ભારતીયોના જાન ગયા : 30ને દાહ
- એ.સી.માં થયેલા ધડાકાને લીધે આગ લાગી હતી
- મંગાફ શહેરમાં બુધવારે સવારે એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 41નાં જાન ગયા તે મકાન મજૂરો માટે હતું
નવી દિલ્હી : કુવૈતનાં મંગાફ શહેરમાં એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ ૪૧નાં મોત થયાં છે જે પૈકી ૪૦ ભારતીયો હતા. તેમજ તે આગને લીધે ૩૦થી વધુને વધુ ભારે દાહ થયા છે. આ માહિતી આપતાં ભારતીય દૂતાવાસે એક્સ પોસ્ટમાં જણાવ્યુ કે ભારતીય શ્રમીકો સાથે સંકળાયેલી આ ઘટના અંગે દૂતાવાસે હેલ્પ લાઈન નંબર + ૯૬૫ ૬૫૫૦૫૨૪૬ શરૂ કરી દીધો છે. દરેકને આ આગના છેલ્લા સમાચાર જાણવા માટે તે સક્રિય રખાયો છે.
કુવૈતના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે આશરે ૬ વાગે, કુવૈતના દક્ષિણના અહમદી પ્રાંતના મંગાફ શહેરની છ માળની એક ઇમારતમાં રસોઈ કરતાં આગ લાગી હતી. તે મકાનમાં કુલ ૧૬૦ લોકો રહેતા હતા. જેઓ એક જ કંપનીના કર્મચારીઓ હતા.
આ આગની ઘટના અંગે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ઠ પર જણાવ્યું હતું કે આગથી ઘટના વિષે જાણી ઘણું જ દુ:ખ થયું છે. ખબર મળ્યા છે કે તેમાં ૪૦ થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, અને ૫૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આપણા રાજદૂત તે શિબિરમાં ગયા પણ હતા. હવે અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. નિધન પામેલાઓનાં પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, સાથે ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સાજા થઇ જાય તેવી ઇશ્વરને પ્રાર્થના. આપણું દૂતાવાસ તમામ સંબંધિત લોકોને પૂરી સહાય આપશે.
કુવૈત ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે કુવૈતના આંતરિક મંત્રી શેખ ફહાદ અલ સબાહે મંગાફ સ્થિત તે બિલ્ડીંગના માલિકની ધરપકડ કરવાનો હુક્મ કર્યો છે. તે સાથે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બિલ્ડીંગના ચોકીદાર ્ને તે ઘટના બની તે સમયે હાજર રહેલાને અટકાયતમાં રાખવા હુક્મ કર્યો છે.
મંત્રીએ તે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, અને કહ્યું હતું કે 'ત્યાં જે કૈં બન્યું, તે કંપની અને બિલ્ડીંગ માલિકોની લાલચનું પરિણામ હતું.'
આ સાથે આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને, તે માટે તમામ પ્રકારની સલામતી ગોઠવવા હુક્મ કર્યો હતો. વાસ્તવમાં એ.સી.માં થયેલા બ્લાસ્ટને લીધે આ આગ લાગી હતી. તેથી બિલ્ડીંગના ફ્લેટ ભઠ્ઠીની જેમ ધગધગી રહ્યા હતા.