Get The App

Explainer: અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા ‘બ્રેઇન ડ્રેઇન’ની ભીતિ, ધુરંધર વિજ્ઞાનીઓની પણ અમેરિકા છોડવાની તૈયારી

Updated: Mar 25th, 2025

GS TEAM


Google News
Google News
Explainer: અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા ‘બ્રેઇન ડ્રેઇન’ની ભીતિ, ધુરંધર વિજ્ઞાનીઓની પણ અમેરિકા છોડવાની તૈયારી 1 - image


America : અમેરિકા એટલે આવિષ્કાર, અમેરિકા એટલે તકોની ભૂમિ, અમેરિકા એટલે ઝળહળતું ભવિષ્ય… એવી જે સંકલ્પના દાયકાઓ થયે દૃઢ થયેલી હતી, એ હવે ધીમેધીમે ઘસાવા લાગી છે. વર્ષોથી અમેરિકા સંશોધકો માટે સ્વર્ગ ગણાતું આવ્યું છે. માણસ કોઈપણ દેશ, જાતિ કે પૃષ્ઠભૂમિનો હોય, એ જો ટેલેન્ટેડ હોય તો અમેરિકામાં એની કદર થાય જ, એવું વાતાવરણ ત્યાં છે. જોકે, તાજેતરમાં સત્તારૂઢ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક કરીને જે સપાટા બોલાવ્યા છે, એ જોતાં અમેરિકાવાસીઓની સલામતી જોખમમાં આવી પડી છે. કોની સાથે ક્યારે શું થાય, એ કંઈ કહી ન શકાય, એવી સ્થિતિ ઊભી થઈ છે. 

આ પણ વાંચો : ભારતને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપશે અમેરિકા? વેપાર સમજૂતી માટે દિલ્હી આવી રહ્યા છે અધિકારીઓ

વિજ્ઞાનીઓ-સંશોધકોનું ભવિષ્ય જોખમમાં

અમેરિકાનો વહીવટી ખર્ચ ઘટાડવા માટે ટ્રમ્પે અનેક સરકારી ખાતાંને તાળાબંધી કરી દીધી, એ જ રીતે હવે તેઓ અમેરિકાની સેંકડો સંશોધક સંસ્થાઓનું ફંડિંગ રોકી રહ્યા છે. એમણે પહેલો ચાબખો વિદેશી અભ્યાસુઓ પર વિંઝ્યો છે. અમેરિકાની વિજ્ઞાન સંસ્થાઓમાં વિવિધ વિષયો પર સંશોધન કરી રહેલા લગભગ 7,400 વિદેશી સંશોધકોનું ભંડોળ/સ્કોલરશિપ ટ્રમ્પે અટકાવી દીધું છે. આમ થતાં એ સંશોધકો આર્થિક રીતે ઘેરાઈ ગયા છે, તેમના સંશોધનનું ભાવિ ખતરામાં આવી પડ્યું છે.

સરકાર પર જ અનેક કેસ કર્યા!

સ્વતંત્ર રીતે સંશોધન કરી રહેલા સંશોધકોનું તો છોડો, ટ્રમ્પે તો જાણીતી સંસ્થાઓના ફંડને પણ રોકી દીધું છે. ‘નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ’ (NIH) જેવી પ્રીમિયર રિસર્ચ સંસ્થાઓમાંથી અબજોનું ભંડોળ પાછું ખેંચવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયે ઘણાંં વિજ્ઞાનીઓ માટે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જ્યું છે. તેના કારણે અમેરિકાના 22 રાજ્યોના એટર્ની જનરલોએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કોર્ટ કેસ કર્યા છે. બાયોમેડિસિન, કેન્સર જેવી ગંભીર બીમારીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આબોહવા વિજ્ઞાન જેવા ક્ષેત્રે થઈ રહેલા સંશોધનોને પણ ટ્રમ્પે ટલ્લે ચઢાવી દીધા છે.   

અન્ય દેશોમાં સ્થળાંતરનો વિકલ્પ છે

અમેરિકામાં ફસાઈ ગયેલા સંશોધકો હવે બીજા દેશોમાં સ્થળાંતર કરી જવાના પ્રયાસ કરી રહ્યા છે. અન્ય દેશો પણ આ સંશોધકોની ટેલેન્ટનો લાભ મેળવવા માટે તેમને ‘વેલ કમ’ કરી રહ્યા છે, આવા દેશોમાં યુરોપના દેશો સૌથી આગળ છે. યુરોપના ફ્રાન્સ, જર્મની, સ્વીડન જેવા સમૃદ્ધ દેશો આ દિશામાં વિશેષ રસ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ લાલ જાજમ બિછાવી રહ્યા છે. અરે, અમેરિકાનું કટ્ટર સ્પર્ધક ચીન પણ આ તકનો લાભ લેવા આતુર છે. અમેરિકાના વિઝા મેળવવામાં વધી રહેલી મુસીબતોને લીધે પણ ઘણાં વિદેશી સંશોધકો બીજા દેશોના વિઝા માટે અરજી કરી રહ્યા છે. 

અમેરિકા કરતાં યુરોપના દેશોમાં સારી ઓફર

યુરોપના ખમતીધર દેશો ‘બ્રેઇન ડ્રેઇન’ની આ તકનો મહત્તમ લાભ લેવા માટે લાયક સંશોધકોને ઘણી સારી ઓફર આપી રહ્યા છે. અમેરિકામાં મળે છે એના કરતાં બમણું ભંડોળ આપીને અને ઝડપી વિઝા મંજૂરીની ખાતરી આપીને તેઓ સંશોધકોને તેમની ભૂમિ તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકા કરતાં બહેતર સામાજિક સ્થિતિ, સાંસ્કૃતિક વાતાવરણ, ગુણવત્તાયુક્ત જીવનધોરણ, કરિયર અને અંગતજીવન વચ્ચેનું સંતુલન, વધુ સારી મેડિકલ સગવડો, ઓછો ક્રાઇમ રેટ, ઓછું પ્રદૂષણ જેવા મુદ્દાઓને આગળ કરીને યુરોપના દેશો સંશોધકોને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. 

ચીને પણ કરી અમેરિકાની ટીકા 

અમેરિકન બુદ્ધિમતાને ‘એનકેશ’ કરવામાં ચીન પણ પાછું પડવા માંગતું નથી. ચીનની સરકારે તો આ મુદ્દે હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો, પણ ચીનની સરકાર દ્વારા સંચાલિત અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં અમેરિકાની ટીકા કરતો એક લેખ છપાયો છે, જેમાં વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રને અસ્થિર કરવા બદલ અમેરિકન સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. લેખમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઘણાં ચાઇનીઝ-અમેરિકન વિજ્ઞાનીઓ અમેરિકા છોડીને હવે ચીનના ‘વધુ ખુલ્લા (open), સમાવિષ્ટ(inclusive) અને તકોથી સમૃદ્ધ(opportunity-rich)’ વાતાવરણ તરફ નજર દોડાવી રહ્યા છે.

…તો બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું બ્રેઇન ડ્રેઇન થશે

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની નાઝી સેનાએ યુરોપમાં એવો કેર વર્તાવ્યો હતો કે લોકો જે હાથમાં આવ્યું તે લઈને દુનિયાના અન્ય દેશોમાં ભાગી ગયા હતા. આમાં યુરોપના બૌદ્ધિકોનો પણ સમાવેશ થતો હતો. સેંકડો વિજ્ઞાનીઓ, સંશોધકો અને અને ટેક્નિશિયનો જીવ બચાવવા માટે સપરિવાર યુરોપથી પલાયન થઈ ગયા હતા. અમેરિકાએ તક ઝડપીને તેમને પોતાને ત્યાં સંઘરી લીધા, જેને લીધે અમેરિકાના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક કાર્યક્રમોને વેગ મળ્યો. ઘણાંને નવા ઓળખ દસ્તાવેજો આપીને અમેરિકાએ તેમની સલામતી પણ સુનિશ્ચિત કરી. વિશ્વયુદ્ધમાં યુરોપ બરબાદ થઈ ગયું હોવાથી યુદ્ધ સમાપ્ત થયા બાદ પણ અમેરિકા જઈને વસી જવાનો ‘યુરોપિયન પ્રવાહ’ જારી રહ્યો હતો. માનવ ઇતિહાસનું એ સૌથી મોટું ‘બ્રેઇન ડ્રેઇન’ હતું, જેણે અમેરિકાની પ્રગતિમાં સિંહફાળો ભજવ્યો અને અમેરિકા આજે જે સ્થાને છે એ સ્થાને પહોંચાડ્યું.

હવે, આટલા દાયકાઓ પછી એનું ઉલ્ટું થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકામાં ભાવિ ધૂંધળું જણાતાં ત્યાંના ‘સુપર બ્રેઇન’ યુરોપ (અને બીજા દેશોમાં) જઈને વસવાની તૈયારી કરી રહ્યા છે. 

આ પણ વાંચો : BIG NEWS: અમેરિકાના 'વૉર પ્લાન'ની માહિતી લીક! NSAએ ગ્રૂપમાં ભૂલથી પત્રકારને જોડી દીધા

સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા

અમુક-અમુક સંશોધકોએ સોશિયલ મીડિયા પર આ બાબતની પોસ્ટ મૂકતાં આ મુદ્દાને હવા મળી છે. લોકો જાતજાતની કમેન્ટ્સનો મારો ચલાવી રહ્યા છે. 

એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘ચીન માટે મોટા સમાચાર! અમેરિકામાં 10 વર્ષથી કામ કરી રહેલા AI ક્ષેત્રના મહાન સંશોધક ડૉ. ગુઓ-જૂન ક્વિ ચીન પાછા આવવાનું નક્કી કરી ચૂક્યા છે! તેમનું આ પગલું AI ક્ષેત્રે સંશોધન કરી રહેલાઓ માટે ‘વેક-અપ કોલ’ સમાન છે.’

એક અમેરિકન નાગરિકે X પર ધારદાર કટાક્ષ કરતાં લખ્યું હતું કે, ‘પેઢીઓથી અમેરિકા દુનિયાની સમસ્યાના ઉકેલ આપતું રહ્યું છે. હવે અમે વિજ્ઞાનીઓને હાંકી કાઢીએ છીએ, ડેટા ભૂંસી નાખીએ છીએ, સંશોધનો રદ કરીએ છીએ, સેન્સરશિપ લગાડી દઈએ છીએ. હવે અમે નિષ્ણાતોને કહીએ છીએ કે જો તમારે તમારી નોકરી જાળવી રાખવી હોય તો અમે કહીએ એ શબ્દોનો ઉપયોગ કરશો નહીં. અમેરિકાના ‘શ્રેષ્ઠતમ દિમાગો’ પેકઅપ કરીને અમેરિકા છોડી રહ્યા છે.’

જે ‘બ્રેઇન ડ્રેઇન’ની ચર્ચાઓ હાલ ચાલી રહી છે, એ જો વાસ્તવમાં બન્યું તો અમેરિકાને ચોક્કસપણે ફટકો પડશે અને એના પ્રતિસ્પર્ધી દેશો ફાવી જશે. અલબત્ત, આ બાબતે અત્યાર પૂરતી કોઈપણ ધારણા બાંધી લેવી વધુ પડતી ગણાશે.


Tags :