અમેરિકા પર આફત! ન્યૂ ઓર્લિયન્સમાં હુમલામાં 14 મોત, FBIની નાગરિકોને ચેતવણી
FBI Warns to USA : અમેરિકામાં નવા વર્ષની ઉજવણી ટાણે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલો થયો હતો, જેમાં 14 લોકોના મોત થયા બાદ FBI એટલે કે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને અમેરિકામાં વધુ હુમલા થવાની સંભાવના વ્યક્ત કરી છે. એફબીઆઈ આવા જ વધુ હુમલાની આશંકા વ્યક્ત કરી ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે તેમજ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાને આવે તો તેની જાણ FBIને કરવા અપીલ કરી છે. ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાની વાત કરીએ તો હુમલાખોર શબસુદ્દીન જબ્બારનું આતંકવાદી સંગઠન ISIS સાથે કનેક્શન હોવાનું કહેવાઈ રહ્યું છે.
અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ જેવા વધુ હુમલા થવાની શંકા
મીડિયા રિપોર્ટ મુજબ FBIએ સોમવારે ચેતવણી જારી કરી કહ્યું છે કે, અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ જેવા વધુ હુમલા થઈ શકે છે. અહેવાલો મુજબ FBI અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને ચિંતા છે કે, ઉગ્રવાદીઓ વાહનનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે. તેમનું માનવું છે કે, સામાન્ય રીતે હુમલાખોરો વિદેશી આતંકવાદીઓના ઓછાયા હેઠળ હુમલો કરે છે. આતંકીઓ આવી રીતે ફરી હુમલો કરવાનો પ્રયાસ કરે છે.
ન્યૂ ઓર્લિયન્સમાં થયેલો હુમલો આતંકવાદી કૃત્ય : FBI
FBIએ ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા હુમલાને આતંકવાદી કૃત્ય હોવાનું જાહેર કર્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે, ‘42 વર્ષિય હુમલાખોર શબસુદ્દીન જબ્બાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો હતો. તેના વાહન પાછળથી કાળો ઝંડો મળી આવ્યો હતો. જબ્બારે આતંકી સંગઠનને સમર્થન આપી એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. એજન્સીએ એવું પણ કહ્યું છે કે, પોલીસ કાર્યવાહીમાં માર્યો ગયેલો જબ્બાર આતંકવાદી હતો કે નહીં, તે અમે જાણતા નથી, પરંતુ તેણે કરેલા હુમલાની મોરસ ઓપરેન્ડી આતંકી સંગઠને અગાઉ કરેલા હુમલા જેવી હતી.
વર્ષ 2017માં લંડનના વેસ્ટમિન્સ્ટર બ્રિઝ પર હુમલો કરીને નાગરિકોને નિશાન બનાવાયા હતા. આ દરમિયાન હુમલા માટે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2016માં બર્લિન અને ફ્રાંસીસી શહેરમાં પણ હુમલાઓ થયા હતા.
આ પણ વાંચો : ટ્રમ્પની શપથવિધિ અગાઉ મૂળ ભારતીયો પર આફત, કંપનીઓમાં લેવાઈ રહ્યા છે રાજીનામા